સુરત: રખડતા શ્વાનોએ માસૂમ બાળકને ફાડી ખાધું
વાલક પાટિયામાં 5 શ્વાનોના હુમલામાં 3 વર્ષનો બાળક લોહીલુહાણ; શરીરે 30 જેટલા ટાંકા આવ્યા

શ્વાન હુમલો બાળક

શ્વાન હુમલો બાળક
સુરત શહેરમાં રખડતા શ્વાનોનો ત્રાસ ફરી એકવાર ચરમસીમાએ પહોંચ્યો છે. શહેરના લસકાણા વિસ્તારમાં આવેલા વાલક પાટિયા પાસે એક માસૂમ બાળક પર પાંચ જેટલા શ્વાનોના ઝુંડે જીવલેણ હુમલો કર્યો હતો. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ફફડાટ વ્યાપી ગયો છે. ગંભીર રીતે ઘવાયેલા બાળકને તાત્કાલિક સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.
ઘર પાસે રમતા બાળક પર તૂટી પડ્યા શ્વાન :
કરુણેશ હોમ્સ ગ્રીન વેલીમાં વોચમેન તરીકે ફરજ બજાવતા હિમલભાઈનો સાડા ત્રણ વર્ષનો પુત્ર ગણેશ સવારે ઘર પાસે રમી રહ્યો હતો. આ દરમિયાન અચાનક પાંચ જેટલા શ્વાનોએ તેના પર હુમલો કરી દીધો હતો. શ્વાનોએ બાળકના માથા અને શરીરના અન્ય ભાગોમાં નિર્દયતાથી બચકા ભર્યા હતા. બાળકની ચીસો સાંભળીને પિતા અને આસપાસના લોકો દોડી આવ્યા હતા અને મહામુસીબતે બાળકને શ્વાનોના ચુંગાલમાંથી છોડાવ્યો હતો.
30થી વધુ ટાંકા અને નાજુક હાલત :
શ્વાનોના હુમલામાં બાળક ગંભીર રીતે લોહીલુહાણ થઈ ગયું હતું. તેને તાત્કાલિક સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યો, જ્યાં તેની સર્જરી કરવી પડી હતી. બાળકના માથા અને શરીર પર ઊંડા ઘા હોવાને કારણે તેને 30થી 35 જેટલા ટાંકા લેવા પડ્યા છે. હાલમાં બાળકની સ્થિતિ નાજુક હોવાનું તબીબો જણાવી રહ્યા છે. બાળકના પિતાએ તંત્ર સામે રોષ ઠાલવતા રખડતા શ્વાનોના કાયમી નિકાલની માંગ કરી છે.
પાલિકાની કામગીરી સામે ઉઠ્યા સવાલો :
આ ઘટનાની જાણ થતા જ સુરત મહાનગરપાલિકાની શ્વાન પકડવાની ટીમ દોડતી થઈ હતી. સોસાયટી પાસેના ખુલ્લા પ્લોટમાંથી કેટલાક શ્વાનોને પકડવામાં આવ્યા છે. જોકે, સ્થાનિકોમાં ભારે આક્રોશ છે કારણ કે સુરતમાં છેલ્લા ત્રણ મહિનામાં જ કૂતરા કરડવાના 3200થી વધુ કેસ નોંધાયા છે. પાલિકાએ શ્વાનોના રસીકરણ અને ખસીકરણ પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ કર્યો હોવા છતાં ગ્રાઉન્ડ લેવલ પર પરિણામ શૂન્ય દેખાઈ રહ્યું છે.
કરોડોનો ખર્ચ છતાં પરિણામ નહીં :
માહિતી મુજબ, પાલિકાએ છેલ્લા ત્રણ વર્ષમાં શ્વાન નિયંત્રણ માટે 5.58 કરોડ રૂપિયાથી વધુનો ખર્ચ કર્યો છે. એક અંદાજ મુજબ એક શ્વાન પાછળ સરેરાશ 1268 રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે, તેમ છતાં બાળકો અને રાહદારીઓ પર હુમલાની ઘટનાઓ અટકવાનું નામ લેતી નથી.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

અમદાવાદમાં રિક્ષા-ટેક્સી હડતાળનો બીજો દિવસ… પણ રસ્તા પર રિક્ષા હજુ કેમ દોડી રહી છે? હડતાળ વચ્ચે રિક્ષા રોકાવવાના અને વધુ ભાડું વસૂલવાના આક્ષેપો પણ સામે આવ્યા છે. આખરે અમદાવાદમાં ચાલી શું રહ્યું છે?

GSFCમાં આખરે મેન્ટેનન્સ દરમિયાન ગેસ કયા કારણોસર લીક થયો? શું આ દુર્ઘટનામાં કોઈ બેદરકારી હતી? પોલીસ તપાસમાં શું સામે આવશે?

ગણપતિ બાપ્પાના આગમન પહેલાં સુરતમાં બદલાઈ ગયો યુવાનોનો અંદાજ! આખરે શું છે નવો ટ્રેન્ડ અને કેમ પહોંચી રહ્યો છે વેપાર રૂ.20 કરોડને પાર? જાણો સંપૂર્ણ હકીકત…