સુરતમાં નશામાં ધૂત વેપારીનો ખતરનાક ખેલ!
પોલીસને જોઈ BRTS રૂટમાં દોડાવી કાર, 8 પલટી બાદ ધરપકડ

સુરતના રાંદેરમાં નશામાં સ્કોડાનો કહેર

સુરતના રાંદેરમાં નશામાં સ્કોડાનો કહેર
સુરતમાં નશામાં ધૂત વેપારીનો ખતરનાક ખેલ!
Surat Drunk Driving: 120 mg દારૂ અને ફૂલ સ્પીડ!
સુરત: ગુજરાતમાં દારૂબંધીના કડક અમલ વચ્ચે સુરતના રાંદેર વિસ્તારમાં ડ્રંક એન્ડ ડ્રાઈવિંગનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. મોરાભાગળ ચાર રસ્તા પાસે વાહન ચેકિંગ દરમિયાન પોલીસે નશામાં ધૂત હાલતમાં કાર હંકારતા એક વેપારીને ઝડપી પાડ્યો હતો. પોલીસને જોઈ કાર રોકવાને બદલે ચાલકે ગાડી પૂરપાટ દોડાવી હતી. ત્યારબાદ કાર BRTS રૂટમાં ઘૂસી ડિવાઈડર સાથે ધડાકાભેર અથડાઈ અને આશરે 8 પલટી મારી હતી.
પોલીસના ઈશારાને અવગણી કાર ભગાવી
મળતી માહિતી મુજબ, 10 ઓગસ્ટ 2026ના રોજ વહેલી સવારે આશરે 3 વાગ્યે રાંદેર પોલીસની ટીમ મોરાભાગળ ચાર રસ્તા પાસે પ્રોહિબિશન ગુનાઓને લઈને વાહન ચેકિંગ કરી રહી હતી. આ દરમિયાન રામનગર તરફથી આવતી બ્લેક કલરની સ્કોડા કુશાક કાર નંબર GJ-05-JV-1788 પોલીસના ધ્યાને આવી હતી. કાર ચાલક ગાડી વાંકી-ચૂકી અને બેફામ રીતે હંકારી રહ્યો હોવાનું જણાતા પોલીસે તેને રોકવાનો ઈશારો કર્યો હતો. જોકે, ચાલકે કાર રોકવાને બદલે એક્સિલેટર આપીને ભાગવાનો પ્રયાસ કર્યો હતો.
BRTS રૂટમાં ઘૂસી કારની 8 પલટી
પોલીસથી બચવા માટે ચાલકે કારને BRTS રૂટમાં દોડાવી મૂકી હતી. પૂરપાટ ઝડપે જતી કાર થોડા જ અંતરે BRTS ડિવાઈડર સાથે જોરદાર ટક્કર મારી હતી. ટક્કર એટલી ભયાનક હતી કે કાર રસ્તા પર આશરે 8 વખત પલટી ખાઈ ગઈ હતી. અકસ્માતમાં કારનું આગળનું ટાયર નીકળી ગયું હતું, જ્યારે બોનેટ અને એન્જિનને પણ ભારે નુકસાન થયું હતું.
બ્રેથ એનાલાઈઝરમાં 120 mg આલ્કોહોલ
અકસ્માતબાદ પોલીસે કારચાલકને કસ્ટડીમાં લીધો હતો. પૂછપરછ દરમિયાન તેનું નામ રફિક હુસેનખાન પઠાન (ઉંમર 40 વર્ષ) હોવાનું સામે આવ્યું હતું. પોલીસના જણાવ્યા મુજબ, ચાલકના મોઢામાંથી દારૂની દુર્ગંધ આવતી હતી, આંખો લાલ હતી અને તે નશાની હાલતમાં જણાતો હતો. શરીરનું સંતુલન જાળવવામાં પણ તેને મુશ્કેલી પડી રહી હતી. પોલીસે સ્થળ પર જ બ્રેથ એનાલાઈઝર ટેસ્ટ કરતાં આલ્કોહોલનું પ્રમાણ 120 mg/100 ml નોંધાયું હતું. વધુમાં, દારૂ પીવા અંગે તેની પાસે કોઈ પાસ કે પરમિટ પણ મળી આવ્યું નહોતું.
લોહીના નમૂના માટે નવી સિવિલ હોસ્પિટલ ખસેડાયો
પોલીસે આરોપીની અંગજડતી લેતા અન્ય કોઈ ગુનાહિત વસ્તુ મળી આવી નહોતી. ઘટનામાં વધુ વૈજ્ઞાનિક પુરાવા એકત્ર કરવા માટે આરોપીને મેડિકલ તપાસ અને લોહીના નમૂના લેવા માટે સુરત નવી સિવિલ હોસ્પિટલ ખાતે મોકલવામાં આવ્યો હતો.
₹12 લાખની સ્કોડા કુશાક કાર જપ્ત
અકસ્માત ગ્રસ્ત બનેલી આશરે ₹12 લાખની બ્લેક કલરની સ્કોડા કુશાક કાર પોલીસે કબજે કરી છે. સમગ્ર ઘટનામાં રાંદેર પોલીસે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. હેડ કોન્સ્ટેબલ વિષ્ણુભાઈની ફરિયાદના આધારે રફિક હુસેનખાન પઠાન વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસ દ્વારા ડ્રંક એન્ડ ડ્રાઈવિંગ, બેફામ ડ્રાઈવિંગ અને અકસ્માતના સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. દારૂના નશામાં પોલીસથી ભાગવાનો પ્રયાસ કરનાર વેપારીનો ખેલ અંતે BRTS ડિવાઈડર સાથે ટકરાઇ અને 8 પલટી ખાધા બાદ પૂરો થયો હતો. ઘટનાએ ફરી એકવાર નશામાં વાહન ચલાવવાના ગંભીર જોખમ સામે સવાલો ઊભા કર્યા છે.

પોલીસને જોઈ BRTS રૂટમાં દોડાવી કાર, 8 પલટી બાદ ધરપકડ
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

વડોદરામાં દુકાનદારોએ પૂરા પૈસા ભર્યા, છતાં 20થી 40 ટકા ઓછો જથ્થો મળ્યાનો આક્ષેપ! આખરે સિંગતેલના પુરવઠામાં શું થયું?

મેટ્રોની ટિકિટ સસ્તી કે પાર્કિંગનો ખર્ચ વધારે? અમદાવાદના મુસાફરો માટે નવો સવાલ! નવરંગપુરા, સાબરમતી, વસ્ત્રાલ સહિત 10 મેટ્રો સ્ટેશન પર પાર્કિંગ માટે હવે ખિસ્સું ઢીલું કરવું પડી શકે છે!

₹59,350ની બાંધણી, ₹3.19 લાખનાં દાગીના અને ₹4.14 લાખની પુસ્તક ખરીદી… પૂર્વ કુલપતિ ડૉ. નીરજા ગુપ્તાના કાર્યકાળના કયા વ્યવહારો પર ઊઠ્યા સવાલ