Surat Civil Hospital Doctor Suicide Case: સુરતની નવી સિવિલ હોસ્પિટલની બોયઝ PG હોસ્ટેલમાં 30 વર્ષીય પ્રથમ વર્ષના રેસિડેન્ટ ડોક્ટર હર્ષ પંડ્યાના આપઘાત કેસમાં હવે વહીવટી તંત્ર અને પોલીસ એક્શનમાં આવી છે. એન્ટિ-રેગિંગ કમિટીના પ્રાથમિક તપાસ રિપોર્ટના આધારે ચાર સિનિયર રેસિડેન્ટ ડોક્ટરોને 6 મહિના માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. સાથે જ માઇક્રોબાયોલોજી વિભાગના ચાર ફેકલ્ટી સભ્યોને કારણદર્શક નોટિસ આપવામાં આવી છે. આ કેસમાં ખટોદરા પોલીસે ચાર સિનિયર ડોક્ટરો સામે માનસિક ત્રાસ, ધાક-ધમકી અને ગેરકાયદેસર અટકાયત સહિતની કલમો હેઠળ FIR નોંધી તપાસ શરૂ કરી છે. ઘટનાને પગલે સુરત મેડિકલ કોલેજ, વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી, બ્રહ્મ સમાજ અને વિદ્યાર્થી સંગઠનોમાં પણ ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે.
રેગિંગના આક્ષેપો વચ્ચે સિનિયર ડોક્ટરો સામે કડક કાર્યવાહી
પ્રાથમિક તપાસ અને પોલીસ ફરિયાદમાં રેસિડેન્ટ ડોક્ટરોને માનસિક રીતે પરેશાન કરવામાં આવતા હોવાના ગંભીર આક્ષેપો સામે આવ્યા છે. ફરિયાદ મુજબ સિનિયર ડોક્ટરો જુનિયર રેસિડેન્ટ્સ અંગે વિભાગના પ્રોફેસરો સમક્ષ નકારાત્મક રજૂઆતો કરતા હતા, જેના કારણે જુનિયરો પર કામનું અને માનસિક દબાણ વધતું હતું. સિવિલ હોસ્પિટલના વહીવટી અધિકારી ગિરીશ પટેલની ફરિયાદ મુજબ, 5 ઓગસ્ટે ડો. હર્ષ પંડ્યાને આશરે બે કલાક સુધી રોકી રાખીને માનસિક ત્રાસ આપવામાં આવ્યો હોવાનો આક્ષેપ છે. આ ઘટનાના થોડા દિવસ બાદ, 9 ઓગસ્ટ 2026ના રોજ ડો. હર્ષ પંડ્યા PG હોસ્ટેલના રૂમ નંબર 1005માં મૃત હાલતમાં મળી આવ્યા હતા.
ચાર સિનિયર ડોક્ટરો સામે નામજોગ FIR
ખટોદરા પોલીસ મથકે નોંધાયેલી ફરિયાદમાં ચાર સિનિયર રેસિડેન્ટ ડોક્ટરો સામે ગુનો નોંધવામાં આવ્યો છે. ફરિયાદમાં ડો. અનુજ મહેશ્વરી, ડો. દીક્ષિતા ઘેવરિયા, હીના ભૂત અને નિરાલી વસાવેના નામનો ઉલ્લેખ છે. પોલીસ ફરિયાદમાં ગેરકાયદેસર અટકાયત, ધાક-ધમકી, માનસિક ત્રાસ અને અપશબ્દો સહિતના ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે. પોલીસ હવે ફરિયાદમાં થયેલા આક્ષેપો, સાક્ષીઓ અને ઉપલબ્ધ પુરાવાના આધારે તપાસ આગળ વધારી રહી છે.
હર્ષ પંડ્યાએ અગાઉ ત્રાસ અંગે રજૂઆત કરી હતી?
આ કેસમાં સૌથી ગંભીર સવાલ એ પણ ઉઠી રહ્યો છે કે રેસિડેન્ટ ડોક્ટરો દ્વારા વિભાગના વડા સમક્ષ માનસિક ત્રાસ અંગે રજૂઆત કરવામાં આવી હોવા છતાં સમયસર કાર્યવાહી કેમ ન થઈ? મળતી માહિતી મુજબ, આપઘાતના બે દિવસ પહેલાં જુનિયર ડોક્ટરોએ માઇક્રોબાયોલોજી વિભાગના HOD સમક્ષ પોતાની મુશ્કેલી અંગે રજૂઆત કરી હતી. જોકે, ત્યારબાદ કોઈ અસરકારક કાર્યવાહી થઈ કે નહીં તે હવે તપાસનો મહત્વનો મુદ્દો બન્યો છે.
ચાર ફેકલ્ટી સભ્યોને શોકોઝ નોટિસ
રેગિંગની ફરિયાદો અંગે યોગ્ય દેખરેખ ન રાખવાના આક્ષેપોને પગલે માઇક્રોબાયોલોજી વિભાગના ચાર ફેકલ્ટી સભ્યોને કારણદર્શક નોટિસ ફટકારવામાં આવી છે. નોટિસ મેળવનારાઓમાં ડો. સુમૈયા મુલ્લા – HOD, ડો. સંગીતા રાજદેવ – એસોસિએટ પ્રોફેસર, ડો. યોગિતા – આસિસ્ટન્ટ પ્રોફેસર, ડો. લતિકા શાહ – આસિસ્ટન્ટ પ્રોફેસરનો સમાવેશ થાય છે. હવે આ ફેકલ્ટી સભ્યો પાસેથી વિભાગમાં રેગિંગ અંગેની ફરિયાદો અને તેમની જાણકારી હોવા છતાં લેવાયેલી કાર્યવાહી અંગે જવાબ માંગવામાં આવ્યો છે.
વી.એન.એસ.જી.યુ. પણ એક્શનમાં
સુરતના આ ગંભીર કેસને લઈને વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી (VNSGU) એ પણ કડક વલણ અપનાવ્યું છે. સત્તાવાર રિપોર્ટ રજૂ કરવામાં વિલંબ અંગે યુનિવર્સિટીએ સરકારી મેડિકલ કોલેજના ડીન ડો. જયેશ બ્રહ્મભટ્ટને કારણદર્શક નોટિસ પાઠવી છે. યુનિવર્સિટીએ સમગ્ર ઘટનાનો વિગતવાર અહેવાલ, તપાસમાં સામે આવેલી બાબતો અને સંડોવાયેલા લોકો સામે લેવામાં આવેલા પગલાં અંગે માહિતી માંગી છે. રેગિંગ જેવી ગંભીર ઘટનાની માહિતી નિયમ મુજબ સંબંધિત પોર્ટલ પર અપલોડ કરવામાં આવી હતી કે નહીં તે અંગે પણ સવાલો ઉઠાવવામાં આવ્યા છે.
હોસ્ટેલ રૂમમાંથી અનેક વસ્તુઓ અને બે પત્ર મળ્યા
ઘટનાની જાણ થતાં પોલીસ ટીમ રૂમ નંબર 1005માં પહોંચી હતી. તપાસ દરમિયાન રૂમમાંથી વિવિધ વસ્તુઓ અને બે પત્ર મળી આવ્યા હોવાનું જણાવાયું છે. પોલીસે ઓનલાઈન ઓર્ડરથી મંગાવવામાં આવેલી વસ્તુઓ, પાર્સલના કવર અને મળી આવેલા પત્રોની તપાસ શરૂ કરી છે. આ વસ્તુઓ ક્યારે મંગાવવામાં આવી હતી અને તેનો ઘટનાક્રમ સાથે કોઈ સંબંધ છે કે કેમ તે અંગે પણ તપાસ ચાલી રહી છે.
₹40 લાખના બોન્ડનું દબાણ પણ ચર્ચામાં
મૃતક ડો. હર્ષ પંડ્યાએ ફિલિપાઈન્સથી MBBS કર્યા બાદ NEET-PG પાસ કરીને માઇક્રોબાયોલોજીમાં પ્રવેશ મેળવ્યો હતો. પરિવાર અને સહકર્મીઓ સાથેની માહિતીના આધારે ₹40 લાખના બોન્ડનો મુદ્દો પણ ચર્ચામાં આવ્યો છે. અભ્યાસક્રમ અધવચ્ચે છોડવામાં આવે તો આર્થિક દંડ ભરવો પડે તેવી જોગવાઈને કારણે હર્ષ માનસિક દબાણમાં હોવાના દાવા પણ સામે આવ્યા છે. આ ઉપરાંત સુરત સિવિલ કેમ્પસમાં અગાઉ પણ રેસિડેન્ટ ડોક્ટરોના આપઘાતની ઘટનાઓ બની હોવાના દાવાઓને પગલે રેગિંગ અને રેસિડેન્ટ ડોક્ટરોના માનસિક સ્વાસ્થ્ય અંગે ફરી ગંભીર ચર્ચા શરૂ થઈ છે.
CCTV ફૂટેજને લઈને પણ સવાલો
ઘટના બાદ હોસ્ટેલ અને માઇક્રોબાયોલોજી વિભાગના CCTV ફૂટેજ અંગે પણ સવાલો ઉઠ્યા છે. પોલીસને CCTV ફૂટેજ સમયસર મળ્યા કે નહીં અને સર્વર બંધ હોવાના કારણો શું હતા, તે અંગે તપાસ ચાલી રહી છે. આ મુદ્દે પોલીસ અને હોસ્પિટલ તંત્ર તરફથી મળનારી સત્તાવાર માહિતી હવે મહત્વપૂર્ણ બની રહેશે.
બ્રહ્મ સમાજ અને ABVPનું ઉગ્ર વિરોધ પ્રદર્શન
હર્ષ પંડ્યાના આપઘાત બાદ બ્રહ્મ સમાજ અને વિદ્યાર્થી સંગઠનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. બ્રહ્મ સમાજના પ્રતિનિધિઓએ પોલીસ કમિશનરને આવેદનપત્ર આપીને સમગ્ર ઘટનાની નિષ્પક્ષ અને ઊંડાણપૂર્વક તપાસની માંગ કરી છે. બીજી તરફ, ABVP દ્વારા મેડિકલ કોલેજ ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. સંગઠને જવાબદાર લોકો સામે કડક કાર્યવાહી કરવાની માંગ સાથે તંત્રને અલ્ટીમેટમ આપ્યું છે.
મેડિકલ કોલેજ કાઉન્સિલે પણ કર્યા મહત્વના નિર્ણય
ઘટના બાદ મેડિકલ કોલેજ કાઉન્સિલની બેઠક યોજાઈ હતી. બેઠકમાં રેસિડેન્ટ ડોક્ટરો સાથે HOD અને ફેકલ્ટી સભ્યોનો સંવાદ વધારવા સૂચના આપવામાં આવી છે. સાથે જ તમામ રેસિડેન્ટ ડોક્ટરોને કામની સમાન ફાળવણી, પૂરતો આરામ અને ઊંઘ મળે તે સુનિશ્ચિત કરવા વિભાગીય વડાઓને જવાબદારી સોંપવામાં આવી છે. ડીન ડો. જયેશ બ્રહ્મભટ્ટે જણાવ્યું છે કે સંસ્થાએ કાયદાકીય પ્રક્રિયા મુજબ પોલીસને જરૂરી માહિતી અને FIR સંબંધિત કાર્યવાહી સોંપી છે અને સમગ્ર મામલે આગળની તપાસ પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે. હવે આ કેસમાં પોલીસ તપાસ, સસ્પેન્ડ કરાયેલા સિનિયર ડોક્ટરો સામેની કાર્યવાહી અને ફેકલ્ટી સભ્યોના જવાબ બાદ આગળ શું બહાર આવે છે તેના પર સૌની નજર છે.