હવામાન વિભાગે રાજ્યમાં આગામી ત્રણ કલાક માટે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે, જેના પગલે અનેક જિલ્લાઓમાં રેડ અને ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ આગાહીને પગલે તંત્ર દ્વારા લોકોને ઘરમાં જ રહેવાની સખત અપીલ કરવામાં આવી છે.
રેડ એલર્ટ : બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ અને કચ્છ જિલ્લામાં અતિભારે વરસાદની સંભાવનાને પગલે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ વિસ્તારોમાં ભારે તારાજી સર્જાવાની શક્યતા છે.
ઓરેન્જ એલર્ટ : અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, અરવલ્લી, દાહોદ, ખેડા, આણંદ, પંચમહાલ, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, અમરેલી, મોરબી અને બોટાદમાં ભારે વરસાદની આગાહી સાથે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
યલો એલર્ટ : ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરા નગર હવેલી, સુરેન્દ્રનગર, રાજકોટ અને જૂનાગઢમાં ગાજવીજ અને પવન સાથે વરસાદની સંભાવનાને પગલે યલો એલર્ટ જાહેર કરાયું છે.
આ તમામ જિલ્લાઓમાં ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદ તૂટી પડવાની આગાહી કરવામાં આવી છે.
અમદાવાદમાં અચાનક પલટો...
અમદાવાદમાં વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે. પૂર્વ વિસ્તારમાં ભારે પવન ફૂંકાયો હતો, જેના કારણે એસ.જી. હાઈવે પર ધૂળની ડમરીઓ ઉડી હતી અને વાતાવરણ ધૂંધળું બની ગયું હતું. જો કે, અમદાવાદ-વડોદરા હાઈવે પર વરસાદી સુંદરતાનો અવિસ્મરણીય નજારો જોવા મળ્યો હતો. બીજી તરફ, અમદાવાદના દસક્રોઈ તાલુકાના જેતલપુર ગામમાં વીજ કરંટ લાગવાથી બે યુવકોના કરુણ મોત થયા હતા.
ગાંધીનગરમાં વરસાદની શરૂઆત
ગાંધીનગર અને આજુબાજુના ગામડાઓમાં પણ બપોરની ગરમી બાદ અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો અને વરસાદ શરૂ થયો હતો. વરસાદ શરૂ થતાં લોકોને ગરમીથી રાહત મળી હતી, પરંતુ વાવાઝોડા સાથે ધૂળની ડમરીઓના કારણે રસ્તા પર વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા. વરસાદ શરૂ થતાં સરકારી કર્મચારીઓને પણ વાહન ચલાવવામાં તકલીફ પડી હતી.
તંત્ર દ્વારા લોકોને સલામત રહેવા અને ઘરમાં જ રહેવાની વારંવાર અપીલ કરવામાં આવી છે, જેથી કોઈપણ પ્રકારની જાનહાનિ ટાળી શકાય. પરિસ્થિતિની ગંભીરતાને જોતા લોકોને સતર્ક રહેવાની સલાહ આપવામાં આવે છે.