છત્રાલ રોડ પર આવેલા સરદાર પટેલ કોટન માર્કેટયાર્ડ ખાતે જેસીઆઈ દ્વારા મહિયરની ચુંદડી કન્યાદાન સર્વજ્ઞાતિ ચતુર્થ સમૂહલગ્નનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં રાજ્યના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ સહિત અનેક અગ્રણીઓ, દાતાઓ અને નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે નીતિન પટેલે પોતાના સંબોધનમાં દેશભક્તિ
અને રાષ્ટ્રવાદનો ઉદ્દઘોષ કરતાં પાકિસ્તાન પર આકરા પ્રહારો કર્યા હતા.
નીતિન પટેલે પાકિસ્તાનની નબળી આર્થિક સ્થિતિ અને આતંકવાદને સમર્થન આપવાની નીતિ પર તીખી ટીકા કરી. તેમણે જણાવ્યું કે, “પાકિસ્તાનના વડાપ્રધાન હાથમાં કટોરો લઈને દુનિયામાં ભીખ માગે છે. અત્યાર સુધી તેઓ આપણું જ ખાતા હતા, પરંતુ હવે ભારતે નિકાસ બંધ કરી દીધી છે, જેના કારણે તેઓ ભૂખે મરશે.” તેમણે વધુમાં ઉમેર્યું કે, પાકિસ્તાનની અંદર અનાજ માટે લૂંટફાટ અને પડાપડીના દૃશ્યો આપણે ટીવી પર જોયા છે, જે તેમની કંગાળ અવસ્થાને દર્શાવે છે.
પટેલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વની પ્રશંસા કરતાં કહ્યું કે, “નરેન્દ્રભાઈ મોદી ગુજરાતના છે અને 12 વર્ષ સુધી મુખ્યમંત્રી તરીકે ગુજરાતની સેવા કરી ચૂક્યા છે. હાલ તેઓ ત્રીજી ટર્મમાં વડાપ્રધાન તરીકે દેશની સેવા કરી રહ્યા છે. તેમના જેવો પ્રખર રાષ્ટ્રભક્ત બીજો કોઈ નથી.” તેમણે આતંકવાદનો મુદ્દો ઉઠાવતા જણાવ્યું કે, “નરેન્દ્રભાઈએ કહ્યું છે કે નિર્દોષ પ્રવાસીઓને શહીદ કરનાર આતંકવાદીઓ અને તેમને સમર્થન આપનાર પાકિસ્તાન સરકારનો બદલો લેવામાં આવશે. આ બદલો ઝીણવટભરી રીતે અને પદ્ધતિસરના આયોજન સાથે લેવામાં આવશે, જેથી આતંકવાદીઓનો સંપૂર્ણ નાશ થાય અને ભવિષ્યમાં તેઓ ભારત કે કાશ્મીર પર નજર નાખવાની હિંમત ન કરે.”
નીતિન પટેલે પાકિસ્તાનને “ભીખારી અને કંગાળ” ગણાવતા કહ્યું કે, “પાકિસ્તાનને એક જ ઘાથી નહીં, પરંતુ તડપાવીને, ભૂખે રાખીને અને અંદરો અંદર લડાવીને ખતમ કરવું છે.” તેમણે ભારત સરકારના પદ્ધતિસરના આયોજનનો ઉલ્લેખ કર્યો, જેમાં સર્જીકલ સ્ટ્રાઈક જેવી કાર્યવાહીઓ દ્વારા આતંકવાદીઓના ઠેકાણાઓ નષ્ટ કરવાની યોજના છે.
આ સાથે, તેમણે નાગરિકોને દેશભક્તિની ભાવના જાળવી રાખવા અને દેશની જરૂરિયાત વખતે સરકારની અપેક્ષા મુજબ કર્તવ્ય નિભાવવા અપીલ કરી. તેમણે કહ્યું, “140 કરોડ ભારતીયો તરીકે આપણે ‘ભારત માતા કી જય’ના નારાને દિલથી અમલમાં મૂકવાનું છે. જ્યારે દેશને જરૂર હોય, ત્યારે નાગરિક તરીકે આપણે દેશસેવામાં યોગદાન આપવું જોઈએ.”
આ કાર્યક્રમમાં સમૂહલગ્નના આયોજન દ્વારા સામાજિક સમરસતા અને સેવાનો સંદેશ પણ આપવામાં આવ્યો, જેમાં અનેક યુગલોના નવજીવનની શરૂઆત થઈ. નીતિન પટેલના આકરા અને દેશભક્તિપૂર્ણ નિવેદનોએ ઉપસ્થિત લોકોમાં રાષ્ટ્રપ્રેમની ભાવના જગાડી.