સુરત નાસીરનગર ડિમોલિશન વિવાદ
મહાનગરપાલિકાના 5 એન્જિનિયરો સસ્પેન્ડ, ખાતાકીય તપાસના આદેશ

AI જનરેટેડ

AI જનરેટેડ
Nasirnagar Demolition: સુરત મહાનગરપાલિકાના સેન્ટ્રલ ઝોન વિસ્તારમાં આવેલા નાસીરનગર ખાતે 30 મે, 2026 ના રોજ ગરીબોના આશિયાના પર ફેરવી દેવાયેલા બુલડોઝરનો વિવાદ હવે ચરમસીમાએ પહોંચ્યો છે. આ વિવાદાસ્પદ ડિમોલિશનની કામગીરી અંગે ગંભીર સવાલો ઊભા થતાં એક વિશેષ તપાસ સમિતિની નિમણૂક કરવામાં આવી હતી. આ તપાસ સમિતિએ રજૂ કરેલા પ્રાથમિક અહેવાલને આધારે સુરત મહાનગરપાલિકા દ્વારા આ મામલે હવે વિધિવત રીતે ખાતાકીય તપાસ શરૂ કરવાનો આકરો નિર્ણય લેવામાં આવ્યો છે. સમગ્ર કેસની ખાતાકીય તપાસ સંપૂર્ણપણે તટસ્થ અને નિષ્પક્ષ રીતે થઈ શકે તે હેતુથી તંત્ર દ્વારા તાત્કાલિક અસરથી મોટી કાર્યવાહી કરવામાં આવી છે.
નિષ્પક્ષ તપાસ માટે ફરજમોકૂફ કરાયેલા અધિકારીઓ
આ હાઇપ્રોફાઇલ કેસમાં ડિમોલિશનની કામગીરી સાથે સીધી રીતે જોડાયેલા કુલ 5 અધિકારીઓને તાત્કાલિક અસરથી ફરજમોકૂફ (સસ્પેન્ડ) હેઠળ મૂકવાના હુકમો જાહેર કરવામાં આવ્યા છે. સસ્પેન્ડ કરાયેલા અધિકારીઓમાં કાર્યપાલક ઈજનેર (સિવિલ) સુજલકુમાર ધરમશીભાઈ પ્રજાપતિ અને જયાંગ રજનીકાંત જીવનરામજીવાલા, ડેપ્યુટી ઈજનેર અર્પણ મનસુખલાલ પરમાર, આસિસ્ટન્ટ ઈજનેર મોનિક બાબુભાઈ ગઢીયા તથા જુનિયર ઈજનેર નરેશકુમાર બીનલભાઈ ગલચરનો સમાવેશ થાય છે. આ પાંચેય સામે હાઇકોર્ટમાં પણ ગંભીર અરજીઓ કરવામાં આવી હતી. વિવાદ વકરતાં કાર્યપાલક એન્જિનિયર જયાંગ રામજીવાલા 8 જૂન સવારથી અચાનક 1 સપ્તાહની રજા પર ઉતરી ગયા હતા, જેઓ માથા પર રૂમાલ બાંધીને ડિમોલિશનના સ્થળે હાજર રહ્યા હતા અને સોશિયલ મીડિયામાં તેમનો વીડિયો વાઇરલ થતાં તેમની હાલત કફોડી બની હતી.
સુજલ પ્રજાપતિનો રોલ પણ અત્યંત શંકાસ્પદ
બીજી તરફ, કાર્યપાલક એન્જિનિયર સુજલ પ્રજાપતિનો રોલ પણ અત્યંત શંકાસ્પદ રહ્યો છે. તેમનો સત્તાવાર ઝોન ન હોવા છતાં તેઓ શ્રીરામ એજન્સીને 3 પોકલેન, 2 જેસીબી બ્રેકર અને 60 માણસો લઈને આવવાની સૂચના આપીને સ્થળ પર પહોંચ્યા હતા. સુજલ પ્રજાપતિએ મૂળ ઝોનના જવાબદાર અધિકારીને ઉપરી અધિકારીનો મેસેજ બતાવી સાઇડલાઇન કર્યા હતા અને પોતાના વિભાગના એક પણ અધિકારી સાથે ન હોવા છતાં પોલીસની હાજરીમાં આખું તોડકામ કરવાની સૂચના આપી હતી.
હાઇકોર્ટનું આકરૂ વલણ
આ ગંભીર મામલે 29 જૂનના રોજ હાઈકોર્ટે અત્યંત કડક વલણ અપનાવતા ફરી એકવાર સુરત પોલીસ કમિશનરનો જોરદાર ઉધડો લીધો હતો. હાઈકોર્ટે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અંગે સખત નારાજગી વ્યક્ત કરતા ટિપ્પણી કરી હતી કે, ભારે પોલીસ બંદોબસ્તની હાજરી હોવા છતાં ત્યાં આવી ક્રિમિનલ પ્રવૃત્તિ થઈ અને તંત્રે 16 દિવસ સુધી કોઈ પગલાં કેમ ન લીધા?. આ સાથે જ હાઈકોર્ટે સવાલ ઉઠાવ્યો હતો કે શું ડીમાર્કેશનની સામાન્ય કામગીરીમાં ડીસીપી (DCP) કક્ષાના અધિકારીઓએ જવું પડે? કોર્ટે આ સમગ્ર વિવાદમાં સંબંધિત બિલ્ડરને પણ નોટિસ ફટકારી ખુલાસો માગ્યો છે અને આ હાઇપ્રોફાઇલ કેસની આગામી સુનાવણી 2 જુલાઈના રોજ યોજાશે.
₹30 કરોડના ખાનગી પ્રોજેક્ટ સાથેનું રહસ્યમય કનેક્શન
કતારગામ-વેડ રોડ પર આવેલા નાસીરનગરમાં ગત 29 અને 30 મે, 2026 ના રોજ ભારે પોલીસ બંદોબસ્ત સાથે આશરે 100 જેટલા મકાનો તોડી પાડવામાં આવ્યા હતા. આ કાર્યવાહી પાછળ માત્ર વહીવટી પ્રક્રિયા જ નહીં, પરંતુ એક મોટું આર્થિક અને બિલ્ડર લોબીનું હિત છુપાયેલું હોવાની પ્રબળ ચર્ચા છે. ગુજરેરા (GUJRERA) ના સત્તાવાર રેકોર્ડ અને દસ્તાવેજોની તપાસ કરતા સામે આવ્યું છે કે, જે જગ્યા પર વર્ષો જૂના ગરીબોના આશિયાના તોડી પાડીને 'ભૂતિયા ડિમોલિશન' કરાયું, તેની બિલકુલ બાજુમાં જ અંદાજે ₹30.58 કરોડ (ચોક્કસ રકમ ₹30,58,30,855) ના માતબર ખર્ચે 'પાલિયા લાઇફસ્ટાઇલ 1' નામનો એક મોટો ખાનગી આવાસ પ્રોજેક્ટ સાકાર થઈ રહ્યો છે. આ ડિમોલિશનની કામગીરી અને બાજુમાં બની રહેલા પ્રોજેક્ટના સમય (ટાઈમિંગ) ને લઈને હવે તંત્ર પર અનેક ગંભીર સવાલો ઊભા થઈ રહ્યા છે.
લોન વગર ઊભું કરાતું બિલ્ડરનું આર્થિક સામ્રાજ્ય
વેડ દરવાજા અને ચંદ્રશેખર આઝાદ બ્રિજની બિલકુલ નજીક વોર્ડ નંબર 7 માં આવેલી આ કિંમતી જમીન પર ભાગીદારી પેઢી 'સેતુબંધ ઇન્ફ્રા' દ્વારા 273 રેસિડેન્શિયલ યુનિટ્સ ધરાવતો એક મોટો 'E' બ્લોક બનાવવામાં આવી રહ્યો છે, જે પ્રોજેક્ટ સત્તાવાર રીતે 24 ડિસેમ્બર 2025 ના રોજ શરૂ થયો છે. આ ઇન્વેસ્ટિગેશનમાં સૌથી ચોંકાવનારો ખુલાસો એ થયો છે કે, આટલા મોટા પ્રોજેક્ટ માટે ડેવલપર્સ દ્વારા કોઈ પણ બેંક પાસેથી લોન લેવામાં આવી નથી અને તેની લોન લાયબિલિટી 0% છે. જ્યારે રિયલ એસ્ટેટ માર્કેટમાં ₹30.58 કરોડનું આટલું મોટું રોકાણ કોઈપણ બેંક લોન વગર બિલ્ડર્સ પોતાની મૂડીથી કરતા હોય, ત્યારે તંત્રના ભ્રષ્ટ અધિકારીઓ પર દબાણ લાવીને આસપાસની ગરીબોની જમીનો ખાલી કરાવાઈ હોવાની સંભાવનાઓ નકારી શકાતી નથી. આ પ્રોજેક્ટના મુખ્ય ભાગીદારોમાં શૈલેષ મનજીભાઈ કાછડીયા અને સંજયભાઈ જી. લાખાણીના નામો ચર્ચામાં છે. ગુજરાતના ઇતિહાસના આ સૌથી રહસ્યમય 'ભૂતિયા ડિમોલિશન' નો અસલી 'વિલન' કોણ છે, તેનો ચહેરો નકાબ ચીરીને બહાર આવવાનો હજુ બાકી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

વડોદરામાં દુકાનદારોએ પૂરા પૈસા ભર્યા, છતાં 20થી 40 ટકા ઓછો જથ્થો મળ્યાનો આક્ષેપ! આખરે સિંગતેલના પુરવઠામાં શું થયું?

મેટ્રોની ટિકિટ સસ્તી કે પાર્કિંગનો ખર્ચ વધારે? અમદાવાદના મુસાફરો માટે નવો સવાલ! નવરંગપુરા, સાબરમતી, વસ્ત્રાલ સહિત 10 મેટ્રો સ્ટેશન પર પાર્કિંગ માટે હવે ખિસ્સું ઢીલું કરવું પડી શકે છે!

₹59,350ની બાંધણી, ₹3.19 લાખનાં દાગીના અને ₹4.14 લાખની પુસ્તક ખરીદી… પૂર્વ કુલપતિ ડૉ. નીરજા ગુપ્તાના કાર્યકાળના કયા વ્યવહારો પર ઊઠ્યા સવાલ