ઓપરેશન ગંગાજળઃ વર્ગ-1 અધિકારી ફરજ પહેલાં નિવૃત્ત!
ઊર્જા, પેટ્રોકેમિકલ્સ વિભાગે મુખ્ય વિદ્યુત નિરીક્ષક એ.બી.ચૌધરીને સમય પહેલાં નિવૃત્ત કર્યા

આરોપી મુખ્ય વિદ્યુત નિરીક્ષક એ.બી.ચૌધરી અને તેના નિવાસ સ્થાનની ફાઈલ તસવીર

આરોપી મુખ્ય વિદ્યુત નિરીક્ષક એ.બી.ચૌધરી અને તેના નિવાસ સ્થાનની ફાઈલ તસવીર
Major administrative action of the state government: રાજ્ય સરકારના ભ્રષ્ટાચાર વિરોધી અભિયાન 'ઓપરેશન ગંગાજળ' હેઠળ વધુ એક અધિકારી સામે કાર્યવાહી કરવામાં આવી છે. ઊર્જા અને પેટ્રોકેમિકલ વિભાગે મુખ્ય વિદ્યુત નિરીક્ષક એ.બી.ચૌધરીને તાત્કાલિક અસરથી સમય પહેલાં નિવૃત્ત કરી દીધા છે. સરકાર દ્વારા 10 જુલાઈ, 2026ના રોજ બહાર પાડવામાં આવેલી સત્તાવાર સૂચના મુજબ ગુજરાત સિવિલ સર્વિસિસ (પેન્શન) નિયમો હેઠળ નિર્ણય લેવામાં આવ્યો છે. ચૌધરીને ત્રણ મહિનાના પગાર અને ભથ્થા જેટલી રકમ ચૂકવીને સેવા પરથી દૂર કરવામાં આવ્યા છે.
ACBની કાર્યવાહીમાં મોટો ખુલાસો
મુખ્ય વિદ્યુત નિરીક્ષક એ.બી. ચૌધરી વિરુદ્ધ એન્ટી કરપ્શન બ્યુરો (ACB) દ્વારા 1 જૂન, 2026ના રોજ ગુનો નોંધવામાં આવ્યો હતો. તપાસ દરમિયાન તેમની કારમાંથી રૂપિયા 5.51 લાખની રોકડ રકમ મળી હતી. જ્યારે તેમના નિવાસસ્થાન પરથી રૂપિયા 1.76 કરોડની રોકડ અને અન્ય સંપત્તિના પુરાવા મળ્યા હતાં.
સસ્પેન્શન બાદ હવે સમય પહેલાં નિવૃત્તિ
એસીબીના કેસ બાદ રાજ્ય સરકારે એ.બી.ચૌધરીને સસ્પેન્ડ કરી વડોદરામાં ડેપ્યુટી ચીફ ઇલેક્ટ્રિકલ ઇન્સ્પેક્ટરની કચેરી ખાતે બદલી કરી હતી. આ કાર્યવાહીના એક મહિના બાદ રાજ્ય સરકારે તેમને તાત્કાલિક અસરથી સમય પહેલાં ફરજિયાત નિવૃત જાહેર કરીને ફરજ પરથી હટાવી દીધા છે.
સોલાર પ્રોજેક્ટની ફાઇલો પણ તપાસના કેન્દ્રમાં
લાંચિયા વિદ્યુત નિરીક્ષક એ.બી.ચૌધરી પાસેથી સુરત અને ગાંધીનગરમાંથી રૂપિયા 2.64 કરોડની મત્તા મળી આવી હતી. જ્યારે તેમની કારમાંથી 5 લાખ અને નિવાસ સ્થાનેથી 1.76 કરોડની રોકડ રકમ જપ્ત કરવામાં આવી હતી. તપાસ દરમિયાન જાણવા મળ્યું છે કે, આરોપી અધિકારી એ.બી.ચૌધરી એક અઠવાડિયામાં સોલાર પેનલની 100 જેટલી ફાઇલો ધડાધડ ક્લિયર કરી દેતો હતો.
ભ્રષ્ટાચાર સામે સરકારનો કડક સંદેશ
રાજ્ય સરકારના વર્તુળોમાં કાર્યવાહી 'ઓપરેશન ગંગાજળ' અંતર્ગત ભ્રષ્ટાચાર સામેનો કડક સંદેશ માનવામાં આવી રહી છે. સૂત્રોના જણાવ્યા મુજબ, આરોપી એ.બી, ચૌધરીની સંપત્તિની પણ તપાસ ચાલી રહી છે અને ગેરકાયદે રીતે મેળવાયેલી મિલકતો સામે કાયદાકીય કાર્યવાહી થઈ શકે છે.
તાજેતરના વર્ષોમાં સૌથી મોટી કાર્યવાહી
વિજય રૂપાણી સરકાર દરમિયાન ગુજરાત લેન્ડ ડેવલપમેન્ટ કોર્પોરેશન (GLDC)ના તત્કાલિન એમ.ડી. કનૈયાલાલ દેત્રોજા સામે થયેલી કાર્યવાહી બાદ રાજ્યના સુપર વર્ગ-1 અધિકારી સામે આ સૌથી મોટી કાર્યવાહી માનવામાં આવી રહી છે. ભ્રષ્ટાચાર વિરોધી એજન્સીઓ હવે કેસના નાણાકીય પાસાઓ અને સંપત્તિના સ્ત્રોતોની વધુ ઊંડી તપાસ કરી રહી છે.
એ.બી.ચૌધરી પાસેથી 2.64 કરોડની મત્તા મળી હતી
એક અરજદાર પાસેથી સોલાર પેનલની મંજૂરી (NOC) મેળવવા મામલે એ.બી.ચૌધરીએ મોટી રકમની લાંચની માંગણી કરી હતી. એસીબીએ છટકું ગોઠવી રૂપિયા 5 લાખની લાંચ લેતાં રંગેહાથ ઝડપી લીધો હતો. ત્યારબાદ તપાસ દરમિયાન તેની કારમાંથી 5.51 લાખની રોકડ રકમ મળી આવી હતી. એસીબીને માહિતી મળી હતી કે, ગાંધીનગર ખાતે ઉદ્યોગ ભવનની કચેરીમાં કામ કરતાં મુખ્ય વિદ્યુત નિરીક્ષક અશ્વિન બી. ચૌધરી સોલાર પ્રોજેક્ટમાં સ્થળ તપાસ કર્યા વિના NOC ઈસ્યું કરે છે. તેમાં મોટા પ્રમાણમાં લાંચ મેળવે છે. જ્યારે લાંચના પૈસા તેઓ સરકારી ગાડીમાં ઘરે લઈ જાય છે.
આરોપીની પૂછપરછ દરમિયાન ગાંધીનગર અને સુરત ખાતેના રહેણાંક મકાનોમાં મોટા પ્રમાણમાં રોકડ, સોના-ચાંદીના દાગીના, સિક્કા અને અન્ય દસ્તાવેજો હોવાની માહિતી મળી હતી. તેથી ગાંધીનગર અને સુરત ખાતેના મકાનોમાં સર્ચ હાથ ધરતાં મકાનો અને ગાડીમાંથી કુલ રૂપિયા 1.76 કરોડની રોકડ રકમ અને રૂપિયા 88.82 લાખની કિંમતના સોના-ચાંદીની લગડીઓ, દાગીના અને સિક્કા મળી આવ્યા હતાં. તેની પાસેથી રૂપિયા 2.64 કરોડની મત્તા સર્ચ ઓપરેશન દરમિયાન મળી આવી હતી.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

વડોદરામાં દુકાનદારોએ પૂરા પૈસા ભર્યા, છતાં 20થી 40 ટકા ઓછો જથ્થો મળ્યાનો આક્ષેપ! આખરે સિંગતેલના પુરવઠામાં શું થયું?

મેટ્રોની ટિકિટ સસ્તી કે પાર્કિંગનો ખર્ચ વધારે? અમદાવાદના મુસાફરો માટે નવો સવાલ! નવરંગપુરા, સાબરમતી, વસ્ત્રાલ સહિત 10 મેટ્રો સ્ટેશન પર પાર્કિંગ માટે હવે ખિસ્સું ઢીલું કરવું પડી શકે છે!

₹59,350ની બાંધણી, ₹3.19 લાખનાં દાગીના અને ₹4.14 લાખની પુસ્તક ખરીદી… પૂર્વ કુલપતિ ડૉ. નીરજા ગુપ્તાના કાર્યકાળના કયા વ્યવહારો પર ઊઠ્યા સવાલ