જંગલેશ્વર ડિમોલિશનઃ હવે વીડિયોગ્રાફી બિલનો વિવાદ
કાજુ કતરી, પાણી બાદ ડ્રોન-વીડિયોગ્રાફીના રૂપિયા 22 લાખના બિલની ચર્ચા, RMC શંકાના ઘેરામાં

AI જનરેટેડ

AI જનરેટેડ
Rajkot Jangleshwar Demolition Costs: રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જંગલેશ્વર વિસ્તારમાં ગેરકાયદે બાંધકામો માટે ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી. ડિમોલિશનના નામે વહીવટી તંત્ર દ્વારા જે ખર્ચાઓ કરવામાં આવ્યા છે અને તેના બિલો રજૂ થયા છે તેના આંકડાઓ જોઈને સામાન્ય નાગરિકો જ નહીં, પરંતુ ઉચ્ચ સત્તાધીશોની આંખો ફાટી ગઈ છે. તંત્ર દ્વારા રજૂ કરવામાં આવેલા તોતિંગ બિલોને કારણે હવે ડિમોલિશન ખર્ચ સામે અનેક શંકા-કુશંકાઓ અને ભ્રષ્ટાચારની ગંધ આવી રહી છે.
અગાઉ ખાણીપીણી અને પાણીના બિલો ચર્ચામાં આવ્યા બાદ હવે ડ્રોન સર્વેલન્સ અને વીડિયોગ્રાફીના રૂપિયા 22 લાખના ખર્ચના બિલને લઈને પણ પ્રશ્નો ઉઠ્યાં છે. ડિમોલિશન કામગીરી દરમિયાન રજૂ કરાયેલા વિવિધ બિલોની વિગતો સામે આવતાં ખર્ચ અંગે સવાલો ઊભા થયા છે. રજૂ કરાયેલા ખર્ચ અને વાસ્તવિક કામગીરી વચ્ચે મોટો તફાવત આવતો હોવાથી નાગરિકોના મનમાં તંત્રની કામગીરી મામલે તરેહ તરેહની ચર્ચાઓ થઈ રહી છે.
ડ્રોન અને વીડિયોગ્રાફી ખર્ચ પર ચર્ચા
અત્યાર સુધી જાહેર થયેલી વિગતો મુજબ ડિમોલિશન દરમિયાન ડ્રોન સર્વેલન્સ અને વીડિયોગ્રાફી માટે આશરે રૂપિયા 22 લાખનું બિલ રજૂ કરવામાં આવ્યું છે. સામાન્ય રીતે આવી સેવાઓનો ખર્ચ નોંધપાત્ર રીતે ઓછો હોવાનો દાવો કરાઈ રહ્યો છે. તેથી આ ખર્ચની યોગ્યતા અંગે અનેક પ્રશ્નો ઉઠી રહ્યા છે. લોકોએ માંગ કરી છે કે આ ખર્ચની સ્વતંત્ર તપાસ કરીને બિલની પ્રક્રિયા અને મંજૂરીની વિગતો જાહેર કરવામાં આવે.
સરકારી સાધનો હોવા છતાં ખાનગી સેવાઓ કેમ?
જંગલેશ્વર ડિમોલિશન કામગીરીના બદલે તેમાં થયેલા ખર્ચ મામલે ચર્ચાનો વધુ એક મુદ્દો એ છે કે જો સરકારી તંત્ર પાસે ડ્રોન અને અન્ય ટેકનિકલ સાધનો ઉપલબ્ધ હોય તો ખાનગી એજન્સીઓની સેવાઓ શા માટે લેવામાં આવી. આ અંગે મનપા તરફથી સ્પષ્ટતા કરવામાં આવે તેવી માંગ થઈ રહી છે.
અત્યાર સુધી જાહેર થયેલો ખર્ચ
જંગલેશ્વર ડિમોલિશન કામગીરીને લગતાં અત્યાર સુધીમાં વિવિધ પ્રકારના ખર્ચના બિલો ચર્ચામાં આવ્યા છે. તેમાં મુખ્યત્વે નીચે મુજબના ખર્ચનો સમાવેશ થાય છે. તમામ ખર્ચને લઈને જંગલેશ્વર ડિમોલિશન કામગીરી અંતર્ગત થયેલા ખર્ચની અંદાજિત રકમ રૂ.73 લાખ સુધી પહોંચી ગઈ છે.
ખાણીપીણી અને અન્ય ખર્ચ: અંદાજે રૂ.27 લાખ
ડ્રોન અને વીડિયોગ્રાફી: અંદાજે રૂ.22 લાખ
પાણીની બોટલ અને પીવાના પાણીનો ખર્ચ: અંદાજે રૂ.12.40 લાખ
મંડપ સર્વિસ: અંદાજે રૂ.6.50 લાખ
કેટલાક બિલોની ચુકવણી, કેટલાક પર નિર્ણય બાકી
સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ પાણી અને મંડપ સંબંધિત કેટલાક બિલોની પ્રક્રિયા પૂર્ણ થઈ ચૂકી છે. બીજી તરફ, ખાણીપીણી સંબંધિત આશરે રૂપિયા 27 લાખના બિલ અંગે વધુ ચકાસણી માટે સ્ટેન્ડિંગ કમિટીએ નિર્ણય મુલતવી રાખ્યો હોવાનું જાણવા મળ્યું છે. જ્યારે ડ્રોન અને વીડિયોગ્રાફીના બિલ અંગેની પ્રક્રિયા પણ ચર્ચાનો વિષય બની છે.
મુખ્ય કામગીરીના બિલ ચૂકવવાના બાકી
સૌથી ગંભીર અને આશ્ચર્યજનક બાબત એ છે કે, મુખ્ય કામગીરી હતી તેના બિલો હજુ આવવાના બાકી છે. ગેરકાયદે બાંધકામો તોડવા માટે વપરાયેલા જેસીબી મશીન અને કટરનું બિલ, ખાનગી શ્રમિકોનું બિલ, કાટમાળ ખસેડવા માટે ઉપયોગમાં લેવાયેલા ટ્રેક્ટર, ટ્રોલી અને ટ્રકોના બિલો યાદીમાં ઉમેરવાના બાકી છે. પાણી અને વીડિયોગ્રાફી પાછળ લાખો રૂપિયા ફૂંકી દેવાયા હોય તો વાસ્તવિક ડિમોલિશનના બિલો આવશે ત્યારે આ આંકડો ક્યાં પહોંચશે તેને લઈને લોકોમાં ભારે ઉત્સુક્તા વધી રહી છે.
વિવાદની શરૂઆત કેવી રીતે થઈ હતી?
વિવાદની શરૂઆત અગાઉ ડિમોલિશન સાઇટ પર હાજર સ્ટાફ અને અધિકારીઓ માટે મંગાવવામાં આવેલી મોંઘીદાટ કાજુકતરી અને પાણીના પાઉચ-બોટલોના તોતિંગ ખર્ચથી થઈ હતી. તે વિવાદ હજુ શાંત પડ્યો નથી ત્યાં જ ડિમોલિશનની વિઝ્યુઅલ રેકોર્ડિંગ અને ડ્રોન સર્વેલન્સનું અધધ રૂપિયા 22 લાખનું બિલ રૂપિયા રજૂ કરવામાં આવ્યું છે. જાણકારોના મતે, કોઈપણ મોટા પ્રોજેક્ટ કે કટોકટીના સમયે ડ્રોન અને વિડિયો શૂટિંગનો ખર્ચ વધીને હજારો કે એક-બે લાખ રૂપિયા સુધી થઈ શકે છે. પરંતુ 22 લાખ રૂપિયાનું બિલ બતાવીને સરકારી તિજોરીને ખુલ્લેઆમ લૂંટવામાં આવી છે.
ચોંકાવનારા આંકડાઓમાંથી રૂપિયા 12.4 લાખનું પાણીનું બિલ અને રૂપિયા 6.5 લાખનું મંડપ સર્વિસનું બિલ ચૂકવવા માટેની વહીવટી પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે. ખાણીપીણી સાથે અન્ય ખર્ચ રૂપિયા 27 લાખનું બિલ એટલું શંકાસ્પદ લાગ્યું કે સ્ટેન્ડિંગ કમિટીએ હાલમાં આ બિલનો ઊંડાણપૂર્વક અભ્યાસ કરવા માટે પેમેન્ટ પર સ્ટે લગાવી દીધો છે. જ્યારે ૨૨ લાખનું વીડિયોગ્રાફીનું બિલ હજુ ચુકવણીની પ્રક્રિયા હેઠળ છે.
સરકારી સાધનો હોવા છતાં ખાનગી સેવાઓ કેમ?
રાજકોટ પોલીસ અને વહીવટી તંત્ર પાસે કાયદો-વ્યવસ્થાની સ્થિતિ પર નજર રાખવા માટે પોતાના અદ્યતન સરકારી ડ્રોન કેમેરા ઉપલબ્ધ છે. જરૂર પડ્યે મનપા આ સરકારી ડ્રોનનો મફતમાં અથવા નહિવત ખર્ચે ઉપયોગ કરી શકે છે. તેમ છતાં, મનપાના એન્જિનિયરિંગ અને સેનિટેશન વિભાગના અધિકારીઓએ કયા હેતુથી અને કોના આશીર્વાદથી સંખ્યાબંધ ખાનગી ડ્રોન અને હાઈ-ડેફિનેશન વીડિયોગ્રાફી કેમેરા ભાડે રાખ્યા? આ ઘટના સ્પષ્ટ સંકેત આપે છે કે ડિમોલિશનના નામે મોટા બિલ બનાવીને મોટો આર્થિક વહીવટ (કટકી) કરી લેવામાં આવ્યો છે. જનતા હવે સોશિયલ મીડિયા પર સવાલો ઉઠાવી રહી છે કે આ કથિત સ્કેમમાં કયાં કયાં ઉચ્ચ અધિકારીઓ ભાગીદાર છે અને તેમની સામે ક્યારે કડક કાનૂની પગલાં લેવામાં આવશે.
પારદર્શિતાની માંગ
જંગલેશ્વર ડિમોલિશન કામગીરીના બિલોનો વિવાદ દિવસે દિવસે વધી રહ્યો છે. ત્યારે સામાજિક અને રાજકીય વર્તુળોમાં માંગ ઉઠી રહી છે કે ડિમોલિશન કામગીરી દરમિયાન થયેલા તમામ ખર્ચની સ્વતંત્ર અને પારદર્શક તપાસ કરવામાં આવે. આ ઉપરાંત જાહેર નાણાંના ઉપયોગ અંગે સંપૂર્ણ હિસાબ જાહેર કરવામાં આવે. તપાસ બાદ જ ખર્ચ અંગેની તમામ શંકાઓ દૂર થઈ શકાશે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

વડોદરામાં દુકાનદારોએ પૂરા પૈસા ભર્યા, છતાં 20થી 40 ટકા ઓછો જથ્થો મળ્યાનો આક્ષેપ! આખરે સિંગતેલના પુરવઠામાં શું થયું?

મેટ્રોની ટિકિટ સસ્તી કે પાર્કિંગનો ખર્ચ વધારે? અમદાવાદના મુસાફરો માટે નવો સવાલ! નવરંગપુરા, સાબરમતી, વસ્ત્રાલ સહિત 10 મેટ્રો સ્ટેશન પર પાર્કિંગ માટે હવે ખિસ્સું ઢીલું કરવું પડી શકે છે!

₹59,350ની બાંધણી, ₹3.19 લાખનાં દાગીના અને ₹4.14 લાખની પુસ્તક ખરીદી… પૂર્વ કુલપતિ ડૉ. નીરજા ગુપ્તાના કાર્યકાળના કયા વ્યવહારો પર ઊઠ્યા સવાલ