રાજકોટના જંગલેશ્વર ડિમોલિશનનો નવો વિવાદ
રૂ.12 લાખનું પાણીનું બિલ સામે આવતા જંગલેશ્વર ડિમોલિશન ફરી વિવાદમાં જાણો શું છે સમગ્ર મામલો

AI જનરેટેડ

AI જનરેટેડ
Rajkot Jungleshwar Demolition Food Water Bill : રાજકોટમાં સરકારી તંત્ર દ્વારા કરવામાં આવતી દબાણ હટાવવાની ઝુંબેશ હવે કામગીરી કરતા તેના તોતિંગ અને આશ્ચર્યજનક બિલિંગના કારણે હેડલાઇન્સમાં છે. રાજકોટના સંવેદનશીલ ગણાતા જંગલેશ્વર વિસ્તારમાં થોડા સમય પહેલા તંત્ર દ્વારા ગેરકાયદે બાંધકામો પર જેસીબી ફેરવીને મેગા ડિમોલિશન ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે મોટી સંખ્યામાં પોલીસ કાફલો અને મનપાના અધિકારીઓ-કર્મચારીઓ તૈનાત હતા. પરંતુ, આ ડિમોલિશન પૂરું થયા બાદ જે ખર્ચના આંકડા સત્તાવાર રીતે બહાર આવી રહ્યા છે, તે સામાન્ય જનતા અને ટેક્સપેયર્સને ચોંકાવી દે તેવા છે.
ભોજન બાદ હવે પાણીના બિલ પર હોબાળો
જંગલેશ્વર ડિમોલિશન દરમિયાન અધિકારીઓ,કર્મચારીઓ અને ફોર્સ માટે મગાવાયેલા નાસ્તા અને ભોજનનું બિલ અગાઉ 27 લાખ આવ્યું હતું, જેના પર વિપક્ષ અને સ્થાનિક સ્તરે મોટો હોબાળો મચ્યો હતો.હજુ આ વિવાદ શાંત પડ્યો નથી ત્યાં જ ઓપરેશન દરમિયાન પીવા માટે મગાવાયેલા મિનરલ વોટર (પાણીના પાઉચ/બોટલો) નું બિલ લાઈવ સામે આવ્યું છે,જે અધધ 12 લાખ રૂપિયા નોંધાયું છે. સવાલ એ ઉઠી રહ્યો છે કે થોડા દિવસના ડિમોલિશનમાં કેટલા લાખ લીટર પાણી વપરાયું કે તેનું બિલ આટલું તોતિંગ બની ગયું?
જેસીબી અને ટ્રેક્ટરના બિલ આવશે ત્યારે શું થશે?
મનપાના આંતરિક વર્તુળોમાંથી મળતી લાઈવ વિગતો મુજબ, આ તો માત્ર ખાવા-પીવાનો જ ખર્ચ છે જે 39 લાખને પાર પહોંચી ગયો છે. હજુ દબાણ તોડવા માટે દિવસ-રાત દોડેલા ભારેભરખમ જેસીબી (JCB) મશીનોનું કલાક દીઠ ભાડું, કાટમાળ ઉપાડીને ડમ્પિંગ સાઇટ સુધી લઈ જનારા ટ્રેક્ટરોના ફેરાનું બિલ અને લવાયેલા મજૂરોના મહેનતાણાના મસમોટા બિલો પાઇપલાઇનમાં છે. જ્યારે આ તમામ બિલો મંજૂરી માટે ટેબલ પર આવશે ત્યારે કુલ ખર્ચનો આંકડો કરોડો રૂપિયાને આંબી જશે. ડિમોલિશનના નામે થતા આવા આંધણ સામે હવે ઉચ્ચ સ્તરેથી ઓડિટ અને તપાસ થાય તેવી લાઈવ માંગ પ્રબળ બની છે.
મિનરલ પાણીનું બિલ 12,40,028 રૂપિયા
ચોંકાવનારી વિગત એ છે કે આ રૂપિયા 27 લાખના ખાણી-પીણીના બિલમાં ડિમોલિશન સ્ટાફ અને અધિકારીઓ માટે સમોસા, ગાંઠિયા, જલેબી, ભોજનની થાળી તેમજ પ્રીમિયમ મીઠાઈઓ જેવી કે કાજુકતરી અને ખજૂર રોલનો સમાવેશ કરવામાં આવ્યો હતો.આટલું ખાધા પછી પણ અધિકારીઓ ધરાયા નહોતા.ખાતા પછી અધિકારીઓ જાણે વર્ષોથી પાણી માટે તરસી રહ્યાં હોય તેમ રૂપિયા 12 લાખના મિનરલ વોટર પી ગયાં હતાં. જો કે, સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ રજૂ કરાયેલી દરખાસ્તમાં મિનરલ વોટરનો કોઈ ઉલ્લેખ જ નહોતો. બની શકે કે, મનપા લાખો રૂપિયાના પાણી બિલ બંધ બારણે કરવાનો પ્લાન ઘડી રહ્યાં હતાં. પરંતુ અધિકારીઓનો ભાંડો ફૂટી ગયો છે કે, તેઓ માત્ર જનતાની રૂપિયા વેડફી રહ્યાં છે.
મનપાના સત્તાધીશો જનતાના રૂપિયાને પોતાની સંપત્તિ સમજે છે?
ભ્રષ્ટાચાર અને વિવાદથી બચવા માટે મનપાના સત્તાધીશોએ આ આખા ખર્ચને બે અલગ-અલગ વિભાગો વચ્ચે વહેંચી દીધો હતો જેથી કોઈને એકસાથે મોટો આંકડો ન દેખાય! નાસ્તા અને જમવાની વ્યવસ્થા ફૂલ વિભાગને સોંપવામાં આવી હતી. જ્યારે પાણી અને મંડપની વ્યવસ્થા સાંસ્કૃતિક વિભાગને કરવાની હતી. કુલ મળીને આ ડિમોલિશન દરમિયાન અધિકારીઓએ 46,31,652 રૂપિયાનું બિલ બનાવ્યું છે. જેમાં માત્ર 27,20,946 રૂપિયાનું બિલ રજૂ કર્યું હતું. બાકી વોટર સપ્લાયનું બિલ 12,40,028 રૂપિયા અને મંડપ સર્વિસનું બિલ 6,70,678 રૂપિયાનું બનાવવામાં આવ્યું હતું.
ચા-કોફી અને બિસ્કીટનું બિલ 6.30 લાખ
ઉલ્લેખનીય છે કે રાજકોટમાં જંગલેશ્વર ડિમોલેશન દરમિયાન ખાણીપીણીના 27 લાખથી વધુના બિલનો વિવાદ ગરમાયેલો છે. RMCના જનરલ બોર્ડમાં પણ કોંગ્રેસે આ મુદ્દે વિરોધ કરી શાસકપક્ષને ઘેરવાનો પ્રયાસ કર્યો હતો. જો કે RMCના સત્તાધીશોએ ગેરરીતિ નહીં થયાનો દાવો કર્યો છે. તેવામાં લાખોના વધુ એક બિલથી વિવાદ વધુ ગરમાઈ શકે છે. ચા-કોફી અને બિસ્કીટનું બિલ 6.30 લાખ મુકાયુ છે.21000 કપ ચા અને 4000 બોટલ લીંબુ સરબતનો ઉપયોગ કરાયો હતો. તો પ્રેમવતી રેસ્ટોરન્ટનું બિલ 20 લાખ રૂપિયા મુકાયુ હતુ. નાસ્તાની એક ડિશનો ભાવ 231 રૂપિયા ઉધારવામાં આવ્યો છે.
ગેરરીતિ ન હોવાનો આરોગ્ય અધિકારીએ દાવો કર્યો
જંગલેશ્વર ડિમોલેશનમાં ખાણીપીણાના ખર્ચને લઇને આરોગ્ય અધિકારીનું નિવેદન પણ સામે આવ્યું છે.આરોગ્ય અધિકારી ડો.જયેશ વાંકાણીનું નિવેદન કુલ 8 ઝોનમાં કામગીરી હાથ ધરવામાં આવી હતી.મનપા,પોલીસ,પીજીવીસીએલ,ફાયર અને આરોગ્ય સહિતનો સ્ટાફ તૈનાત હતો.મોટા પ્રમાણમાં મજુરો પણ કામ કરી રહ્યા હતા.કુલ 4800 જેટલો મેનપાવર તૈનાત હતો.જે કોન્ટ્રાકટ અપાયો હતો તે માન્ય સંસ્થાઓને જ આપવામાં આવ્યો હતો.કાજુકતરી,ખજૂરરોલ,વેફર સમોસાની પ્લેટ પત્રકાર પરિષદમાં રાખવામાં આવી હતી તેનું બિલ હતું કોઇ ગેરરિતી ન હોવાનો આરોગ્ય અધિકારીએ દાવો કર્યો છે.
પુરુષોત્તમ પીપળીયાના ગંભીર આક્ષેપ
સામાજિક અગ્રણી પુરુષોત્તમ પીપળીયાએ સમગ્ર મામલે કડક પ્રતિક્રિયા આપી છે. તેમણે જણાવ્યું કે ડિમોલિશન દરમિયાન સ્થાનિક પરિવારો ભારે મુશ્કેલીમાંથી પસાર થઈ રહ્યા હતા ત્યારે આવા ખર્ચ દર્શાવતાં બિલો માનવતા અને વહીવટી જવાબદારી બંને સામે સવાલ ઉભા કરે છે. પીપળીયાનો દાવો છે કે સ્થાનિક રહેવાસીઓ માટે અનેક સામાજિક સંસ્થાઓ અને સેવાભાવી સંગઠનો દ્વારા ભોજન અને પાણીની વ્યવસ્થા કરવામાં આવી હતી. તેમના જણાવ્યા મુજબ, સ્થાનિક લોકોને તંત્ર દ્વારા બિલમાં દર્શાવ્યા મુજબના ફૂડ પેકેટ આપવામાં આવ્યા હોવાના દાવાની પણ તપાસ થવી જોઈએ.તેમણે વધુમાં માંગ કરી હતી કે ફૂડ બિલ, પાણીના બિલ અને અન્ય ખર્ચની નિષ્પક્ષ તપાસ કરીને જો કોઈ ગેરરીતિ સામે આવે તો જવાબદાર અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેમજ જરૂર પડે તો સરકારી નાણાંની વ્યક્તિગત જવાબદારી પણ નક્કી કરવામાં આવે.
પત્રકારો માટે મીઠાઈના નિવેદનથી પણ વિવાદ
આ વિવાદ વચ્ચે એક અન્ય મુદ્દો પણ ચર્ચામાં આવ્યો છે. આરોગ્ય વિભાગના એક અધિકારીએ મીડિયા સમક્ષ એવું નિવેદન આપ્યું હતું કે પ્રેસ કોન્ફરન્સ દરમિયાન પત્રકારો માટે કાજુ કતરી અને ખજૂર રોલ જેવી મીઠાઈઓ મંગાવવામાં આવી હતી. આ નિવેદન બાદ મીડિયા વર્તુળોમાં પણ ચર્ચા શરૂ થઈ છે. પુરુષોત્તમ પીપળીયાએ આ મુદ્દે જણાવ્યું કે કોઈપણ પત્રકાર દ્વારા આવી માંગ કરવામાં આવતી નથી અને કઈ વસ્તુ પીરસવાની તે નિર્ણય તંત્રનો હોય છે. તેથી આ પ્રકારના ખર્ચ માટે જવાબદારી સંબંધિત અધિકારીઓની જ હોવી જોઈએ.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

વડોદરામાં દુકાનદારોએ પૂરા પૈસા ભર્યા, છતાં 20થી 40 ટકા ઓછો જથ્થો મળ્યાનો આક્ષેપ! આખરે સિંગતેલના પુરવઠામાં શું થયું?

મેટ્રોની ટિકિટ સસ્તી કે પાર્કિંગનો ખર્ચ વધારે? અમદાવાદના મુસાફરો માટે નવો સવાલ! નવરંગપુરા, સાબરમતી, વસ્ત્રાલ સહિત 10 મેટ્રો સ્ટેશન પર પાર્કિંગ માટે હવે ખિસ્સું ઢીલું કરવું પડી શકે છે!

₹59,350ની બાંધણી, ₹3.19 લાખનાં દાગીના અને ₹4.14 લાખની પુસ્તક ખરીદી… પૂર્વ કુલપતિ ડૉ. નીરજા ગુપ્તાના કાર્યકાળના કયા વ્યવહારો પર ઊઠ્યા સવાલ