DCP નકુમ સામે હાઈકોર્ટની લાલ આંખ
વાળ પકડી દંડા ફટકારવાના વિવાદમાં 'સુઓમોટો' લેવાતા સસ્પેન્શનની તલવાર લટકી

ફાઇલ તસવીર

ફાઇલ તસવીર
Surat Custody Torture Controversy: સુરતમાં હત્યાના પ્રયાસના કેસમાં ઝડપાયેલા પાંચ આરોપીઓને 13 જુલાઈના રોજ જાહેર રસ્તા પર ફેરવીને ઢોર માર મારનારા ડીસીપી રાજદીપસિંહ નકુમની મુશ્કેલીઓમાં ભારે વધારો થયો છે. સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈનનો ખુલ્લેઆમ ભંગ થવાને કારણે જાણીતા વકીલ ઉત્કર્ષ દવેએ ગુજરાત હાઈકોર્ટ સમક્ષ સુઓમોટો દાખલ કરવા માટે અરજી કરી હતી, જેનો સ્વીકાર કરીને હાઈકોર્ટે આ ગંભીર મામલે કાનૂની કાર્યવાહી શરૂ કરી દીધી છે. અત્રે ઉલ્લેખનીય છે કે સુરતના નાસીરનગર ડિમોલિશન વખતે પણ ડીસીપી નકુમની હાજરીને લઈને ભારે વિવાદ અને સવાલો ઉઠ્યા હતા.
13 જુલાઈએ બનેલી ઘટના અને ચાર્જ સંભાળતાની સાથે જ મનમાની
આ સમગ્ર પ્રકરણની પૃષ્ઠભૂમિની વાત કરીએ તો, સલાબતપુરા વિસ્તારમાં બનેલા હત્યાના પ્રયાસના કેસની તપાસ હાલ એસટી/એસસી (ST/SC) સેલના એસીપી (ACP) કરી રહ્યા છે. તે સમયે ઝોનના મૂળ ડીસીપી અમદાવાદ રથયાત્રાના બંદોબસ્તમાં રોકાયેલા હોવાથી, તે ચાર્જ રાજદીપસિંહ નકુમને સોંપવામાં આવ્યો હતો. ચાર્જ સંભાળતાની સાથે જ તેમણે કાયદો અને વ્યવસ્થા જાળવવાના નામે સ્થળ પર એસોજી (SOG) ની ટીમને બોલાવી લીધી હતી. ઉપલબ્ધ વીડિયો ફૂટેજ અને પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા મુજબ, એસોજીની ટીમ પણ સાહેબના પગલે ચાલીને આરોપીઓને જાહેરમાં નિર્દયતાથી મારપીટ કરતી નજરે પડી હતી.
આરોપીઓના વાળ પકડીને લાફા અને લાકડીઓથી બેરહેમીપૂર્વક માર
હત્યાના પ્રયાસના ગુનામાં પકડાયેલા પાંચેય આરોપીઓને કાયદાનો પાઠ ભણાવવાના નામે ડીસીપી રાજદીપ નકુમ ડીજીપી (DGP) અને સુપ્રીમ કોર્ટના તમામ આદેશોને ભૂલી ગયા હતા. આરોપીઓનું જાહેરમાં સરઘસ કાઢવામાં આવ્યું હતું અને રસ્તા પર થોડે-થોડે અંતરે તેમને ઊભા રાખીને તેમના વાળ પકડીને લાફા અને લાકડીઓ ફટકારવામાં આવી હતી. આ અમાનવીય સરઘસ દરમિયાન ડીસીપી દ્વારા પોતે જ આરોપીઓ પર 25 થી વધુ લાકડીના ઘા કરવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે, જેણે પોલીસ તંત્રની છબીને ખરડવાનું કામ કર્યું છે.
વકીલ ઉત્કર્ષ દવે દ્વારા ચીફ જસ્ટિસને પત્ર અને હાઈકોર્ટનું કડક વલણ
ગત 15 જુલાઈના રોજ ગુજરાત હાઈકોર્ટના વરિષ્ઠ વકીલ ઉત્કર્ષ દવે દ્વારા ચીફ જસ્ટિસને એક અત્યંત મહત્વપૂર્ણ પત્ર લખીને આ મામલે હાઈકોર્ટ દ્વારા સ્વયંભૂ સુઓમોટો સંજ્ઞાન લેવાની માંગ કરવામાં આવી હતી. એડવોકેટ ઉત્કર્ષ દવેએ રજૂઆત કરી હતી કે ઉચ્ચ પોલીસ અધિકારીઓનું આ પ્રકારનું બેફામ અને ક્રૂર વર્તન એ કાયદાના શાસન અને બંધારણીય લોકશાહી પર મોટો કાળો ધબ્બો છે. જો આ આરોપો સાચા સાબિત થાય તો તે ભારતીય બંધારણની કલમ 14 એટલે કે સમાનતાનો અધિકાર અને કલમ 21 એટલે કે જીવવાનો અને વ્યક્તિગત સ્વતંત્રતાના અધિકારનું ખુલ્લું ઉલ્લંઘન છે. કાયદાકીય જોગવાઈ મુજબ કોઈપણ અધિકારીને ટ્રાયલ પૂરી થયા વગર સજા આપવાનો કે જાહેરમાં અપમાન કરવાનો કોઈ જ અધિકાર નથી.
DCP સાથે રહેલા સ્ટાફ સામે પણ ખાતાકીય સંકટ અને કાનૂની સકંજો
સુપ્રીમ કોર્ટના અગાઉના અનેક ઐતિહાસિક ચુકાદાઓમાં અટકાયત અને કસ્ટડી દરમિયાન આરોપીઓ સાથે કેવું વર્તન કરવું તેની કડક ગાઈડલાઈન્સ આપવામાં આવી છે. કાયદાનું જ્ઞાન અને ઉચ્ચ હોદ્દો ધરાવતા હોવા છતાં આઈએપીએસ (IPS) અધિકારી રાજદીપસિંહ નકુમે આ તમામ નિયમોને નેવે મૂક્યા છે. હાઈકોર્ટના આ સુઓમોટો પગલાં બાદ માત્ર ડીસીપી જ નહીં, પરંતુ તેમની સાથે રહીને કસ્ટડીમાં આરોપીઓ પર અત્યાચાર ગુજારનાર નીચલા સ્તરના તમામ પોલીસ કર્મચારીઓ વિરુદ્ધ પણ મોટું કાનૂની સંકટ ઊભું થયું છે. આ સમગ્ર પોલીસ ટુકડી સામે દાખલારૂપ શિસ્તભંગની અને ફોજદારી કાર્યવાહી થવાની પૂરેપૂરી શક્યતા છે.
તત્કાલીન ઈન્ચાર્જ DGP ના સ્પષ્ટ પરિપત્ર અને નિયમોનો સરેઆમ ઉલાળિયો
ગુજરાતમાં કસ્ટોડિયલ વાયલન્સ અને જાહેરમાં સરઘસ કાઢવાની પ્રથા પર રોક લગાવવા માટે તત્કાલીન ઈન્ચાર્જ ડીજીપી ડૉ. કે.એલ.એન. રાવ દ્વારા સત્તાવાર પરિપત્ર બહાર પાડવામાં આવ્યો હતો. આ પરિપત્રમાં સ્પષ્ટ આદેશ હતો કે પોલીસ કોઈપણ આરોપીનું જાહેરમાં સરઘસ કાઢી શકશે નહીં, તેમની પાસે ઉઠક-બેઠક કે ઘૂંટણિયે ચલાવી શકશે નહીં અને ગમે તેવા ગંભીર ગુનેગારને પણ જાહેરમાં લાત કે લાકડીથી મારી શકાશે નહીં. આમ છતાં, રાજદીપસિંહ નકુમે આ તમામ આદેશોની ઐસીતૈસી કરી નાખી હતી.
ખેડા ફ્લોગિંગ કેસના કડક ચુકાદા અને ડી.કે. બાસુ કેસની માર્ગદર્શિકાની અવગણના
વર્ષ 2022 માં ખેડા જિલ્લાના ઉંઢેલા ગામમાં બનેલા ચકચારી 'ખેડા ફ્લોગિંગ કેસ'માં ગુજરાત હાઈકોર્ટે કોર્ટના તિરસ્કાર બદલ 4 પોલીસકર્મીઓને દોષી ઠેરવીને 14 દિવસની જેલની સજા ફટકારી હતી. સુરતની આ ઘટના સાબિત કરે છે કે પોલીસ અધિકારીઓ હજુ પણ હાઈકોર્ટના તે સીમાચિહ્નરૂપ ચુકાદામાંથી કોઈ બોધપાઠ શીખ્યા નથી. આ ઉપરાંત, 'ડી.કે. બાસુ વિરુદ્ધ પશ્ચિમ બંગાળ રાજ્ય (1997)' અને 'પ્રકાશ સિંહ કેસ' ના ઐતિહાસિક ચુકાદાઓ તથા સુપ્રીમ કોર્ટની સ્પષ્ટ ગાઈડલાઇન્સની પણ અહીં ઘોર અવગણના કરવામાં આવી છે, જેને અદાલતે અત્યંત ગંભીરતાથી નોંધી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

વડોદરામાં દુકાનદારોએ પૂરા પૈસા ભર્યા, છતાં 20થી 40 ટકા ઓછો જથ્થો મળ્યાનો આક્ષેપ! આખરે સિંગતેલના પુરવઠામાં શું થયું?

મેટ્રોની ટિકિટ સસ્તી કે પાર્કિંગનો ખર્ચ વધારે? અમદાવાદના મુસાફરો માટે નવો સવાલ! નવરંગપુરા, સાબરમતી, વસ્ત્રાલ સહિત 10 મેટ્રો સ્ટેશન પર પાર્કિંગ માટે હવે ખિસ્સું ઢીલું કરવું પડી શકે છે!

₹59,350ની બાંધણી, ₹3.19 લાખનાં દાગીના અને ₹4.14 લાખની પુસ્તક ખરીદી… પૂર્વ કુલપતિ ડૉ. નીરજા ગુપ્તાના કાર્યકાળના કયા વ્યવહારો પર ઊઠ્યા સવાલ