અમદાવાદના પાલડી વિસ્તારમાં છેલ્લા ત્રણ દિવસથી વાંદરાઓના આતંકને કારણે સ્થાનિક રહેવાસીઓમાં ભયનું વાતાવરણ ફેલાયું છે. વિકાસગૃહ રોડ પર સ્થિત નવદીપ સોસાયટી, શારદા સોસાયટી અને અમુલ સોસાયટી જેવી ત્રણથી ચાર સોસાયટીઓમાં વાંદરાઓએ લોકોનું જીવન મુશ્કેલ બનાવી દીધું છે. આ વાંદરાઓ ઘરની બહાર ફરતા હોય છે અને અચાનક રસ્તે ચાલતા લોકો પર હુમલો કરી રહ્યા છે. અત્યાર સુધીમાં 20થી વધુ લોકોને નાની-મોટી ઇજાઓ થઈ છે, જેમાં એક વ્યક્તિને ગંભીર રીતે બચકું ભરાતાં હોસ્પિટલમાં દાખલ કરવી પડી અને તેને ટાંકા લેવાની નોબત આવી.
આ વિસ્તારમાં આવેલા જૈન દેરાસરમાં આવજા કરતા લોકો પણ વાંદરાઓના હુમલાથી બચી શક્યા નથી. રસ્તા પર ચાલતા હોય કે દેરાસરમાં પ્રવેશતા હોય, વાંદરાઓ અચાનક હુમલો કરીને લોકોને ઘાયલ કરી રહ્યા છે. આ ઘટનાઓએ સ્થાનિક લોકોમાં ગભરાટ ફેલાવ્યો છે, અને ઘણા લોકો હવે ઘરની બહાર નીકળવામાં પણ ડરી રહ્યા છે.
સ્થાનિક રહેવાસીઓએ ત્રણ દિવસથી વન વિભાગને વારંવાર ફરિયાદ કરી હતી, પરંતુ શરૂઆતમાં કોઈ નક્કર પગલાં લેવાયા ન હતા. વન વિભાગની ટીમ આવીને જતી રહેતી હતી, પરંતુ વાંદરાઓને પકડવામાં સફળતા મળી ન હતી. આખરે, લોકોના વધતા દબાણ બાદ વન વિભાગે કાર્યવાહી કરી અને એક વાંદરાને પકડી લીધો છે. જોકે, હજી એ સ્પષ્ટ નથી થયું કે પકડાયેલો વાંદરો જ હુમલાખોર હતો કે નહીં, અને બાકીના વાંદરાઓનો ત્રાસ હજી યથાવત્ રહ્યો છે.
નવદીપ સોસાયટીમાં રહેતાં હેતલબેન નામની એક મહિલાએ જણાવ્યું, "અમારી સોસાયટીમાં વાંદરાઓનો આતંક એટલો વધી ગયો છે કે લોકો ઘરની બહાર નીકળતા ડરે છે. અનેક લોકોને ઇજા થઈ છે, અને એક વ્યક્તિને તો હોસ્પિટલમાં દાખલ કરવો પડ્યો. જૈન દેરાસરમાં જતા લોકો પર પણ હુમલો થઈ રહ્યો છે. અમે પહેલા દિવસથી વન વિભાગને જાણ કરી હતી, પરંતુ તેઓ થોડીવાર આવીને જતા રહેતા હતા. આજે એક વાંદરો પકડાયો છે, પણ હજી ભય ઓછો થયો નથી.
પાલડી વિસ્તારના રહેવાસીઓ હવે વન વિભાગ પાસેથી તાત્કાલિક અને કાયમી ઉકેલની માગ કરી રહ્યા છે. તેઓનું કહેવું છે કે જ્યાં સુધી તમામ વાંદરાઓને દૂર નહીં કરવામાં આવે, ત્યાં સુધી આ સમસ્યા ચાલુ રહેશે. આ ઘટનાએ શહેરના અન્ય વિસ્તારોમાં પણ ચર્ચા જગાવી છે કે વન્યજીવો અને શહેરી વસ્તી વચ્ચેનું સંતુલન કેવી રીતે જાળવવું.