અમદાવાદ શહેરમાં ઓલા અને ઉબેર ટેક્સીમાં વહન કરવું મોંઘુ પડશે. ટેક્સી ચાલકોએ હડતાળ પાડી વિરોધ પ્રદર્શન કરતાં ઓલા કંપનીએ પ્રતિ કિલોમીટરે 20 રૂપિયા વધુ ભાડું ચુકવવાની ટેક્સી ચાલકોની શરતને મંજૂર કરી છે.
જેની સીધી અસર ઓલા અને ઉબેર ટેક્સી બુક કરી મુસાફરી કરતાં મુસાફરો પર પડવાની સંભાવના છે. ઓનલાઈન એપથી ચાલતા ગેરકાયદે સફેદ નંબર પ્લેટવાળા ટુ-વ્હીલરના વિરોધમાં રિક્ષા અને ટેક્સીચાલકોએ એરપોર્ટ ખાતે હડતાળ કરી હતી.
ઉબેર કંપનીનો ભાવ વધારો ટેક્સી ડ્રાઈવરોને મંજૂર નહીં :
અમદાવાદના ટેક્સીચાલકો એરપોર્ટ ખાતે એકત્રિત થયા હતા. ઓલા એપથી ટેક્સી ચલાવતા ડ્રાઇવરોની હડતાળ પરત ખેંચવામાં આવી છે.
જ્યારે ઉબેર ટેક્સીચાલકોએ હડતાળ ચાલુ રાખી છે. ઉબેર ટેક્સી ન ચલાવવા એસોસિએશન ડ્રાઇવરોને સમજાવી રહ્યુ છે. ઉબેર એપ્લિકેશનથી કિલોમીટર દીઠ રકમ ચૂકવવામાં આવતી હતી તેમાં પ્રતિ કિલોમીટર દીઠ 10, 12 કે 15 રૂપિયા ચૂકવતુ હતુ.
જેની સામે કંપનીએ હાલમાં 30 ટકા વધારો કરવાની ખાતરી આપી છે. પરંતુ ટેક્સી ડ્રાઈવરોને વધારો મંજૂર ન હોવાથી ઉબેર ટેક્સીની હડતાળ ચાલુ રહે તેવી શક્યતા છે.
ઓલા ટેક્સીના ભાવ વધારાની અસર મુસાફરોને થશે :
ઓલા કંપનીએ ટેક્સી ડ્રાઇવરોને પ્રતિ કિલોમીટર દીઠ 20 રૂપિયા ભાડું ચૂકવવાની શરત મંજૂર રાખી છે. જેની સીધી અસર એક સ્થળથી બીજા સ્થળે જવા માટે ટેક્સી કરતાં મુસાફરો ઉપર થશે.
મુસાફરોને હવેથી અગાઉ કરતાં વધુ ટેક્સી ભાડું ચૂકવવું પડશે. ભાડા ઉપર ડ્રાઇવરો જીએસટી સહિતના ટેક્સ લાદતા હોવાથી મુસાફરોના ખિસ્સા ઉપર ભાવવધારાનું ભારણ વધશે.
ભાવ વધારાનો સીધો ફાયદો ડ્રાઇવરોને થશે :
અમદાવાદ સિટી ટેક્સી યુનિયને જણાવ્યું કે, ઓલા, ઉબેર ટેક્સીચાલકોની હડતાળ દરમિયાન ડ્રાઈવરો મુસાફરોને ઉતારી આંદોલનને સમર્થન કરતા હતા.
સિટી ટેક્સીના મુસાફરોને પણ ઉતારવાનો પ્રયાસ કરાયો હતો. સિટી ટેક્સી ડ્રાઇવરોએ ઓલા અને ઉબેર ટેક્સીના ડ્રાઈવરોને સમર્થન આપ્યુ નહોતુ.
ઓનલાઈન એપ્લિકેશન કંપનીઓ પ્રતિ કિલોમીટર દીઠ ભાવવધારો કરવામાં આવશે તો તમામ ડ્રાઇવરોને ફાયદો થશે. પરંતુ પેસેન્જરના ખિસ્સાનું ભારણ વધતાં વધુ ભાડું ચૂકવવું પડશે.