3 માર્ચના રોજ ‘વિશ્વ વન્યજીવ દિવસ’ની ઉજવણી કરવામાં આવે છે. વન્યજીવ સંરક્ષણ નાણા: લોકોમાં અને પૃથ્વી ગ્રહમાં રોકાણની થીમ હેઠળ વિશ્વ વન્યજીવ દિવસની ઉજવણી કરવામાં આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમવારે ગીર-સોમનાથની મુલાકાત લઈ સાસણ ગીરમાં રાત્રિ રોકાણ કરીને ‘વિશ્વ વન્યજીવ દિવસ’ની ઉજવણી કરશે.
ગુજરાતના 9 જિલ્લાઓના 53 તાલુકાઓમાં 30 હજાર ચોરસ કિમી વિસ્તારમાં સિંહોની વસતી છે. ગુજરાતમાં વસતા એશિયાઇ સિંહો તેમજ અન્ય વન્યજીવોના સંરક્ષણ માટે રાજ્ય સરકારે અનેક પ્રયાસો કર્યા છે. ભારત સરકારના પ્રોજેક્ટના ભાગરૂપે વન્યજીવોના આરોગ્ય માટે જૂનાગઢ જિલ્લાના નવા પીપળિયા ખાતે 20.24 હેક્ટરથી વધુ જમીન પર નેશનલ રેફરલ સેન્ટર બનવા જઇ રહ્યું છે. જ્યારે સાસણમાં વન્યજીવન ટ્રેકિંગ માટે એક હાઇ-ટેક મોનિટરિંગ સેન્ટર અને એક અત્યાધુનિક હોસ્પિટલનું નિર્માણ કરવામાં આવ્યું છે.

વર્ષ 2024માં ગીર ખાતે 237 બીટ ગાર્ડ્સ (162 પુરુષો, 75 મહિલાઓ) ની ભરતી કરવામાં આવી હતી. જેઓ સંરક્ષિત વિસ્તારોમાં પેટ્રોલિંગ કરે છે અને સિંહોના રહેઠાણોનું રક્ષણ કરે છે. ગીરના સ્થાનિક લોકોના પ્રશ્નોના નિરાકરણ માટે ‘ગીર સંવાદ સેતુ’ કાર્યક્રમ ચલાવવામાં આવે છે. અત્યાર સુધીમાં 300 કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. શાકાહારી પશુઓના સંવર્ધન માટે 9 બ્રીડીંગ સેન્ટર્સ બનાવાયા છે. બૃહદ્ ગીર વિસ્તારમાં આવેલી રેલ્વે લાઇનો પર સિંહની અવર-જવરના કારણે સંભવિત અકસ્માત નિવારવા માટે રેલ્વે સાથે SOPની રચના કરવામાં આવતાં અકસ્માતોમાં નોંધપાત્ર ઘટાડો થયો છે.
વર્ષ 2022માં આયોજિત ‘વિશ્વ સિંહ દિવસ’ ની ઉજવણીમાં લગભગ 13.53 લાખ લોકોએ ભાગ લીધો હતો અને તેના થકી એક વિશ્વ વિક્રમ બનાવવામાં આવ્યો હતો. માનવ-વન્યજીવન સંઘર્ષના મુદ્દા પર ફોકસ કરવા માટે પહેલ મહત્વપૂર્ણ બની હતી. સાસણગીરમાં વસતા એશિયાઇ સિંહોના સંરક્ષણ માટે તેમજ ગીર ક્ષેત્રના સર્વાંગી વિકાસ માટે તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અનેક પ્રયાસો કર્યા હતા. તેમણે વર્ષ 2007માં ગીરના જંગલ વિસ્તારની મુલાકાત લઈને પરિસ્થિતિ અંગે માહિતી મેળવી હતી. ત્યારબાદ ગીર વિસ્તારના વિકાસ અને સિંહોના સંરક્ષણ માટે પ્રયાસો કર્યા હતા.

2007માં થયેલા સિંહોના શિકારની ઘટના પછી ગુજરાત સરકારે જૂનાગઢમાં ગ્રેટર ગીર વાઇલ્ડ લાઇફ પ્રોટેક્શન ટાસ્ક ફોર્સ ડિવિઝનની સ્થાપના કરી હતી. વન્યજીવ ગુનાઓ પર દેખરેખ રાખવા, ગુપ્ત માહિતી એકત્રિત કરવા અને એશિયાઇ સિંહો તેમજ એશિયાઇ સિંહોના ક્ષેત્રમાં વસતા અન્ય વન્યજીવોના સંરક્ષણને મજબૂત બનાવવા ટાસ્ક ફોર્સની રચના કરવામાં આવી હતી. ગીર એટલે ફક્ત ગીર નેશનલ પાર્ક અને સેન્ચુરી જ નહીં, પરંતુ બરડાથી લઇને બોટાદ સુધીનો 30 હજાર ચોરસ કિમીમાં ફેલાયેલો વિસ્તાર જ્યાં એશિયાઇ સિંહોની વસ્તી જોવા મળે છે.
નરેન્દ્ર મોદીના મુખ્યમંત્રી કાળ દરમિયાન ગીર વિસ્તાર માટે સૌપ્રથમ વખત વન વિભાગમાં મહિલા બીટ ગાર્ડ અને ફોરેસ્ટરની ભરતી કરવામાં આવી હતી. ગીરમાં 111 મહિલાકર્મીઓ કાર્યરત છે. ગીર વિસ્તાર અને ગીરના સિંહોની સ્થિતિ અંગે સમીક્ષા કરવા માટે ઇન્સ્પેક્ટર જનરલ (IG), જૂનાગઢ રેન્જની અધ્યક્ષતામાં માસિક સમીક્ષા બેઠક આયોજિત કરવાની શરૂઆત કરવામાં આવી હતી.

વર્ષ 2007માં ગુજરાત રાજ્ય સિંહ સંરક્ષણ સોસાયટી (GSLCS) ની સ્થાપના કરવામાં આવી હતી. જે જાહેર ભાગીદારી દ્વારા એશિયાઇ સિંહોના સંરક્ષણને ટેકો આપે છે. પશુચિકિત્સા અધિકારીઓ, પશુપાલકો, ટ્રેકર્સ અને સિંહ સંરક્ષણ માટે જરૂરી અન્ય લોકોને ભંડોળ પૂરું પાડે છે. ગીર ઇકો-ટુરિઝમમાંથી થતી આવક GSLCS ને આપવામાં આવે છે. જે વન્યજીવન સંરક્ષણ અને વન વિભાગની માળખાગત સુવિધાઓ માટે ભંડોળનો ઉપયોગ કરે છે.
ગુજરાત સરકારે સિંહ સંરક્ષણ પ્રયાસોને વધારવા માટે વન્ય પ્રાણી મિત્ર યોજના શરૂ કરી હતી. આ પહેલ હેઠળ જાગરૂકતા વધારવા, સિંહો અને અન્ય વન્યજીવોની હિલચાલ પર દેખરેખ રાખવા તેમજ બચાવ કામગીરીના પ્રયાસોમાં વન વિભાગને મદદરૂપ થવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગુજરાતના મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળ દરમિયાન પ્રવાસન વિભાગ દ્વારા ‘ખૂશ્બૂ ગુજરાત કી’ કેમ્પેઇન શરૂ કરવામાં આવ્યું હતું. આ કેમ્પેઇને મોટી સંખ્યામાં પ્રવાસીઓને આકર્ષિત કર્યા હતા. ભારતભરના પ્રવાસીઓની સાથે અન્ય દેશોના પ્રવાસીઓને આમંત્રિત કરીને ગીરના સંરક્ષિત ક્ષેત્રની વિઝિબિલિટીમાં વધારો કરવામાં આવ્યો. જેનાથી ગીર વૈશ્વિક પ્રવાસન નકશા પર આવી ગયું.
ગીરમાં ઇકો-ટુરિઝમના વિકાસે વન્યજીવ સંરક્ષણમાં જ યોગદાન નથી આપ્યું. પરંતુ હજારો સ્થાનિક રહેવાસીઓની આવકમાં પણ હકારાત્મક પરિવર્તન આણ્યું છે. છેલ્લા પાંચ વર્ષમાં કુલ 33,15,637 પ્રવાસીઓએ ગીર સંરક્ષિત વિસ્તારની મુલાકાત લીધી છે.

ગીરમાં સંરક્ષણ પ્રયાસો અને પ્રવાસનને સંતુલિત કરવા માટે 2017માં આંબરડી સફારી પાર્કની રચના કરવામાં આવી હતી. ગીર ઓનલાઈન પરમિટ બુકિંગ સિસ્ટમની શરૂઆત થયા બાદ સફારીનો અનુભવ વધુ સુવ્યવસ્થિત બન્યો છે. ઇકો-ટુરિઝમના કારણે સાસણથી તાલાલા અને જૂનાગઢ સુધીના સ્થાનિક કારીગરો, હસ્તકલા કામદારો અને ખેડૂતોને ફાયદો થયો છે. જેઓ તેમનાં ઉત્પાદનો સીધા મુલાકાતીઓને વેચી શકે છે. ગામના ઘણાં લોકો હવે પોતાની દુકાનોમાં સ્થાનિક માલના વેચાણ અને પરિવહન સેવાઓ દ્વારા કમાણી કરે છે. જેથી સ્થાનિક અર્થતંત્રને વેગ મળ્યો છે.
આ વિસ્તારના 1 હજાર જેટલા પરિવારો ઇકો-ટુરિઝમ સંબંધિત પ્રવૃત્તિઓ દ્વારા સીધી રોજગારી પ્રાપ્ત કરે છે. જ્યારે ગીરની આસપાસના લગભગ 15,400 પરિવારોને રોજગારીની દ્રષ્ટિએ અપ્રત્યક્ષ રીતે ફાયદો થાય છે. સ્થાનિક શેરડીમાંથી બનાવવામાં આવેલો ગોળ, ગીર પ્રદેશની કેસર કેરી, કેરીનો રસ અને તેના અન્ય ઉત્પાદનો, ગીર ગાયનું ઘી, ફળો, કેસુડાના ફૂલો વગેરે પ્રવાસીઓમાં ખૂબ જ લોકપ્રિય છે.