Sumul Dairy Milk Price Hike: ગુજરાતમાં મોંઘવારીનો માર સહન કરી રહેલા સામાન્ય નાગરિકો માટે વધુ એક ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. અમૂલ ડેરી બાદ હવે દક્ષિણ ગુજરાતની અગ્રણી સુમુલ ડેરીએ પણ દૂધના વેચાણ ભાવમાં વધારો ઝીંક્યો છે. સુમુલ ડેરી દ્વારા દૂધની અલગ-અલગ વેરાયટી અને પેકિંગ સાઇઝ પ્રમાણે પ્રતિ પેકેટ રૂ. 1થી રૂ. 6 સુધીનો ભાવ વધારો કરવામાં આવ્યો છે. આ નવા ભાવ આજથી એટલે કે 19 નવેમ્બર 2026થી સુરત અને તાપી જિલ્લામાં અમલી બન્યા છે. દૂધના ભાવ વધતા હવે સામાન્ય પરિવારોના માસિક ઘરખર્ચનું બજેટ ખોરવાવાની શક્યતા છે.
ભેંસના દૂધના ભાવમાં સૌથી મોટો વધારો, હવે લિટરે રૂ. 84 ચૂકવવા પડશે
સુમુલ ડેરીના નવા ભાવમાં સૌથી મોટો ફટકો ભેંસનું દૂધ ખરીદતા ગ્રાહકોને પડ્યો છે. બફેલો મિલ્કના એક લિટરના પેકેટમાં સીધો રૂ. 6નો વધારો કરવામાં આવ્યો છે. અગાઉ રૂ. 78માં મળતું એક લિટર ભેંસનું દૂધ હવે રૂ. 84માં મળશે. બીજી તરફ, ગ્રાહકોમાં સૌથી વધુ વપરાશ ધરાવતા અમૂલ ગોલ્ડના એક લિટરના પેકેટના ભાવમાં રૂ. 4નો વધારો થયો છે. પરિણામે હવે એક લિટર માટે રૂ. 72ને બદલે રૂ. 76 ચૂકવવા પડશે. જ્યારે 500 મિલીલીટરના પેકેટનો ભાવ રૂ. 36થી વધારીને રૂ. 38 કરવામાં આવ્યો છે.
સુમુલ ડેરીના નવા ભાવ: કઈ વેરાયટી કેટલી મોંઘી થઈ?
દૂધની અન્ય વેરાયટીમાં પણ ભાવ વધારો લાગુ કરવામાં આવ્યો છે. અમૂલ તાઝાના 500 મિલીલીટરના પેકેટમાં રૂ. 2નો વધારો થતાં હવે તેની કિંમત રૂ. 28થી વધીને રૂ. 30 થઈ છે. અમૂલ સ્લીમ એન્ડ ટ્રીમના 500 મિલીલીટરના પેકેટમાં રૂ. 1નો વધારો કરવામાં આવ્યો છે. જ્યારે 180 મિલીલીટરના પેકેટનો ભાવ રૂ. 10થી વધારીને રૂ. 11 કરવામાં આવ્યો છે. અમૂલ શક્તિના 500 મિલીલીટરના પેકેટમાં પણ રૂ. 1નો વધારો થતાં હવે ગ્રાહકોએ રૂ. 33ને બદલે રૂ. 34 ચૂકવવા પડશે. આ ઉપરાંત સુમુલ ગાયના દૂધના 500 મિલીલીટરના પેકેટમાં રૂ. 2નો વધારો કરવામાં આવ્યો છે. અગાઉ રૂ. 30માં મળતું પેકેટ હવે રૂ. 32માં મળશે.
દરરોજ 12.50 લાખ લિટર દૂધનું વેચાણ, લાખો પરિવારો પર પડશે અસર
સુરત અને તાપી જિલ્લામાં સુમુલ ડેરી દ્વારા દરરોજ અંદાજે 12.50 લાખ લિટર દૂધનું વેચાણ કરવામાં આવે છે. આ આંકડો દર્શાવે છે કે દૂધના ભાવમાં થયેલો આ વધારો દક્ષિણ ગુજરાતના લાખો ગ્રાહકો અને પરિવારોના બજેટને અસર કરી શકે છે. દૂધ રોજિંદા જીવનની આવશ્યક ચીજવસ્તુ છે. બાળકોના પોષણથી લઈને ચા, નાસ્તો, મીઠાઈ અને રસોડાની અન્ય જરૂરિયાતોમાં દૂધનો ઉપયોગ થાય છે. આવી સ્થિતિમાં દૂધના ભાવમાં થયેલો વધારો સીધી રીતે મધ્યમ વર્ગ અને સામાન્ય પરિવારોના માસિક ખર્ચમાં વધારો કરશે.
મોંઘવારી વચ્ચે ગૃહિણીઓનું બજેટ બગડશે
પહેલેથી જ શાકભાજી, ખાદ્યતેલ, ગેસ અને અન્ય જીવનજરૂરી વસ્તુઓના વધતા ભાવ વચ્ચે હવે દૂધ પણ મોંઘું થતાં સામાન્ય જનતાની મુશ્કેલી વધી છે. ખાસ કરીને દરરોજ વધુ પ્રમાણમાં દૂધ ખરીદતા પરિવારોને મહિનાના અંતે વધારાનો ખર્ચ સહન કરવો પડશે. અમૂલ બાદ સુમુલ ડેરીના ભાવ વધારાથી ગુજરાતમાં દૂધની કિંમતો ફરી ચર્ચાનો વિષય બની છે. 19 નવેમ્બરથી અમલી બનેલા નવા ભાવની સીધી અસર હવે સુરત અને તાપીના દૂધ ગ્રાહકોના રોજિંદા બજેટ પર જોવા મળશે.