ફાઇવ ડે વીકની માગ સાથે દેશવ્યાપી હડતાળ
ગુજરાતના 15,000 સહિત દેશના 8 લાખ બેંકકર્મીઓ હડતાળ પર; સતત 4 દિવસ બેંકો બંધ રહેતા હાલાકી

બેંક કર્મચારીઓનો આક્રોશ

બેંક કર્મચારીઓનો આક્રોશ
ભારતભરના નાણાકીય જગતમાં આજે સ્તબ્ધતા જોવા મળી રહી છે. બેંકિંગ ક્ષેત્રના લાખો કર્મચારીઓ પોતાની પડતર માગણીઓ અને બદલાતી જીવનશૈલીને અનુરૂપ કાર્ય પદ્ધતિ માટે રસ્તા પર ઉતરી આવ્યા છે. ખાસ કરીને ગુજરાતના મુખ્ય શહેરોમાં બેંકોને તાળાં લાગતા કરોડો રૂપિયાના ટ્રાન્ઝેક્શન અટકી પડ્યા છે.
આજે સવારથી જ અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ જેવા મહાનગરોમાં બેંકિંગ સેવાઓ સંપૂર્ણપણે ખોરવાયેલી જોવા મળી હતી. અમદાવાદમાં 'યુનાઈટેડ ફોરમ ઓફ બેંક યુનિયન'ના નેજા હેઠળ મોટી સંખ્યામાં કર્મચારીઓ એકઠા થયા હતા. ઇન્દુલાલ યાજ્ઞિક ગાર્ડનથી વલ્લભ સદન સુધી એક વિશાળ રેલી યોજવામાં આવી હતી. કર્મચારીઓએ હાથમાં પ્લેકાર્ડ્સ અને બેનરો સાથે સૂત્રોચ્ચાર કર્યા હતા. યુનાઈટેડ ફોરમના કન્વીનર મિતેશ પરમારે જણાવ્યું હતું કે, "અમે વર્ષ 2015થી સતત 'ફાઇવ ડે વીક' (પાંચ દિવસનું કામકાજનું સપ્તાહ) માટે માગણી કરી રહ્યા છીએ, પરંતુ સરકાર માત્ર આશ્વાસનો જ આપી રહી છે."
મુખ્ય માગણી: અઠવાડિયામાં પાંચ દિવસ કામબેંક કર્મચારીઓની સૌથી મોટી અને જૂની માગણી અઠવાડિયામાં પાંચ દિવસ કામગીરીની છે. હાલમાં બેંકોમાં બીજા અને ચોથા શનિવારે રજા હોય છે, જ્યારે પહેલા અને ત્રીજા શનિવારે પૂર્ણ સમય કામ કરવાનું હોય છે. કર્મચારીઓનું કહેવું છે કે LIC (લાઇફ ઇન્શ્યોરન્સ કોર્પોરેશન) અને GIC (જનરલ ઇન્શ્યોરન્સ કોર્પોરેશન) જેવી સરકારી સંસ્થાઓમાં વર્ષોથી પાંચ દિવસનું સપ્તાહ અમલી છે, તો બેંક કર્મચારીઓ સાથે આ ભેદભાવ કેમ?
કર્મચારીઓએ એક મહત્વની દરખાસ્ત પણ મૂકી છે કે જો સરકાર શનિવારની રજા મંજૂર કરે, તો તેઓ તેની ભરપાઈ કરવા માટે દરરોજ 40 મિનિટ વધુ કામ કરવા તૈયાર છે. આનાથી ગ્રાહકોના કામના કલાકોમાં કોઈ ઘટાડો થશે નહીં અને કર્મચારીઓને પણ પૂરતો સામાજિક અને શારીરિક આરામ મળશે.
ગ્રાહકોને પડતી હાલાકી અને આર્થિક અસરઆ હડતાળ એવા સમયે આવી છે જ્યારે અગાઉ શનિવાર, રવિવાર અને સોમવારે 26મી જાન્યુઆરી (પ્રજાસત્તાક પર્વ)ની જાહેર રજા હતી. આમ, સતત ચોથા દિવસે બેંકો બંધ રહેતા સામાન્ય જનતા અને વેપારી આલમની હાલત કફોડી થઈ છે.
ચેક ક્લિયરન્સ: કરોડો રૂપિયાના ચેક ક્લિયરન્સ અટકી પડ્યા છે, જેનાથી વેપારીઓના પેમેન્ટ સર્કલ ખોરવાયા છે.
રોકડ વ્યવહાર: એટીએમ (ATM) માં રોકડની અછત વર્તાઈ રહી છે અને બેંક કાઉન્ટર પરથી થતા રોકડ ઉપાડ-જમાના કામો ઠપ છે.
લોન અને અન્ય સેવાઓ: લોન ડોક્યુમેન્ટેશન અને નવી લોન મંજૂરીની પ્રક્રિયા અટકી ગઈ છે.
બેંક યુનિયનોએ સ્પષ્ટ ચીમકી આપી છે કે જો આ હડતાળ બાદ પણ સરકાર કોઈ સકારાત્મક નિર્ણય નહીં લે, તો આગામી દિવસોમાં આંદોલનને વધુ ઉગ્ર બનાવવામાં આવશે. તેમાં અનિશ્ચિત મુદ્દતની હડતાળનો પણ સમાવેશ થઈ શકે છે. કામના વધતા બોજ અને તણાવપૂર્ણ વાતાવરણ વચ્ચે કર્મચારીઓ હવે કોઈપણ ભોગે નમતું જોખવા તૈયાર નથી.
બેંકિંગ ક્ષેત્રના આ મોટા આંદોલને દેશની આર્થિક ગતિવિધિઓને બ્રેક લગાવી દીધી છે. હવે જોવાનું એ રહે છે કે નાણાં મંત્રાલય આ મામલે શું વચગાળાનો રસ્તો કાઢે છે.

રાજ્યમાં 500 નવા અત્યાધુનિક જનરક્ષક વાહનો જોડાતા હવે કુલ 1,000 વાહનો 24 કલાક ઇમરજન્સી સેવા આપશે. રિસ્પોન્સ ટાઈમ પણ 27 મિનિટથી ઘટીને 10:49 મિનિટ થયો છે.

અમદાવાદના વિક્ટોરિયા ગાર્ડન નજીક બંધ સિગ્નલ પર રિક્ષા રોકતા TRB જવાન પર હુમલો થયો. રિક્ષાચાલકે પોલીસકર્મીને પણ ધક્કો માર્યો; જીગર સોલંકીની ધરપકડ.

વડોદરાના ડભોઈના ભીલાપુર ગામમાં Facebook કોમેન્ટ બાદ ભાજપના બે જૂથો વચ્ચે મારામારી થઈ. જૂથ અથડામણમાં 4 લોકો ઈજાગ્રસ્ત થતાં SSG હોસ્પિટલ ખસેડાયા, જ્યારે ડભોઈ પોલીસે તપાસ શરૂ કરી છે.