Ahmedabad News: અમદાવાદ શહેરમાં ડ્રગ્સના ગેરકાયદે વેપાર સામે અમદાવાદ પોલીસ અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા સંયુક્ત કાર્યવાહી કરવામાં આવી છે. સરખેજ વિસ્તારમાં NDPS એક્ટ હેઠળ નોંધાયેલા ગુનાઓમાં સંડોવાયેલા આરોપીઓ સાથે જોડાયેલા ત્રણ મકાનો પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું છે. સંન્યાસ આશ્રમ અને કૈલાશ આશ્રમ નજીક સરકારી જમીન પર થયેલા ગેરકાયદે બાંધકામને ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે તોડી પાડવામાં આવ્યાં હતાં. આ કાર્યવાહીના ડ્રોન વીડિયો પણ સામે આવ્યા છે. પોલીસના જણાવ્યા અનુસાર, 'નો ડ્રગ્સ અમદાવાદ' અભિયાન અંતર્ગત શહેરમાં નશાકારક પદાર્થોનું વેચાણ કરતા નાના-મોટા ડ્રગ્સ પેડલરો સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. ડ્રગ્સના ગેરકાયદે વેપાર સાથે સંકળાયેલા લોકોની મિલકતો અંગે પણ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
દંપતી સહિત ત્રણ સામે NDPSના ગુના, મકાનોનું ડિમોલિશન
ઝોન-7ના DCP શિવમ વર્માએ જણાવ્યું હતું કે સરખેજ પોલીસ અને ઝોન-7 LCB દ્વારા સુનીતા રાઠોડ અને દીપક રાઠોડ સામે NDPS એક્ટ હેઠળ ગુના નોંધવામાં આવ્યા હતા. પોલીસના જણાવ્યા મુજબ, સુનીતા અને દીપક પતિ-પત્ની છે, જ્યારે તેમની પાડોશમાં રહેતાં શાંતાબેન રાઠોડનું નામ પણ NDPS સંબંધિત ગુનામાં સામે આવ્યું હતું. તપાસ દરમિયાન આરોપીઓ સાથે જોડાયેલી મિલકતો સરકારી જમીન પર ગેરકાયદે બાંધવામાં આવી હોવાનું ધ્યાને આવતાં AMCને જાણ કરવામાં આવી હતી. ત્યારબાદ પોલીસ બંદોબસ્ત વચ્ચે ત્રણ મકાનો તોડી પાડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. DCPએ સ્પષ્ટ કર્યું હતું કે નશાકારક પદાર્થોના ગેરકાયદે વેપારમાં સંડોવાયેલા લોકો સામે કાયદેસરની કાર્યવાહી ચાલુ રહેશે. આવી પ્રવૃત્તિઓ સાથે જોડાયેલી ગેરકાયદે મિલકતો અંગે પણ તપાસ કરવામાં આવશે.
અગાઉ પણ આ જ વિસ્તારમાં થયું હતું ડિમોલિશન
પોલીસના જણાવ્યા મુજબ, વર્ષ 2025માં TP-90 વિસ્તારમાં AMC દ્વારા ડિમોલિશન કરવામાં આવ્યું હતું. તે સમયે છ મકાનો અને નવ કોમર્શિયલ બાંધકામ દૂર કરવામાં આવ્યાં હતાં. જોકે, આ જ વિસ્તારમાં ફરીથી બાંધકામ કરવામાં આવતાં અને નશાકારક પ્રવૃત્તિઓ ચાલુ હોવાની માહિતી મળતાં તંત્રએ ફરી કાર્યવાહી કરી છે. પોલીસ હવે સરખેજના આ વિસ્તારમાં સતત નજર રાખશે. જો ફરીથી ડ્રગ્સ વેચાણ કે અન્ય નશાકારક પ્રવૃત્તિ સામે આવશે તો સંબંધિત લોકો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
ગાંજાના દરોડામાં 2.174 કિલો જથ્થો અને ₹53.51 લાખ રોકડ મળી
આ બુલડોઝર કાર્યવાહી પાછળની તપાસમાં ચાર દિવસ અગાઉનો ગાંજાના વેચાણનો કેસ પણ મહત્ત્વનો છે. ઝોન-7 LCB અને બોડકદેવ પોલીસે થલતેજમાં મલાવ તળાવના છાપરા પાસે જાહેર રસ્તા પર ગાંજો વેચતા રાજુ ભીલ નામના યુવકને ઝડપી પાડ્યો હતો. પોલીસ પૂછપરછ દરમિયાન રાજુ ભીલ પાસેથી મળેલી માહિતીના આધારે સરખેજમાં સંન્યાસ આશ્રમ પાસે કૈલાશ તળાવ નજીક રહેતી સુનીતા રાઠોડના મકાનમાં દરોડો પાડવામાં આવ્યો હતો. આ તપાસ દરમિયાન ઘરમાંથી 2.174 કિલોગ્રામ ગાંજો મળી આવ્યો હતો. આ ઉપરાંત ઘરની તિજોરીમાં રાખેલી બેગમાંથી ₹53.51 લાખ રોકડા મળી આવ્યા હતા. આટલી મોટી રોકડ રકમ ક્યાંથી આવી તે અંગે પૂછપરછ કરતાં સુનીતા રાઠોડ સંતોષકારક જવાબ આપી શકી નહોતી, તેવું પોલીસનું કહેવું છે. પ્રાથમિક તપાસમાં ગાંજાનો જથ્થો રાજસ્થાનથી લાવવામાં આવતો હોવાની વિગતો સામે આવી હતી.
ડ્રગ્સ પેડલરો સામે પોલીસની કાર્યવાહી ચાલુ રહેશે
અમદાવાદ પોલીસ હવે ડ્રગ્સના વેચાણ સાથે સંકળાયેલા લોકોની મિલકતો અને તેમની ગેરકાયદે પ્રવૃત્તિઓ અંગે વધુ તપાસ કરી રહી છે. પોલીસના જણાવ્યા મુજબ, સરખેજ સહિત ઝોન-7 વિસ્તારમાં ડ્રગ્સના નેટવર્ક પર નજર રાખવામાં આવશે અને પુરાવાના આધારે આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.