Sumul Dairy MD Arun Purohit Resigns: સુરતની સુમુલ ડેરીમાં ચૂંટણી બાદ સર્જાયેલા રાજકીય સમીકરણો અને ડિરેક્ટરો વચ્ચેની આંતરિક ખેંચતાણ હવે વહીવટી સ્તરે પણ અસર કરતી જોવા મળી રહી છે. ડેરીના મેનેજિંગ ડિરેક્ટર (MD) અરુણ પુરોહિતે નિવૃત્તિને હજુ 11 મહિના બાકી હોવા છતાં પદ પરથી આપેલું રાજીનામું નિયામક મંડળની બેઠકમાં મંજૂર કરી દેવામાં આવ્યું છે. આ નિર્ણય બાદ સુમુલ ડેરીના વહીવટમાં મોટા ફેરફારનો માર્ગ મોકળો થયો છે. અરુણ પુરોહિત આગામી 30 નવેમ્બર સુધી MD તરીકે પોતાની ફરજ બજાવશે. ત્યારબાદ પૂર્વ MD ડો. પી.આર. પાંડેને ઇન્ચાર્જ મેનેજિંગ ડિરેક્ટર તરીકે જવાબદારી સોંપવાનો નિર્ણય લેવાયો છે. તેમને ઓફિસર ઓન સ્પેશિયલ ડ્યુટી (OSD) તરીકે પણ નિયુક્ત કરવામાં આવ્યા છે.
નિવૃત્તિના 11 મહિના પહેલાં અરુણ પુરોહિતે કેમ આપ્યું રાજીનામું?
મળતી વિગતો અનુસાર, અરુણ પુરોહિતે આશરે બે મહિના પહેલાં રાજીનામું આપ્યું હતું. હવે નિયામક મંડળની બેઠકમાં તેને સત્તાવાર મંજૂરી આપવામાં આવી છે. જોકે, તેમણે સમય પહેલાં પદ છોડવાનો નિર્ણય શા માટે લીધો તે અંગે ડેરી તરફથી કોઈ સ્પષ્ટ સત્તાવાર કારણ જાહેર કરવામાં આવ્યું નથી. બીજી તરફ, ડેરીની તાજેતરની ચૂંટણી બાદ બદલાયેલા રાજકીય સમીકરણો અને ડિરેક્ટરો વચ્ચેના મતભેદોને આ નિર્ણય સાથે જોડીને ચર્ચા થઈ રહી છે.
ડો. પી.આર. પાંડેની સુમુલ ડેરીમાં ફરી એન્ટ્રી
અરુણ પુરોહિત બાદ ડો. પી.આર. પાંડે સુમુલ ડેરીના વહીવટની જવાબદારી સંભાળશે. તેઓ અગાઉ પણ સુમુલ ડેરીમાં મેનેજિંગ ડિરેક્ટર તરીકે સેવા આપી ચૂક્યા છે. નિવૃત્તિ બાદ તેઓ બારડોલી નાગરિક સહકારી બેંક સાથે જોડાયેલા હતા. હવે તેમને OSD તરીકે નિમણૂક આપવાની સાથે ઇન્ચાર્જ MDનો વધારાનો ચાર્જ સોંપવાનો નિર્ણય લેવાયો છે. ડેરીના વહીવટનો અનુભવ ધરાવતા ડો. પાંડેની વાપસીથી આગામી દિવસોમાં સુમુલના વહીવટી નિર્ણયો અને કામગીરીમાં શું ફેરફાર આવે છે તેના પર સહકારી ક્ષેત્રની નજર રહેશે.
સુમુલ ડેરીમાં ભાજપના બે જૂથ વચ્ચે લાંબા સમયથી ખેંચતાણ
સુમુલ ડેરીમાં છેલ્લા એક દાયકાથી ભાજપના બે જૂથ વચ્ચે રાજકીય ખેંચતાણ ચાલતી હોવાની ચર્ચા રહી છે. પૂર્વ પ્રમુખ માનસિંહ પટેલ અને પૂર્વ ઉપપ્રમુખ રાજુ પાઠક સાથે જોડાયેલા જૂથો વચ્ચેના મતભેદો ચૂંટણી દરમિયાન પણ સામે આવ્યા હતા. તાજેતરની ચૂંટણીમાં ભાજપ દ્વારા માનસિંહ પટેલને મેન્ડેટ ન અપાતાં તેમના જૂથ સાથે સંકળાયેલા ગણાતા ચોર્યાસીના ધારાસભ્ય સંદીપ દેસાઈ અને રાજુ પાઠક વચ્ચેના રાજકીય મતભેદો વધુ ચર્ચામાં આવ્યા હતા. પ્રમુખ પદની ચૂંટણી પણ ભાજપના મોવડી મંડળ દ્વારા બે વખત મોકૂફ રાખવામાં આવી હતી. ત્યારબાદ ગુજરાત સરકારના પૂર્વ મંત્રી કાંતિ ગામીતને પ્રમુખ અને સિનિયર ડિરેક્ટર ભરતસિંહ સોલંકીને ઉપપ્રમુખ બનાવવામાં આવ્યા હતા. જોકે, નવી વ્યવસ્થા અમલમાં આવ્યા બાદ પણ જૂથવાદ અને આંતરિક મતભેદો યથાવત હોવાની ચર્ચા છે.
MDના રાજીનામા બાદ સુમુલનું આગામી સમીકરણ શું હશે?
સુમુલ ડેરીમાં પ્રમુખ અને ઉપપ્રમુખની નિમણૂક બાદ હવે મેનેજિંગ ડિરેક્ટરના પદમાં પણ ફેરફાર થઈ રહ્યો છે. નિવૃત્તિના 11 મહિના પહેલાં અરુણ પુરોહિતનું રાજીનામું મંજૂર થવું અને ડો. પી.આર. પાંડેને ઇન્ચાર્જ MDની જવાબદારી સોંપવી સહકારી ક્ષેત્રમાં ચર્ચાનો વિષય બન્યું છે. હવે સૌથી મોટો સવાલ એ છે કે આ વહીવટી ફેરફાર બાદ સુમુલ ડેરીમાં આંતરિક ખેંચતાણ ઓછી થશે કે રાજકીય સમીકરણો વધુ બદલાશે? આગામી દિવસોમાં નવા ઇન્ચાર્જ MDની કામગીરી અને નિયામક મંડળના નિર્ણયો પર સૌની નજર રહેશે.