નાસીરનગર ડિમોલિશન મામલે હાઈકોર્ટ લાલઘૂમ
'સરકાર કોર્ટની આંખમાં ધૂળ નાખી રહી છે', SMC કમિશનરની ભૂમિકા પર સવાલો

ફાઇલ તસવીર

ફાઇલ તસવીર
Surat Nasirnagar Demolition Hearing: સુરતના નાસીરનગરમાં થયેલા ગેરકાયદે ડિમોલિશન મામલે આજે ગુજરાત હાઈકોર્ટમાં મહત્વની સુનાવણી યોજાઈ હતી. આ સુનાવણી દરમિયાન સરકાર પક્ષે એડવોકેટ જનરલ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી કે પુનર્વસન માટે લાયકાત ધરાવતા લોકો માટે 120 ફ્લેટ ખાલી છે. આ ઉપરાંત, સરકારે બે સિનિયર ઓફિસર સાથેની હાઈલેવલ કમિટી બનાવવાનો નિર્ણય કર્યો હોવાની પણ કોર્ટને સત્તાવાર જાણકારી આપવામાં આવી હતી.
હાઈકોર્ટની આકરી ટિપ્પણી અને સરકાર સામે સવાલો
સરકારની રજૂઆત સામે નારાજગી વ્યક્ત કરતા હાઈકોર્ટે આકરી ટીપ્પણી કરી હતી અને જણાવ્યું હતું કે રાજ્ય કોર્ટની આંખમાં ધૂળ નાખી રહી છે. કોર્ટે સ્પષ્ટ કર્યું કે તેમને રાજ્યની કમિટીની રચના સામે વાંધો નથી, પરંતુ કમિટી શેની તપાસ કરવાની છે તેની કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી. SMC કમિશનર ઉપર ગંભીર આક્ષેપો હોવા છતાં તેમનો ખુલાસો કેમ માંગવામાં આવ્યો નથી, તેવો સીધો સવાલ કોર્ટે રાજ્ય સરકારને કર્યો હતો.
SMC કમિશનરની ભૂમિકા પર સવાલો
કોર્ટે સુનાવણી દરમિયાન કહ્યું હતું કે તમે મને બીજી રીતે વિચારવા મજબૂર કરી રહ્યા છો. SMC કમિશનર પોતાના હોદા પર રહીને અત્યાર સુધી શું કરી રહ્યા છે? મ્યુનિસિપલ કમિશનરે મેસેજ ફોરવર્ડ કર્યો હોવાનું નકાર્યું નથી અને તેમના જ નંબરથી મેસેજ થયો હોવાનો પણ સ્વીકાર કર્યો છે. પાવર ધરાવતો આક્ષેપિત વ્યક્તિ પોતાના હોદા પર ચાલુ હોય ત્યાં સુધી નિષ્પક્ષ તપાસ કેવી રીતે શક્ય બની શકે, તેવા સવાલો પણ કોર્ટે ઉઠાવ્યા હતા.
કાયદાકીય વ્યવસ્થા અને 150 પરિવારોની વેદના
હાઈકોર્ટે અવલોકન કરતા જણાવ્યું હતું કે SMC કમિશનરે હાઈકોર્ટમાં એફિડેવિટ કરી છે ત્યારે તેમણે ચોખ્ખા હાથે આવવું જોઈએ. કમિશનરને કોઈએ ડિમોલિશન માટે ચોક્કસ સૂચના આપી છે. એક વખત ડિમોલિશન કરવાની તાકાત હાથમાં આવે એટલે આવા પગલાં ભરવામાં આવે છે. શું આ દેશમાં કોઈ કાયદો નથી? આ કાર્યવાહીના કારણે 150 પરિવારોને રોડ પર આવી જવાની નોબત આવી છે. જેના આદેશથી આ ડિમોલિશન થયું છે, તે જ વ્યક્તિ તપાસ કમિટીની રચના કરી રહી છે.
ખાનગી જમીન અને ડિમોલિશન વિવાદ
સુનાવણી દરમિયાન જમીનના માલિકી હક્ક અને ડિમોલિશન અંગે પણ ગંભીર ચર્ચાઓ થઈ હતી. અરજદારના વકીલે કોર્ટ સમક્ષ પુરાવા રજૂ કર્યા હતા કે ડિમોલિશન કરવામાં આવી છે તે જમીન ખાનગી વ્યક્તિની છે. સામે પક્ષે એડવોકેટ જનરલે દલીલ કરી હતી કે જમીન જુદા જુદા સિટી સર્વે નંબરમાં વહેંચાયેલી છે અને ડિમોલિશનનો ભાગ પ્રાઇવેટ જમીન પર નથી. જોકે, કોર્ટે સવાલ કર્યો હતો કે જો રોડ લાઇન માટે જમીન લેવાની હતી તો કમિશનરને ખાનગી પ્રોપર્ટીમાં આટલો રસ કેમ હતો અને 30 થી 40 વર્ષ સુધી કશું ન કર્યા બાદ અચાનક આ ડિમોલિશન શા માટે કરવામાં આવ્યું?
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

વડોદરામાં દુકાનદારોએ પૂરા પૈસા ભર્યા, છતાં 20થી 40 ટકા ઓછો જથ્થો મળ્યાનો આક્ષેપ! આખરે સિંગતેલના પુરવઠામાં શું થયું?

મેટ્રોની ટિકિટ સસ્તી કે પાર્કિંગનો ખર્ચ વધારે? અમદાવાદના મુસાફરો માટે નવો સવાલ! નવરંગપુરા, સાબરમતી, વસ્ત્રાલ સહિત 10 મેટ્રો સ્ટેશન પર પાર્કિંગ માટે હવે ખિસ્સું ઢીલું કરવું પડી શકે છે!

₹59,350ની બાંધણી, ₹3.19 લાખનાં દાગીના અને ₹4.14 લાખની પુસ્તક ખરીદી… પૂર્વ કુલપતિ ડૉ. નીરજા ગુપ્તાના કાર્યકાળના કયા વ્યવહારો પર ઊઠ્યા સવાલ