Gandhinagar : જમીન સંબંધિત વહીવટી પ્રક્રિયા હવે વધુ સરળ, જાણો નવા સુધારા શું છે?
ગાંધીનગર ખાતે પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે મહેસૂલ વિભાગમાં કરવામાં આવેલા કેટલાક મહત્વપૂર્ણ અને દૂરગામી સુધારાઓની જાહેરાત કરી...

મહેસૂલ વિભાગમાં ક્રાંતિકારી સુધારા...

મહેસૂલ વિભાગમાં ક્રાંતિકારી સુધારા...
ગાંધીનગર ખાતે પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે મહેસૂલ વિભાગમાં કરવામાં આવેલા કેટલાક મહત્વપૂર્ણ અને દૂરગામી સુધારાઓની જાહેરાત કરી છે. આ સુધારાઓનો મુખ્ય હેતુ રાજ્યના ખેડૂતો અને સામાન્ય નાગરિકો માટે જમીન સંબંધિત પ્રક્રિયાઓને વધુ સરળ, ઝડપી અને પારદર્શક બનાવવાનો છે.
સૌથી મહત્વપૂર્ણ નિર્ણય એ છે કે, હવેથી સમગ્ર રાજ્યમાં ખેતી હેતુ માટે ધારણ કરેલી નવી, અવિભાજ્ય કે પ્રતિબંધિત શરતની જમીનોને જૂની શરતની ગણવામાં આવશે. આ નિર્ણય રાજ્યની મહાનગરપાલિકાઓ, શહેરી સત્તા મંડળના વિસ્તારો અને ભાવનગર, જામનગર તથા જૂનાગઢ વિસ્તાર વિકાસ મંડળ સિવાયના સમગ્ર વિસ્તાર માટે લાગુ પડશે.
આ સુધારાના પરિણામે ખેડૂતોને તેમની જમીનને ખેતી અથવા બિનખેતી હેતુ માટે શરતફેર કરાવવા માટે ભરવાપાત્ર પ્રિમિયમમાંથી મુક્તિ મળશે. એટલું જ નહીં, આવી જમીનોને જૂની શરતમાં ફેરવવા માટે જે તે મામલતદારે પણ હવેથી સ્વયં કાર્યવાહી કરીને નોંધ પાડવાની રહેશે. આનાથી ખેડૂતોને વહીવટી પ્રક્રિયામાં પડતી મુશ્કેલીઓ અને ખર્ચમાંથી રાહત મળશે.
મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું કે, આ નિર્ણયોના કારણે ખેડૂતો અને સામાન્ય નાગરિકો માટે જમીનની ખરીદી, વેચાણ અને તબદીલી જેવી પ્રક્રિયાઓ અત્યંત સરળ બનશે. બિનખેતી હેતુ માટે પ્રિમિયમને પાત્ર જમીનો પર ઉદ્યોગ, ધંધા કે વેપાર સ્થાપવા માટે હવે તેને જૂની શરતમાં ફેરવવાની જરૂર નહીં રહે. આનાથી રાજ્યના ઔદ્યોગિકરણ અને વિકાસને વેગ મળશે, સાથે જ રોજગારીની તકો વધશે અને રાજ્યના GDP માં પણ વૃદ્ધિ થશે. નાના ખેડૂતો અને જમીન ધારકોના જીવનધોરણમાં સુધારો આવશે અને તેઓને જમીન વેચતી વખતે પૂરતું વળતર મળી શકશે. સરકારી કચેરીઓમાં પ્રિમિયમ ભરવા માટે ધક્કા ખાવામાંથી પણ તેઓને મુક્તિ મળશે.
બિનખેતી પ્રક્રિયાને વધુ સુગમ બનાવવા માટે મહેસૂલ વિભાગે મહેસૂલી ટાઈટલ અને કાયદેસર કબજેદારના પ્રમાણપત્રની જોગવાઈ કરી છે.
આ પ્રમાણપત્ર મેળવવાની પ્રક્રિયા નીચે મુજબ રહેશે...
સંબંધિત કલેક્ટરને અરજી કર્યાની તારીખથી 30 દિવસમાં નિર્ણય લેવામાં આવશે.
પ્રમાણપત્ર મેળવ્યા બાદ જો બિનખેતીની અરજી કરવામાં આવે તો 10 દિવસમાં પ્રિમિયમ, દંડ, રૂપાંતરણ કે વિશેષ ધારો ભરવા અંગે જાણ કરવામાં આવશે.
જો કોઈ અરજદાર પ્રમાણપત્ર વિના પણ બિનખેતી માટે અરજી કરે છે, તો તેની અરજી પર હાલની પ્રક્રિયા મુજબ નિર્ણય લેવામાં આવશે.
CM ભૂપેન્દ્ર પટેલે ખેતીની જમીનની વેચાણ નોંધને પ્રમાણિત કરવા અંગે પણ એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. હવેથી ખેડૂત ખરાઈની ચકાસણી કરતી વખતે અને મૂળથી જૂની શરત કે બિનખેતી માટે પ્રિમિયમને પાત્ર જમીનોને બિનખેતીમાં ફેરવવાની અરજી આવે ત્યારે, અરજીની તારીખથી 25 વર્ષ પહેલાના રેકોર્ડને ધ્યાનમાં લેવાની જરૂર રહેશે નહીં. આનાથી વેચાણ નોંધને મંજૂર કરવાની પ્રક્રિયા વધુ ઝડપી બનશે.
મંત્રી ઋષિકેશ પટેલે આ સુધારાઓને રાજ્યના ખેડૂતો અને નાગરિકો માટે એક મોટી રાહત ગણાવી છે. તેમણે આશા વ્યક્ત કરી કે આ નિર્ણયો જમીન સંબંધિત વહીવટી પ્રક્રિયાને સરળ બનાવીને સૌને લાભ પહોંચાડશે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાતમાં ‘આમ જનમત પાર્ટી’ સામે ₹843 કરોડથી વધુના શંકાસ્પદ વ્યવહારોનો મામલો સામે આવ્યો છે! દાનના નામે નાણાંની હેરફેર, ખર્ચના બિલો અંગે સવાલો અને સરકારી તિજોરીને ₹250 કરોડથી વધુના નુકસાનનો આરોપ

પાવાગઢમાં આસો નવરાત્રિ દરમિયાન માલવાહક રોપ-વેનું કંટ્રોલ ફેઇલ થતાં ટ્રોલી અને મશીન નીચે પટકાયાં. સદનસીબે જાનહાનિ નહીં. જાણો અકસ્માતની વિગતો અને પેસેન્જર રોપ-વે સેવાની સ્થિતિ.

રસ્તા પર લારી-પાથરણાં મૂકતા લોકો માટે ચેતવણી! 23 વર્ષ જૂના વહીવટી ચાર્જમાં ચારથી પાંચ ગણો વધારો મંજૂર થયો હોવાના અહેવાલ છે. હવે જપ્ત સામાન છોડાવવા ₹3,000 સુધીનો ચાર્જ અને અલગથી સ્ટોરેજ ફી ચૂકવવી પડી શકે છે.