કૌભાંડની આગઃ થાનના મગફળીના ગોડાઉનમાં આગ મામલે ભાજપના નેતાનો આક્ષેપ
કૌભાંડ થાય અથવા કૌભાંડ છુપાવવા માટે આગ લગાડવામાં આવે છેઃ દિલીપ સંઘાણી

સુરેન્દ્રનગરના થાનમાં FCIના ગોડાઉનમાં લાગેલી આગથી 25 હજાર બોરી મગફળી બળીને ખાખ

સુરેન્દ્રનગરના થાનમાં FCIના ગોડાઉનમાં લાગેલી આગથી 25 હજાર બોરી મગફળી બળીને ખાખ
સુરેશ વણોલ, અમદાવાદ
સુરેન્દ્રનગર જિલ્લાના થાનમાં FCI ના ગોડાઉનમાં આગ લાગતાં મગફળીની 25 હજાર બોરી બળીને ખાખ થઈ ગઈ છે. નાફેડે ખરીદેલી મગફળી હોવાથી આગની ઘટનાએ અનેક સવાલો ઉભા કર્યા છે. આગની ઘટના અંગે ભાજપના નેતા અને ઈફકોના ચેરમેન દિલીપ સંઘાણીએ ગંભીર આક્ષેપ કર્યો છે. સંઘાણીએ આગને સામાન્ય સંજોગોમાં લાગેલી આગ માનવાનો ઇન્કાર કરી ઘટના પાછળ કૌભાંડની આશંકા વ્યક્ત કરી છે. તેમણે ગોડાઉનના માલિક, જવાબદાર અધિકારીઓ અને કર્મચારીઓની તપાસ કરવા માંગ કરી છે.
થાનના હીટરનગર વિસ્તારમાં ગુરૂવારે સવારે નાફેડ દ્વારા ભાડે રાખવામાં આવેલા આઠ ગોડાઉનમાંથી એક ગોડાઉનમાં અચાનક આગ લાગી હતી. સુરેન્દ્રનગર, ધાંગધ્રા, લીંબડી, અને ચોટીલા નગરપાલિકાના ફાયર ફાઇટરો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આગની ગંભીરતા જોતા રાજકોટથી પણ ફાયર ફાઇટરોને બોલાવવા પડ્યા હતા. ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવવામાં આવ્યો હતો.
આ દુર્ઘટનામાં ગોડાઉનમાં રાખેલી અંદાજે 25 હજાર બોરી મગફળી બળીને ખાખ થઈ ગઈ છે. જેના કારણે લાખો રૂપિયાનું નુકસાન થયું છે. આ ગોડાઉન નાફેડ દ્વારા ભાડે રાખવામાં આવ્યું હતું અને તેમાં ખેડૂતો પાસેથી ખરીદેલી મગફળીનો સંગ્રહ કરવામાં આવ્યો હતો. આગ લાગવાનું કારણ અંગે રહસ્ય અકબંધ છે. પરંતુ તંત્રએ આગના કારણોની તપાસ શરૂ કરી છે.
આગની ઘટના અંગે ઈફકોના ચેરમેન દિલીપ સંઘાણીએ જણાવ્યું હતું કે, આગ ક્યારેય સામાન્ય સંજોગોમાં નથી લાગતી. જ્યારે કૌભાંડ થાય અથવા કૌભાંડને છુપાવવું હોય ત્યારે આગ લગાડવામાં આવે છે. ભૂતકાળમાં મગફળીના ગોડાઉનમાં લાગેલી આગનો ઉલ્લેખ કરી જણાવ્યું હતું કે તેનો રિપોર્ટ હજુ સુધી બહાર આવ્યો નથી.
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, ગોડાઉનના માલિકને કેન્દ્રમાં રાખીને સંપૂર્ણ તપાસ કરવી જોઈએ. ગોડાઉનના માલિક, અધિકારીઓ અને કર્મચારીઓની કૌભાંડમાં સંડોવણી હોઈ શકે છે. સંઘાણીના નિવેદનથી ગુજરાતવના રાજકારણમાં નવો વળાંક આવી શકે છે. જ્યારે સંઘાણીના આક્ષેપના પગલે જૂના મગફળી કૌભાંડની યાદ તાજી થઈ છે.
વહિવટીતંત્ર દ્વારા આગ લાગવાના કારણો અને નુકસાનનો અંદાજ મેળવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. પરંતુ દિલીપ સંઘાણીના આ ગંભીર આક્ષેપોને ધ્યાનમાં રાખીને વહિવટીતંત્ર કૌભાંડની દિશામાં તપાસ કરશે કે કેમ તે જોવાનું રહ્યું. પરંતુ એક વાત ચોક્કસ છે કે ભાજપના દિગ્ગજ નેતાએ કરેલા આક્ષેપથી મગફળીની ખરીદીમાં થઈ રહેલા કૌભાંડનો મામલો ફરી ચર્ચામાં આવ્યો છે. તેના કારણે થાનના ગોડાઉનમાં લાગેલી કૌભાંડની આગનો રેલો ગાંધીનગર પહોંચે તેવી શક્યતા છે.
સંઘાણીએ રજૂ કરેલી શંકા બાબતે યોગ્ય તપાસ થાય તો મગફળી કૌભાંડમાં દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ શકે તેમ છે. સંઘાણીએ કૌભાંડની આશંકા વ્યક્ત કરી છે પરંતુ કેવું અને કેવી રીતે કૌભાંડ થયું છે અને કોની સંડોવણી હોઈ શકે છે તે સહિતના મુદ્દે કોઈ ચોખવટ નહી કરતાં મામલો ગૂંચવાયો છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાતમાં ‘આમ જનમત પાર્ટી’ સામે ₹843 કરોડથી વધુના શંકાસ્પદ વ્યવહારોનો મામલો સામે આવ્યો છે! દાનના નામે નાણાંની હેરફેર, ખર્ચના બિલો અંગે સવાલો અને સરકારી તિજોરીને ₹250 કરોડથી વધુના નુકસાનનો આરોપ

પાવાગઢમાં આસો નવરાત્રિ દરમિયાન માલવાહક રોપ-વેનું કંટ્રોલ ફેઇલ થતાં ટ્રોલી અને મશીન નીચે પટકાયાં. સદનસીબે જાનહાનિ નહીં. જાણો અકસ્માતની વિગતો અને પેસેન્જર રોપ-વે સેવાની સ્થિતિ.

રસ્તા પર લારી-પાથરણાં મૂકતા લોકો માટે ચેતવણી! 23 વર્ષ જૂના વહીવટી ચાર્જમાં ચારથી પાંચ ગણો વધારો મંજૂર થયો હોવાના અહેવાલ છે. હવે જપ્ત સામાન છોડાવવા ₹3,000 સુધીનો ચાર્જ અને અલગથી સ્ટોરેજ ફી ચૂકવવી પડી શકે છે.