બનાસકાંઠાના વિભાજનના મુદ્દે ટ્વિસ્ટ આવ્યો છે. તાજેતરમાં ધાનેરામાં જન આક્રોષ સભા યોજાઇ હતી અને તેમાં ઉપસ્થિત રાજકીય આગેવાનો અને લોકોએ ધાનેરાને બનાસકાંઠા જિલ્લામાં રાખવાની માગ કરી હતી પણ આજે ધાનેરામાં લોકોએ વિશાળ રેલી યોજીને ધાનેરાને વાવ-થરાદ જિલ્લામાં જ રાખવામાં આવે તેવી માગ કરી છે અને તેથી બનાસકાંઠા જિલ્લાના વિભાજનનો મુદ્દો ભારે ચર્ચાનો વિષય બન્યો છે.
બનાસકાંઠાના વિભાજનને આજે 25 મો દિવસ છે અને વિભાજનનો વિરોધ યથાવત છે ત્યારે ધાનેરાને વાવ થરાદમાં યથાવત રહેવાની માગણી સાથે ધાનેરા તાલુકાના 30 ગામના લોકોએ રેલી યોજી હતી અને મામલતદારને આવેદન પત્ર આપ્યું હતું
રેલીમાં સૂત્રોચાર સાથે લોકોએ કહ્યું હતું કે ધાનેરાને વાવ થરાદમાં જ રાખવું જોઈએ કારણકે વાવ થરાદમાં ધાનેરા રહેવાથી વિકાસ થશે અને જે લોકો વિરોધ કરી રહ્યા છે તે રાજકીય હિતો સ્થાપિત કરવા વિરોધ કરી રહ્યા છે
ધાનેરાને વાવ થરાદ અને બનાસકાંઠામાં રાખવા માટે હવે ધાનેરા તાલુકાના લોકોમાં ખેંચતાણ થઈ છે. જે રાજકીય આગેવાનો છે તે આમાં પોત પોતાના રોટલા શેકી રહ્યા છે અને લોકોને ગુમરાહ કરી રહ્યા છે તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે કારણ કે 25 દિવસથી ધાનેરા બનાસકાંઠા અને વાવ થરાદમાં સમાવેશ કરવાનો વિરોધ થઈ રહ્યો છે પરંતુ કોઈ નિરાકરણ આવતું નથી.
જોકે આજે ધાનેરા તાલુકાના 30 ગામના હજારો લોકોએ ધાનેરા ખાતે રેલી યોજી હતી અને જે રેલીનું ધાનેરાના વેપારીઓએ પણ સ્વાગત કર્યું હતું. ત્યારબાદ વાવ થરાદમાં ધાનેરાને યથાવત રાખવાની માંગ સાથે સૂત્રોચાર પણ પોકાર્યા હતા અને વાવ થરાદમાં ધાનેરાનો સમાવેશ થવાથી આગામી સમયમાં ધનેરાનું વિકાસ થશે તેમ જણાવ્યું હતું. ધાનેરાના 50 ગામડા એવા છે કે જે થરાદ થી માત્ર 25 કે 30 કિલોમીટર દૂર છે એટલે વાવ થરાદ જવું ધાનેરાના આ લોકોને સરળ પડે જ્યારે રાજકીય ગણિતની દ્રષ્ટિએ પણ ધાનેરા મજબૂત થાય તેવું આગેવાનોનું કહેવું છે. જોકે બીજી તરફ ધાનેરાના ધારાસભ્ય માવજી દેસાઈ સહિત કોંગ્રેસના આગેવાનો ધાનેરાને બનાસકાંઠામાં રાખવાની માંગ કરી રહ્યા છે