Mad Sandhu Murder Case: પંજાબના અમૃતસરમાં જાણીતા સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર મેડ સંધુ હત્યા કેસમાં અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે મોટી કાર્યવાહી કરી છે. 3 ઓક્ટોબર 2026ના રોજ મેડ સંધુની ગોળી મારી હત્યા કર્યા બાદ પંજાબથી ફરાર થયેલા આરોપી પરમિંદર કાકા ઉર્ફે પરમિંદર પ્રસાદને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે બાતમીના આધારે ઝડપી પાડ્યો છે. પોલીસના જણાવ્યા મુજબ, પરમિંદરે મેડ સંધુ પર ફાયરિંગ કર્યું હતું અને હત્યા માટે તેને બાઈક પર લાવવામાં આવ્યો હતો. હાલ આરોપીની સઘન પૂછપરછ ચાલી રહી છે.
લોહારકા રોડ પર બાઈક સવાર બે શખ્સોએ કર્યું ફાયરિંગ
3 ઓક્ટોબર 2026ના રોજ સાંજે આશરે 6 વાગ્યે પંજાબના અમૃતસરમાં લોહારકા રોડ પર મેડ સંધુ ઉર્ફે મધુસૂદન સંધુ પોતાની કાર લેવા પહોંચ્યો હતો. મેડ સંધુ સોશિયલ મીડિયા પર જાણીતો ચહેરો હતો. તે મેકઅપ આર્ટિસ્ટ, ફેશન ડિઝાઇનર અને LGBTQ કોમ્યુનિટી સાથે પણ જોડાયેલો હતો. મેડ સંધુ કાર લેવા પહોંચ્યો તે દરમિયાન બાઈક પર બે અજાણ્યા શખ્સો આવ્યા હતા. બંને શખ્સોએ નજીક આવીને મેડ સંધુ પર ગોળીબાર કર્યો હતો. ફાયરિંગમાં તેને ગોળીઓ વાગતાં ગંભીર હાલતમાં હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. જોકે, રસ્તામાં જ તેનું મોત થયું હતું. હત્યાની ઘટના બાદ સોશિયલ મીડિયા પર ગોલ્ડી ધિલ્લોન ગેંગના નામથી હત્યાની જવાબદારી લેવામાં આવી હોવાનું સામે આવ્યું હતું. આ દાવા સહિત હત્યા પાછળનું કારણ અને અન્ય આરોપીઓની ભૂમિકા અંગે પોલીસ તપાસ ચાલી રહી છે.
ફાયરિંગ બાદ પંજાબથી ભાગીને અમદાવાદ આવ્યો આરોપી
હત્યાની ઘટના બાદ બંને આરોપીઓ ફરાર થઈ ગયા હતા. આ અંગે પંજાબના અમૃતસર કેન્ટોનમેન્ટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી અને પોલીસ દ્વારા આરોપીઓની શોધખોળ શરૂ કરવામાં આવી હતી. દરમિયાન અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને આરોપી પરમિંદર કાકા ઉર્ફે પરમિંદર પ્રસાદ અંગે બાતમી મળી હતી. બાતમીના આધારે ક્રાઈમ બ્રાન્ચે કાર્યવાહી કરીને આરોપીની ધરપકડ કરી છે. પોલીસના જણાવ્યા મુજબ, મેડ સંધુ પર ફાયરિંગ કર્યા બાદ પરમિંદર પંજાબથી નાસીને અમદાવાદ આવ્યો હતો. હાલ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ આરોપીની પૂછપરછ કરી રહી છે. પૂછપરછમાં હત્યાનું કારણ, ફાયરિંગની યોજના, બીજા આરોપીની ઓળખ અને હત્યા બાદ આરોપીઓ ક્યાં-ક્યાં ગયા હતા તે અંગે મહત્વની વિગતો મેળવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. પૂછપરછ બાદ આરોપીને પંજાબ પોલીસને સોંપવામાં આવશે.
આશરે 4થી 5 રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું
મળેલી માહિતી મુજબ, મેડ સંધુએ પોતાની કાર ધોવા માટે પાર્ક કરી હતી. ત્યારબાદ કાર પાછી લેવા માટે બે છોકરીઓ તેને મૂકવા આવી હતી. આ દરમિયાન બાઈક પર બે યુવાનો આવ્યા હતા. એક યુવક બાઈક પર જ બેઠો રહ્યો હતો, જ્યારે બીજો મેડ સંધુ પાસે ગયો હતો અને તેના પર ફાયરિંગ કર્યું હતું. આશરે 4થી 5 રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું, જેમાંથી બે ગોળીઓ મેડ સંધુને વાગી હતી. ગંભીર રીતે ઘાયલ મેડને ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો, પરંતુ રસ્તામાં જ તેનું મોત થયું હતું.
ઘટનાસ્થળનો વીડિયો પણ સામે આવ્યો
પોલીસ ઘટનાસ્થળે લગભગ એક કલાક બાદ પહોંચી હોવાનો દાવો કરવામાં આવ્યો છે. ઘટનાનો એક વીડિયો પણ સામે આવ્યો હોવાનું જણાવવામાં આવ્યું છે. વીડિયોમાં મેડ સંધુ લોહીલુહાણ હાલતમાં રસ્તા પર પડેલો જોવા મળે છે અને તેના સાથીઓ તેને ઉપાડીને મદદ કરવાનો પ્રયાસ કરતા જોવા મળે છે. ઘટનાસ્થળે રસ્તા પર ગોળીઓના ખોખા પણ જોવા મળ્યા હતા. હવે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની પૂછપરછ બાદ આ હત્યા કેસમાં વધુ કડીઓ બહાર આવે છે કે કેમ અને બીજા આરોપી સુધી પોલીસ કેવી રીતે પહોંચે છે તેના પર નજર છે.