સુરેન્દ્રનગર જમીન NA કૌભાડઃ NA કરવા ભાવ બોલાતો હતો
ED એ પૂર્વ કલેક્ટર રાજેન્દ્ર પટેલ અને નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરી સામે રજૂ કરી ચાર્જશીટ

સુરેન્દ્રનગરના તત્કાલિન કલેક્ટર રાજેન્દ્ર પટેલની ફાઈલ તસવીર

સુરેન્દ્રનગરના તત્કાલિન કલેક્ટર રાજેન્દ્ર પટેલની ફાઈલ તસવીર
સુરેન્દ્રનગર જિલ્લામાં જમીનને નોન-એગ્રીકલ્ચર (NA) કરવાના કૌભાંડ મામલે ED એ ચાર્જશીટ રજૂ કરી છે. આ કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા વિશેષ કોર્ટમાં આરોપનામું દાખલ કરવામાં આવ્યું છે. આરોપનામામાં પૂર્વ કલેક્ટર રાજેન્દ્ર પટેલ અને નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરી સહિતના આરોપીઓ સામે ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે.
ED દ્વારા રજૂ કરવામાં આવેલી ચાર્જશીટમાં પૂર્વ કલેક્ટર રાજેન્દ્ર પટેલ સામે 9 કરોડ રૂપિયાથી વધુની ગેરરીતિ અને ગેરકાયદે આર્થિક લાભ મેળવવાના આરોપો કરવામાં આવ્યા છે. EDની તપાસમાં બહાર આવ્યું છે કે, જમીનને NA કરવાની પ્રક્રિયામાં સરકારી નિયમોનું ઉલ્લંઘન કરીને કેટલાક લોકોને લાભ પહોંચાડવામાં આવ્યો હતો.
આ સમગ્ર મામલો 1500 કરોડ રૂપિયાથી વધુ કિંમતની જમીન સાથે જોડાયેલો હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. EDએ જમીન સોદા સાથે જોડાયેલા નાણાકીય વ્યવહારો, દસ્તાવેજો અને અધિકારીઓની ભૂમિકા અંગે વિસ્તૃત તપાસ હાથ ધરી હતી.
પુરાવાના આધારે EDએ વિશેષ કોર્ટમાં આરોપનામું રજૂ કર્યું છે. જમીનને NA કરવા માટેની પ્રક્રિયામાં કાયદાકીય નિયમોનું પાલન નહી કરવાની સાથે કેટલાક કિસ્સાઓમાં સત્તાનો દુરુપયોગ કરી ગેરકાયદે મંજૂરી આપવામાં આવી હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી છે.
આ કેસમાં પૂર્વ કલેક્ટર રાજેન્દ્ર પટેલ ઉપરાંત નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરીની ભૂમિકાની તપાસ કરવામાં આવી હતી. EDના આરોપ મુજબ જમીનના NA મંજૂરી પ્રક્રિયામાં બંને અધિકારીઓની સંડોવણી અંગે તપાસમાં અનેક મુદ્દાઓ સામે આવ્યા છે.
આ કેસમાં EDએ પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA) હેઠળ તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન ગેરકાયદે પ્રાપ્ત થયેલા નાણાંના સ્ત્રોત અને તેના ઉપયોગ અંગે પણ તપાસ કરવામાં આવી હતી. વિશેષ કોર્ટમાં આરોપનામું દાખલ થયા બાદ આગામી દિવસોમાં કોર્ટ દ્વારા ચાર્જ ફ્રેમ કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. ત્યારબાદ કેસની નિયમિત સુનાવણી શરૂ થશે અને આરોપીઓ સામેના આરોપો અંગે કાનૂની કાર્યવાહી આગળ વધશે.
સુવ્યવસ્થિત સિસ્ટમેટિક કૌભાંડઃ ED
ED એ સુરેન્દ્રનગર જિલ્લામાં જમીન NA કરી આપવાના નામે રૂપિયા પડાવવાનું સુનિયોજિત કૌભાંડ ગણાવ્યું છે. જમીન કૌભાંડમાં તત્કાલિન કલેક્ટર ડૉ. રાજેન્દ્ર પટેલ, કલેક્ટરના પીએ જયરાજસિંહ ઝાલા, નિવાસી અધિક કલેક્ટર રાજેન્દ્ર ઓઝા, મામલતદાર મયુર દવે, NA શાખાના નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરી અને NA શાખાના કારકુન મયુરસિંહ ગોહિલ સામેલ છે.
કેવી રીતે રકમ વહેંચવામાં આવતી હતી?
સુરેન્દ્રનગરમાં જમીન NA કરવા માટે રીતસરનો ભાવ બોલાતો હતો. કલેક્ટર 50%, નિવાસી અધિક કલેક્ટર 25%, મામલતદાર 10%, નાયબ મામલતદાર 10% અને ક્લાર્કના 5% પ્રમાણે રકમની વહેંચણી થતી હતી.
કૌભાંડ કરવા માટે અરજીઓ રોકી દેવામાં આવતી
ચાર્જશીટમાં ઈડીએ ઉલ્લેખ કર્યો છે કે, તમામ કૌભાંડીઓ જમીનન અરજીઓ ઝડપથી આગળ વધારવા માટે સુવ્યવસ્થિત આયોજન બનાવ્યું હતું. અરજદાર પાસેથી રૂપિયા ના મળે તો અરજીઓ વિલંબિત કરવી અને કામગીરીને લટકાવી રાખવા માટે ટીમવર્ક સાથે આયોજન કરવામાં આવતું હતું. અરજી નકારવા માટે વિવિધ કારણો અપાતા હતા. કાયદાની આંટીઘૂંટી જેમ કે સ્ટેમ્પ ડ્યુટી, માલિકી સહિતના વાંધાઓ ઉઠાવીને અરજીઓ નકારી કાઢવામાં આવતી.
કૌભાંડીઓએ નેટવર્ક બનાવ્યું હતું
મયુરસિંહ ગોહિલ, ચંદ્રસિંહ મોરી તેમજ જયરાજસિંહ ઝાલા તમામ હિસાબને લગતી વિગતો જાળવી રાખતા હતા. વોટ્સએપ દ્વારા અને પ્રિન્ટ સ્વરૂપે હિસાબ આપવામાં આવતો હતો. ઓફિસનો સમય પૂર્ણ થયા બાદ રોકડ રકમનો વ્યવહાર અધિકારીઓને સોંપવામાં આવતો હતો. ચંદ્રસિંહ મોરીના ઘરેથી તમામ હિસાબ, ડિજિટલ રેકોર્ડ્ઝ સહિતની સામગ્રી જપ્ત કરાઇ હતી. તપાસ દરમિયાન 5/12/2024 થી 25/11/2025 દરમિયાન જમા થયેલી લાંચની રકમ 9.70 કરોડથી વધુની હોવાનું સામે આવ્યું છે.
શું હતો સમગ્ર મામલો?
સુરેન્દ્રનગર જિલ્લામાં જમીનો બિનખેતી કરવા માટે કૌભાંડ આચરવામાં આવતા હોવા મુદ્દે ED દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. જેમાં તત્કાલીન કલેકટર રાજેન્દ્ર પટેલની અટકાયત કરી લેવામાં આવી હતી. આ ઉપરાંત નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરીના વઢવાણ ખાતે આવેલા નિવાસ્થાને દરોડા પાડી 67 લાખ રૂપિયા રોકડ રકમ જપ્ત કરવામાં આવી હતી. તત્કાલFન કલેકટર રાજેન્દ્ર પટેલના ઘરે દરોડા પાડી મોબાઈલ ફોન, લેપટોપ, પેન ડ્રાઈવ અને પૈસા લેતી-દેતીના હિસાબો જપ્ત કરવામાં આવ્યા હતા અને આ અંગે તપાસ શરૂ કરવામાં આવી હતી.
સુરેન્દ્રનગર જિલ્લામાં 1500 કરોડથી વધુની આર્થિક લેવડ-દેવડના હિસાબો મળ્યા હતા. જેમાં જમીન ખેતી NA કરવા પાછળ રૂપિયા પડાવવાના રેકેટનો પર્દાફાશ કરવામાં આવ્યો હતો. ED દ્વારા તત્કાલિન કલેકટર રાજેન્દ્ર પટેલ, તેમના PA જયરાજસિંહ ઝાલા, મયુરસિંહ ગોહિલ તથા મામલતદાર મયુર દવે અને અધિક કલેક્ટર આર. કે. ઓઝા સામે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.
તપાસમાં જાણવા મળ્યું હતું કે, કટકીની જે રકમ લેવામાં આવતી હતી તેના 50% હિસ્સો તત્કાલિન કલેક્ટર રાજેન્દ્ર પટેલ લેતા હતા અને તેનો વહીવટ તેના પીએ જયરાજસિંહ ઝાલા હસ્તક ચાલતો હતો. આ ઉપરાંત 25% રકમ સુરેન્દ્રનગરના અધિક કલેક્ટર આર.કે.ઓઝા અને 5 % રકમ મામલતદાર મયુર દવે લેતા હોવાનો તપાસમાં ખુલાસો થયો હતો.
ED દ્વારા ફરિયાદ દાખલ કર્યા બાદ તત્કાલિન કલેકટર રાજેન્દ્ર પટેલના અંગત ગણાતા મામલતદાર મયુર દવેને ગાંધીનગર મહેસુલ વિભાગ દ્વારા સસ્પેન્ડ કરી ડાંગ બદલી કરી દેવામાં આવી હતી. જ્યારે ક્લાર્ક મયુરસિંહ ગોહિલ અને કલેકટરના પીએ જયરાજસિંહ ઝાલાને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.
સુરેન્દ્રનગર અધિક કલેક્ટર આર. કે. ઓઝા સામે પણ કાર્યવાહી કરવામાં આવી હતી. આર.કે.ઓઝાની વડોદરા ખાતે બદલી કરવામાં આવી છે. ટૂંક સમયમાં તેમની સામે હવે આવક કરતા વધુ સંપત્તિ છે કે કેમ? તે અંગે પણ તપાસ કરવામાં આવશે.
ACBએ SITની રચના કરી હતી
આવક કરતા વધુ સંપત્તિ ધરાવવા મુદ્દે તત્કાલિન કલેકટર રાજેન્દ્ર પટેલ, તત્કાલિન કલેકટરના પીએ જયરાજસિંહ ઝાલા અને મયુરસિંહ ગોહિલ અને ચંદ્રસિંહ મોરી ઉપર ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. એસીબી વિભાગ દ્વારા આ ગુનો દાખલ કરી અને વધુ તપાસ શરૂ કરવામાં આવી હતી. ACB દ્વારા એક SITની રચના કરી SITમાં એસીબીના નાયબ નિયામક બી. જે. પંડ્યા, ઇન્ચાર્જ મદદનીશ નિયામક રાજકોટ એસીબી વિભાગના કે. એચ. ગોહિલ, મદદનીશ નિયામક અમદાવાદના આર. બી. દેસાઈ, એસીબી વિભાગના પોલીસ ઇન્સ્પેક્ટર ડી. એન. પટેલ, સુરેન્દ્રનગર એસીબી વિભાગના પોલીસ ઇન્સ્પેક્ટર એમ. ડી. પટેલ અને મોરબી એસીબી વિભાગના પોલીસ ઇન્સ્પેક્ટર પી. એ. દેકાવાડિયાને એસઆઇટી અધિકારી તરીકે નિમણૂક કરી હતી.
રાજેન્દ્ર પટેલને સસ્પેન્ડ કરાયા હતા
સુરેન્દ્રનગરના તત્કાલિન કલેક્ટર રાજેન્દ્રકુમાર પટેલ વિરુદ્ધ પ્રિવેન્સન ઓફ મની લોન્ડરિંગ એક્ટ હેઠળ કેસની તપાસ ચાલુ હતી. 2 જાન્યુઆરીએ તેમની ED દ્વારા ધરપકડ કરવામાં આવી હતી અને તેઓ 7મી જાન્યુઆરી સુધી કસ્ટડીમાં હતી. તેમની કસ્ટડીનો સમયગાળો 48 કલાકથી વધી ગયો હોવાથી ગુજરાત સરકારે રાજ્યપાલના હુકમથી ઓલ ઈન્ડિયા સર્વિસ રૂલ્સ 1969ના નિયમ 3ના પેટા નિયમ (2) મુજબ IAS રાજેન્દ્ર પટેલને 2 જાન્યુઆરી 2026ની તારીખથી સસ્પેન્ડ કર્યા હતા. EDએ કરેલી ધરપકડ અને PMLA એક્ટ હેઠળ કોઇ કલેકટર સામે કાર્યવાહી થવાનો ભારતમા પહેલો કેસ છે.
PMO માં રજૂઆત થતાં ED સક્રિય થઈ હતી
ધાંગધ્રા તાલુકાના મોટી માલવણ ગામના અરજદારે પીએમઓ ઓફિસમાં રજૂઆત કરી હતી. ત્યારબાદ દરોડા પાડવામાં આવ્યા હતા. ધાંગધ્રા તાલુકાના મોટી માલવણ ગામમાં 850 કરોડથી વધુના ખર્ચથી સોલાર પ્લાન્ટ ઊભો કરવામાં આવ્યો છે. 60 કરોડનો પ્લાન્ટ બતાવી 850 કરોડથી વધુનો પ્લાન્ટ નાખવામાં આવ્યા હોવાની રજૂઆત ફરિયાદી દ્વારા કરવામાં આવી હતી. નજીકમાં ઘુડખર અભ્યારણ હોવાના કારણે આજુબાજુના પ્રાણીઓની સુરક્ષા માટે વ્યવસ્થા કરવાની હોય છે. તે વ્યવસ્થા ન કરવામાં આવી હોય અને પ્લાન્ટ ગેરકાયદેસર ઉભો કરવામાં આવી હોવાની રજૂઆત પીએમઓ ઓફિસ ખાતે કરવામાં આવી હતી. 7 વખત સ્વાગત કાર્યક્રમમાં રજૂઆત કરવામાં આવી હતી તે છતાં પણ પ્રશ્નનો નિવેડો ન આવતા અંતે ફરિયાદી દ્વારા પીએમઓ ઓફિસમાં ઓનલાઈન અરજી કરવામાં આવી હતી.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાતમાં ‘આમ જનમત પાર્ટી’ સામે ₹843 કરોડથી વધુના શંકાસ્પદ વ્યવહારોનો મામલો સામે આવ્યો છે! દાનના નામે નાણાંની હેરફેર, ખર્ચના બિલો અંગે સવાલો અને સરકારી તિજોરીને ₹250 કરોડથી વધુના નુકસાનનો આરોપ

પાવાગઢમાં આસો નવરાત્રિ દરમિયાન માલવાહક રોપ-વેનું કંટ્રોલ ફેઇલ થતાં ટ્રોલી અને મશીન નીચે પટકાયાં. સદનસીબે જાનહાનિ નહીં. જાણો અકસ્માતની વિગતો અને પેસેન્જર રોપ-વે સેવાની સ્થિતિ.

રસ્તા પર લારી-પાથરણાં મૂકતા લોકો માટે ચેતવણી! 23 વર્ષ જૂના વહીવટી ચાર્જમાં ચારથી પાંચ ગણો વધારો મંજૂર થયો હોવાના અહેવાલ છે. હવે જપ્ત સામાન છોડાવવા ₹3,000 સુધીનો ચાર્જ અને અલગથી સ્ટોરેજ ફી ચૂકવવી પડી શકે છે.