નકલી પનીરના લીધે સુરભી ડેરીના સંચાલકની ધરપકડ
નકલી પનીરના નમૂના નિષ્ફળ જતાં SOG પોલીસે ડેરી માલિક વિરુદ્ધ ગુનો નોંધી શૈલેષ પટેલની ધરપકડ

સુરભી ડેરીના સંચાલક શૈલેષ પટેલની ધરપકડ

સુરભી ડેરીના સંચાલક શૈલેષ પટેલની ધરપકડ
સુરત શહેરમાં ખાદ્ય સુરક્ષાના ઈતિહાસમાં પહેલીવાર, પનીરના નમૂના ફૂડ સેફ્ટીના ધોરણોમાં નિષ્ફળ થવા બદલ કોઈ ડેરી માલિક વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે. આ મામલો સુરભી ડેરી સાથે સંકળાયેલો છે. ડેરીમાંથી લેવાયેલા પનીરના નમૂના ફેલ થતાં, SOG પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને ખટોદરા પોલીસ સ્ટેશનમાં સુરભી ડેરીના માલિક વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે. પોલીસે આ કાર્યવાહી દરમિયાન આશરે 754 કિલોગ્રામ જેટલો ભેળસેળયુક્ત નકલી પનીરનો જથ્થો જપ્ત કર્યો હતો. આ નકલી પનીર શહેરની જુદી-જુદી હોટેલો અને લારીઓ પર સસ્તા ભાવે વેચવામાં આવતું હતું, જે સીધે-સીધું લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં સમાન હતું.
સુરભી ડેરીના સંચાલક શૈલેષ પટેલની ધરપકડ
પનીરના નમૂના ફેલ થયા બાદ અને ગુનો નોંધાયા પછી, પોલીસે સુરભી ડેરીના સંચાલક શૈલેષ પટેલની ધરપકડ કરી છે. જોકે, અન્ય એક માલિક અને સંચાલક કૌશિક પટેલને પોલીસ કાર્યવાહીની જાણ થતાં તે પોલીસ પકડથી બચવા માટે ફરાર થઈ ગયો અને પોલીસે તેની શોધખોળ શરૂ કરી દીધી છે. પોલીસ તપાસમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે કે, આ સંચાલકો સુરત શહેરમાં દરરોજ આશરે એક હજાર કિલોગ્રામ જેટલું નકલી પનીર બનાવી તેનું વેચાણ કરતા હતા. પોલીસે સંચાલકો વિરુદ્ધ લોકોના આરોગ્ય સાથે ગંભીર ચેડા કરવા અને નકલી પનીરને અસલી ગણાવીને વેચી છેતરપિંડી કરવા બદલ ગુનો નોંધ્યો છે. આ કડક કાર્યવાહીના કારણે ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ કરનારા તત્ત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે.
આ પણ વાંચો: સુરભી ડેરીના નકલી પનીર કૌભાંડમાં ચોંકાવનારા ખુલાસા
પનીર ઓછા સમયમાં અને ઓછા ખર્ચે તૈયાર થતું
પોલીસની તપાસમાં નકલી પનીર બનાવવાની પદ્ધતિનો પણ પર્દાફાશ થયો છે. આ સંચાલકો સૌથી પહેલાં મોટા વાસણોમાં ઓછું દૂધ, વનસ્પતિ ઘી, પામોલીન તેલ અને મિલ્ક પાવડર ભેળવતા હતા. આ ઘટકોના મિશ્રણથી જરૂરી ફેટ ઉત્પન્ન થતી. ત્યારબાદ આ મિશ્રણને પ્લાન્ટમાં 90 ડિગ્રી સેલ્સિયસના ઊંચા તાપમાને ગરમ કરવામાં આવતું. ગરમી આપ્યા બાદ તેને 65થી 70 ડિગ્રી સેલ્સિયસના તાપમાને ઠંડુ કરવામાં આવતું હતું. ઠંડુ થયા પછી તેમાં ગ્લેશિયલ એસેટિક એસિડ ઉમેરવામાં આવતું, જેનાથી દૂધ ફાટી જતું અને ભેળસેળયુક્ત નકલી પનીર ઓછા સમયમાં અને ઓછા ખર્ચે તૈયાર થઈ જતું.
અસલી પનીર નરમ અને સ્પંજી હોય
ગ્રાહકો માટે અસલી અને નકલી પનીર વચ્ચેનો તફાવત જાણવો જરૂરી છે. અસલી પનીર નરમ અને સ્પંજી હોય છે, જ્યારે નકલી પનીર દબાવતા સખત કે રબર જેવું લાગે છે. સ્વાદ અને ગંધની વાત કરીએ તો, અસલી પનીરમાં માત્ર દૂધનો જ સ્વાદ હોય છે, જ્યારે નકલી પનીરમાં દૂધ સિવાય અન્ય સ્વાદ કે ગંધ અનુભવાય છે. વધુમાં, ભેળસેળવાળું પનીર રબરની જેમ ખેંચાય છે અથવા તૂટી જાય છે, જ્યારે અસલી પનીર નરમ અને કોમળ રહે છે. સુરત પોલીસ દ્વારા કરવામાં આવેલી આ કાર્યવાહી લાખો લોકોના આરોગ્યની સુરક્ષા માટે એક મોટું પગલું છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાતમાં દારૂબંધી છતાં દારૂની હેલ્થ પરમિટનો આંકડો 53 હજારને પાર હોવાનો દાવો!

ગુજરાતમાં જનતાની સુરક્ષા કરનારા ડાયલ 112ના પાયલોટો પોતે જ મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા હોવાની ફરિયાદ!

સુરતના સાણિયા હેમાદમાં સીલ કરેલી એમ્બ્રોઈડરી ફેક્ટરીઓને લઈને મોટો સવાલ! શટર પર મનપાની સીલ છતાં લાખો રૂપિયાનાં વીજ બિલ કેવી રીતે આવ્યાં?