રાજ્યમાં કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ સાથે સંકળાયેલા સરકારી કર્મચારીઓ જ કાયદાનો અમલ કરતાં નથી. વાહન ચલાવતી વખતે હેલ્મેટ પહેરવા જેવા નિયમોનો સરકારી કર્મચારીઓ જ ઉલાળીયો કરી રહ્યા છે. વારંવાર પરિપત્રો કરવા છતાં સરકારી કર્મચારી જાણે કે ‘હમ નહી સુધરેંગે’ના સ્લોગનની માફક સુધરવાનું નામ લેતા નથી. DGP વિકાસ સહાયને સરકારી કર્મચારીઓ માટે ટ્રાફિકના નિયમોના અમલ માટે પરિપત્ર કરી સ્પેશિયલ ડ્રાઈવ કરવાની ફરજ પડી છે.
રાજ્યમાં મંગળવાર(11 ફેબ્રુઆરી)થી ટ્રાફિક પોલીસ દ્વારા ફરીથી ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે. DGP વિકાસ સહાયે પરિપત્ર બહાર પાડીને સરકારી કર્મચારીઓને હેલ્મેટના નિયમનું કડકપણે પાલન કરાવવા સૂચના આપી છે. સરકારી કચેરીઓમાં આવતા ટુ-વ્હીલર વાહન ચલાવનાર અને પાછળ બેસનાર બંને વ્યક્તિઓએ ફરજિયાત હેલ્મેટ પહેરવા તાકીદ કરવામાં આવી છે.
રાજ્યની મેગા સિટીઓમાં સરકારી કચેરીઓ બહાર કરાયેલી સ્પેશિયલ ડ્રાઈવમાં મોટાભાગના લોકો હેલ્મેટ નહી પહેરીને અલગ અલગ બહાના કાઢતા દેખાયા હતા. જો કે, પોલીસે એકપણ બહાનું ન ચલાવી નિયમ ભંગ કરનારા કર્મચારીઓ સામે કાર્યવાહી કરી હતી. વડોદરા પોલીસ ભવન ખાતે ડ્રાઈવ કરી હેલ્મેટ પહેર્યા વગર આવનાર પોલીસ કર્મચારીઓ સામે કાર્યવાહી કરી હતી. વડોદરા શહેરના પોલીસ સ્ટેશનો અને સરકારી કચેરીઓમાં ડ્રાઈવ કરી કર્મચારીઓને દંડ ફટકારવામાં આવ્યો હતો. જેમાં એક મહિલા પોલીસ કર્મી હેલ્મેટ વગર આવતાં દંડ કરાયો હતો.
વડોદરાના કુબેર ભવન ખાતે ફરજ બજાવતા એક સરકારી કર્મચારીએ ઉતાવળમાં ઘરે જ હેલ્મેટ ભૂલી ગયો હોવાનું બહાનું બતાવ્યુ હતુ. સુરતમાં પણ ટ્રાફિક પોલીસે અલગ અલગ ટીમો બનાવી સરકારી કચેરીઓમાં ડ્રાઈવ કરી હતી. એસએમસી તેમજ અન્ય સરકારી કચેરીની બહાર ટ્રાફિક પોલીસે હેલ્મેટ પહેર્યા વિના આવતા કર્મચારીઓ માટે ડ્રાઈવ કરી હતી. ઘણા કર્મચારીઓ નિયમોનું ઉલ્લંઘન કરી હેલ્મેટ વગર જ ઓફિસે આવતા દેખાયા હતા. તેઓને દંડ ફટકાર્યો હતો. અમદાવાદ કલેક્ટર કચેરી બહાર પણ ડ્રાઇવ યોજવામાં આવી હતી. આ ડ્રાઈવ દરમિયાન કલેક્ટર કચેરીમાં હેલ્મેટ વિના પ્રવેશતા કર્મચારીઓને ઈ-મેમો આપવામાં આવ્યો હતો. હેલ્મેટ પહેર્યા વગર પકડાયેલા કર્મચારીઓએ અલગ અલગ બહાના આપ્યા હતા.
ડ્રાઇવ સમયે કચેરીના દરેક ગેટ ઉપર પોલીસ ઉભી રહી શકે તેમ ન હોવાથી ફાયદો ઉઠાવી કેટલાક કર્મચારીઓ બીજા ગેટ ઉપરથી અંદર પ્રવેશ કરતાં જોવા મળ્યા હતા. એએમસીની મુખ્ય ઓફિસના પરિસરમાં જન્મ-મરણ કોર્ટ અને ફૂડ વિભાગની કોર્ટ છે. આ કોર્ટમાં વકીલો પણ હેલ્મેટ પહેર્યા વિના આવતા ટ્રાફિક પોલીસે રોકીને દંડ ફટકાર્યો હતો. કેટલાક લોકો હેલ્મેટની ડ્રાઇવ જોઈને પાછા જતા રહ્યા હતા. અમદાવાદ પોલીસ કમિશનર કચેરીમાં મોટાભાગના કર્મચારીઓ નિયમોનું પાલન કરતા જોવા મળ્યા હતા. જ્યારે એક પોલીસની ગાડીના ડ્રાઈવરે સીટબેલ્ટ પહેર્યો ન હોવાથી રોકીને ઈ મેમો આપવામાં આવ્યો હતો.