વિકસિત ગુજરાતની ચોંકાવનારી હકીકત : પાંચ વર્ષમાં 70 હજાર શિશુના મોત
યોજનાઓ ઘણી, પરિણામ શૂન્ય : ગુજરાતમાં દર મહિને 1000 શિશુના મૃત્યુ

સરકારી દાવાઓ સામે કડવી વાસ્તવિક્તા : શિશુ અને વૃદ્ધ મૃત્યુદરમાં ઉછાળો

સરકારી દાવાઓ સામે કડવી વાસ્તવિક્તા : શિશુ અને વૃદ્ધ મૃત્યુદરમાં ઉછાળો
આરોગ્ય ક્ષેત્રે હરણફાળ ભરતાં વિકસિત ગુજરાતમાં દર મહિને 1 હજાર શિશુના મોત થઈ રહ્યા છે. આ માહિતી ચોંકાવનારી અને ચિંતાજનક એટલા માટે છે કે ગુજરાતનું વર્ણન "વિકસિત" અને "આરોગ્ય સેવા ક્ષેત્રે મોખરું" ગણવામાં આવે છે. રાજ્યમાં સરકારી યોજનાઓ પાછળ કરોડો રૂપિયાનું આંધણ કરાતુ હોવા છતાં બાળ મૃત્યુ દર બાબતે ચોક્કસ પરિણામ મળતાં નથી. સિવિલ રજીસ્ટ્રેશન સિસ્ટમ (CRS)ના આંકડા પરથી સ્પષ્ટ થયું છે રાજ્યમાં બાળ અને વૃદ્ધ મૃત્યુદર હજુ પણ ઊંચો રહ્યો છે. જેને લઈ આરોગ્ય નીતિ અને સુવિધાઓની અસરકારકતાને લઈ ગંભીર પ્રશ્નો ઉભા થયા છે.
સરકારી યોજનાઓની કોઈ અસર નહીં
શિશુ મૃત્યુ અટકાવવા માટે મમતા અભિયાન, બાળ સખા યોજના, કુપોષણમુક્ત ગુજરાત અભિયાન, જનની સુરક્ષા અભિયાન સહિત ઘણી સરકારી યોજનાઓ અમલમાં છે. કરોડો રૂપિયાનો ખર્ચ કરી સગર્ભા માતાઓ સુધી સરકારી યોજનાઓનો લાભ પહોંચાડવામાં આવી રહ્યો છે તેમ છતાં નવજાત શિશુઓનો મૃત્યુદર ઘટવાના બદલે યથાવત રહ્યો છે.
સિવિલ રજીસ્ટ્રેશન સિસ્ટમ (CRS) દ્વારા જાહેર કરાયેલાં વર્ષ 2021ના રિપોર્ટમાં ખુલાસો કરાયો છે કે ગુજરાતમાં 11,815 શિશુઓના મૃત્યુ થયા હતાં. જેમાં અમદાવાદમાં સૌથી વધુ 2608 શિશુના મોત થયા હતાં. જ્યારે સુરતમાં 1336, રાજકોટમાં 1185 અને વડોદરામાં 1073 બાળમૃત્યુ નોંધાયા હતા. શહેરોની સરખામણીમાં ગ્રામ્ય વિસ્તારમાં બાળ મૃત્યુદર ઓછો છે. મહીસાગર જિલ્લામાં 19 અને પાટણમાં 39 શિશુના મોત થયા હતાં.
આધુનિક તબીબી સારવાર ઉપરાંત સરકારી યોજનાના અસરકારક અમલનો દાવો કરવામાં આવી રહ્યો છે. પ્રસૂતાઓની સંભાળ, માતાનું સ્વાસ્થ્ય, રસીકરણ સહિત અન્ય બાબતોની કાળજી લેવામાં આવી છે તેમ છતાં ગુજરાતમાં દર મહિને સરેરાશ એક હજાર શિશુ મોતને ભેટી રહ્યાં છે. ચોંકાવનારી વાત તો એ છે કે, નવજાત શિશુઓ જન્મ પછી એક વર્ષ પણ જીવિત રહેતાં નથી. કેટલાક શિશુઓ હોસ્પિટલમાં જ કાયમ માટે આંખો મીંચી લે છે. નવજાત શિશુઓના મૃત્યુ દર ઘટાવવામાં સરકાર અસરકારક પરિણામ લાવી શકી નથી.
એક જ વર્ષમાં 2.82 લાખ વૃદ્ધોના મોત
CRSના રિપોર્ટ અનુસાર ગુજરાતમાં 70 વર્ષથી વધુ વયના લોકોના મૃત્યુનું પ્રમાણ વધી રહ્યુ છે. રાજ્યમાં ગુજરાતમાં 65થી 69 વર્ષના વયના 82,281 લોકોના મોત નોંધાયા છે. જ્યારે 70થી વધુ વયના 2,82,653 વૃદ્ધોના મોત થયાં છે. અમદાવાદમાં 96,920 વૃદ્ધોના મૃત્યુ થયા હતાં. શહેરની સરખામણીમાં ગ્રામ્ય વિસ્તારમાં વૃદ્ધોનું મૃત્યુ પ્રમાણ વધુ છે. વર્ષ 2021માં ગ્રામ્ય વિસ્તારમાં 41,880 અને શહેરોમાં 40,401 વૃદ્ધોના મોત થયા હતા.
સરકાર સામે સવાલ
1. બાળ મૃત્યુદર: છેલ્લાં 5 વર્ષમાં લગભગ 70 હજાર નવજાત શિશુઓના મોત, એટલે કે દર મહિને આશરે 1,000 બાળકો ગુમાવવાના આંકડા વિકાસના દાવાઓ સામે સવાલ ઉભા કરે છે.
2. વિકસિત શહેરોની વાસ્તવિક્તા: અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા જેવા વિકસિત શહેરોમાં બાળ મૃત્યુદર સર્વોચ્ચ હોવાનું નોંધાયું છે. જ્યારે ગ્રામ્ય વિસ્તારોમાં મૃત્યુ દર થોડો ઓછો છે. તેથી એ પણ જણાય છે કે શહેરોમાં તબીબી સુવિધાઓ હોવા છતાં પરિણામો નકારાત્મક છે.
3. સરકારી યોજનાઓની અસરકારકતા: મમતા અભિયાન, બાળસખા, જનની સુરક્ષા, કુપોષણમુક્ત ગુજરાત જેવી યોજનાઓ ચાલુ હોવા છતાં પરિણામ મેળવવામાં નિષ્ફળતા દર્શાવે છે કે ગ્રાઉન્ડ રિયલિટીમાં વિરોધાભાસ જોવા મળ્યો છે.
4. વૃદ્ધોના મૃત્યુદર: એક વર્ષમાં અંદાજે 2.82 લાખ વૃદ્ધોના મૃત્યુ નોંધાયા છે. જે દર્શાવે છે કે વૃદ્ધોની આરોગ્ય સેવા અને જીવનશૈલી સંબંધિત મુશ્કેલીઓ પર પણ પૂરતું ધ્યાન આપવાની જરૂર છે.
આંકડાઓ સૂચવે છે કે, માત્ર યોજનાઓ ઘોષિત કરવી પૂરતી નથી, તેનો અસરકારક અમલ અને મોનિટરિંગ પણ સુનિશ્ચિત કરવું પડશે. શહેરી તબીબી સુવિધાઓ હોવા છતાં પણ વધુ બાળકો મૃત્યુ પામે છે. ત્યારે તે સિસ્ટેમિક ખામીઓ તરફ ઈશારો કરે છે. માતા અને શિશુ આરોગ્ય પર કામ કરતા મેડિકલ સ્ટાફનું તાલીમ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર, અને યોગ્ય સેવાઓ આપવી આવશ્યકતા બની ગઈ છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

સુરતના સાણિયા હેમાદમાં સીલ કરેલી એમ્બ્રોઈડરી ફેક્ટરીઓને લઈને મોટો સવાલ! શટર પર મનપાની સીલ છતાં લાખો રૂપિયાનાં વીજ બિલ કેવી રીતે આવ્યાં?

અમદાવાદ નજીક મંડળી ગરબા મહોત્સવમાં અચાનક બબાલ! સિક્યુરિટી ગાર્ડ્સ અને કેટલાક શખ્સો વચ્ચે અથડામણ, લાકડીઓ અને ખુલ્લી તલવારોનો વીડિયો વાયરલ થયો છે.

ગુજરાતમાં ‘આમ જનમત પાર્ટી’ સામે ₹843 કરોડથી વધુના શંકાસ્પદ વ્યવહારોનો મામલો સામે આવ્યો છે! દાનના નામે નાણાંની હેરફેર, ખર્ચના બિલો અંગે સવાલો અને સરકારી તિજોરીને ₹250 કરોડથી વધુના નુકસાનનો આરોપ