Rajkot Swaminarayan Saints Fraud Case: ગુજરાતમાં મંદિર નિર્માણના નામે કરોડો રૂપિયાની છેતરપિંડીનો ગંભીર મામલો સામે આવ્યો છે. રાજકોટમાં ડાકોર ખાતે ભવ્ય સ્વામિનારાયણ મંદિર અને ગૌશાળા બનાવવા માટે 300થી 400 વીઘા જમીન ખરીદવાની લાલચ આપીને ચોટીલાના એક નિવૃત્ત શાસનાધિકારી પાસેથી રૂ. 1.25 કરોડ પડાવ્યાનો આરોપ લાગ્યો છે. આ મામલે વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાયના માધવપ્રિય સ્વામી ઉર્ફે MP સ્વામી અને દર્શન પ્રકાશ સ્વામી ઉર્ફે DP સ્વામી સહિત પાંચ લોકો સામે ફરિયાદ નોંધાતા ધાર્મિક વર્તુળોમાં પણ ચર્ચા જાગી છે.
આફ્રિકાથી મોટું દાન આવવાની વાત કરી વિશ્વાસ જીત્યાનો આરોપ
ફરિયાદી નરસિંહ લઘરભાઈ વાઢેર ચોટીલાના નિવૃત્ત શાસનાધિકારી છે. તેમની ફરિયાદ મુજબ, રાજકોટના ભૂપેન્દ્ર રોડ પર આવેલા મંદિરમાં MP સ્વામી અને DP સ્વામીની હાજરીમાં ડાકોરમાં વિશાળ સ્વામિનારાયણ મંદિર તથા ગૌશાળા બનાવવાની યોજના અંગે વાત કરવામાં આવી હતી. આ યોજના માટે ડાકોરના સૂઇ અને સૈયત ગામ નજીક મહુધા રોડ પર 300થી 400 વીઘા જમીન જોવામાં આવી હોવાનું જણાવાયું હતું. આ ઉપરાંત આફ્રિકાથી મોટી રકમનું દાન મળવાનું હોવાનું કહી જમીન ખરીદી માટે રોકાણ કરવાની લાલચ આપવામાં આવી હતી. દાન આપનાર વ્યક્તિને જમીનનું અસલ સાટાખત બતાવવું જરૂરી હોવાનું જણાવી ફરિયાદીનો વિશ્વાસ જીતવામાં આવ્યો હોવાનો આક્ષેપ છે.
જમીન ખરીદીમાં કમિશનની લાલચ આપી રૂ. 1.25 કરોડ લીધાનો આરોપ
ફરિયાદમાં જણાવ્યા મુજબ, સ્વામીઓએ એવી વાત કરી હતી કે સીધા ખેડૂતો પાસેથી જમીન ખરીદવામાં વધુ કિંમત ચૂકવવી પડી શકે છે અને જમીન માલિકના સગાં-સંબંધીઓ તરફથી વાંધા આવી શકે છે. તેથી ફરિયાદી પોતાના નામે જમીનનું સાટાખત કરાવે અને જમીન ખરીદી માટે નાણાંનું રોકાણ કરે તો તેમને જમીનની રકમ ઉપરાંત સારું કમિશન પણ આપવામાં આવશે તેવી લાલચ આપવામાં આવી હતી. આ રીતે જમીનના સોદામાં નફો અને કમિશન મળવાની આશામાં ફરિયાદીએ રોકાણ કર્યું હોવાનો આરોપ છે. જોકે, ફરિયાદ મુજબ આરોપીઓએ તેમની પાસેથી રોકડા રૂ. 1.25 કરોડ મેળવ્યા બાદ ન તો જમીનનો સોદો પૂર્ણ કર્યો અને ન તો રોકાણ કરેલી રકમ પરત આપી.
MP સ્વામી અને DP સ્વામી સહિત પાંચ સામે ફરિયાદ
આ મામલે નરસિંહ લઘરભાઈ વાઢેરે રાજકોટ શહેરની આર્થિક ગુના નિવારણ શાખા (EOW) સમક્ષ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદના આધારે અમદાવાદના ચિંતન પરમાર, માધવપ્રિય સ્વામી ઉર્ફે MP સ્વામી, દર્શન પ્રકાશ સ્વામી ઉર્ફે DP સ્વામી, સુરતના લાલજી ઢોલા અને ડાકોરના જેકીકુમાર રામી સામે ગુનો નોંધવામાં આવ્યો છે. ફરિયાદમાં તમામ સામે મંદિર નિર્માણ અને જમીન ખરીદીના નામે પૂર્વઆયોજિત રીતે નાણાં મેળવવાનો આરોપ મૂકવામાં આવ્યો છે. જોકે, આ તમામ આરોપો ફરિયાદમાં કરાયેલા આક્ષેપો છે અને તેમની સત્યતા પોલીસ તપાસ બાદ જ સ્પષ્ટ થશે.
રૂ. 1.25 કરોડ ક્યાં ગયા? EOW તપાસમાં મોટા ખુલાસાની શક્યતા
હવે આ સમગ્ર મામલે રાજકોટ EOW દ્વારા જમીન ખરીદીના સોદા, નાણાંની લેવડદેવડ, સાટાખતની પ્રક્રિયા અને આફ્રિકાથી મળનારા કથિત દાન અંગે તપાસ કરવામાં આવશે. ફરિયાદી પાસેથી મેળવવામાં આવેલી રૂ. 1.25 કરોડની રકમ ક્યાં અને કેવી રીતે વપરાઈ તે પણ તપાસનો મહત્વનો મુદ્દો બની શકે છે. ડાકોરમાં સ્વામિનારાયણ મંદિર અને ગૌશાળા બનાવવાની યોજના ખરેખર કેટલી આગળ વધી હતી, જમીનનો સોદો કેમ પૂર્ણ ન થયો અને ફરિયાદીની રકમ પરત કેમ ન મળી તેવા સવાલો ઊભા થયા છે. હવે રાજકોટ EOWની તપાસમાં મંદિર નિર્માણના નામે થયેલી કથિત કરોડોની છેતરપિંડીનું સમગ્ર નેટવર્ક બહાર આવે છે કે કેમ તેના પર સૌની નજર છે.