જામનગર આયુર્વેદ યુનિવર્સિટી વિવાદ
અમદાવાદમાં યુથ કોંગ્રેસ-NSUIનું વિરોધ પ્રદર્શન,શિક્ષણ મંત્રીના રાજીનામાની માંગ તેજ

ફાઇલ ફોટો

ફાઇલ ફોટો
Jamnagar BAMS Paper Leak: અમદાવાદમાં જામનગર સ્થિત ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીના પેપર લીક મામલે રાજકીય ગરમાવો વધુ તેજ બન્યો છે. યુથ કોંગ્રેસ અને NSUI (નેશનલ સ્ટુડન્ટ્સ યુનિયન ઓફ ઇન્ડિયા) દ્વારા રાજ્ય સરકાર અને શિક્ષણ વિભાગ સામે ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું. વિરોધ પ્રદર્શન દરમિયાન કાર્યકરોએ સૂત્રોચ્ચાર કરી સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે, "શિક્ષણ મંત્રી રાજીનામું નહીં આપે ત્યાં સુધી અમારો સંઘર્ષ ચાલુ રહેશે."વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડાં કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ સાથે વિરોધીઓએ સરકારને ઘેરવાનો પ્રયાસ કર્યો. પેપર લીક જેવી ઘટનાઓથી રાજ્યની પરીક્ષા વ્યવસ્થા અને શિક્ષણ પ્રણાલી પર ગંભીર સવાલો ઉભા થયા હોવાનું વિરોધીઓએ જણાવ્યું.
રસ્તા પર સૂત્રોચ્ચાર અને પોલીસ દ્વારા કાર્યકરોની અટકાયત
દેખાવો દરમિયાન કોંગ્રેસ અને NSUIના કાર્યકરોએ ઇન્કમટેક્સ ચાર રસ્તા પર ભેગા થઈ રસ્તા વચ્ચે બેસીને રાજ્ય સરકાર વિરોધી સૂત્રોચ્ચાર કર્યા હતા. સ્થળ પર પહોંચેલી પોલીસે ટ્રાફિક વ્યવસ્થા પુનઃસ્થાપિત કરવા માટે દેખાવો કરી રહેલા કાર્યકરોની અટકાયત કરી પોલીસ વાનમાં બેસાડી દૂર કર્યા હતા.
ABVP અને NSUIએ વિરોધ નોંધાવ્યો
જામનગરની ગુજરાત આયુર્વેદિક યુનિવર્સિટી પણ વિવાદમાં આવી છે.BAMSના ત્રીજા વર્ષનું પેપર લીક થયાની આશંકાને લઈને વિદ્યાર્થી સંગઠનોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે.પેપર લીક જેવી ગંભીર ઘટનાથી હજારો વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડાં થયા હોવાનો આક્ષેપ કરીને જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે.ભાજપ અને કોંગ્રેસના વિદ્યાર્થી સંગઠન ABVP અને NSUIએ આ બાબતે વિરોધ નોંધાવી તટસ્થ તપાસની માગ કરી છે. હાલ સમગ્ર મામલે વિદ્યાર્થી સંગઠનો દોષિતોને કડક સજા કરવાની માગ પર અડગ છે.હવે યુનિવર્સિટી તંત્ર અને તપાસ સમિતિ આ સમગ્ર વિવાદમાં શું નિર્ણય લે છે તેના પર સૌની નજર રહેલી છે.
કોંગ્રેસ નેતાઓના આકરા પ્રહાર
દેખાવો દરમિયાન કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરોએ સરકારની નીતિઓ પર આકરા પ્રહારો કર્યા હતા. કોંગ્રેસના કાર્યકરોએ જણાવ્યુ હતું કે, 'જામનગરમાં જે રીતે BAMSનું પેપર લીક થયું છે તે દર્શાવે છે કે માત્ર પેપર જ નથી ફૂટી રહ્યા, પરંતુ આખેઆખી સરકાર જ લીકેજ મોડમાં છે. છેલ્લા એક મહિનાથી જંતર મંતર પર NSUI, યુથ કોંગ્રેસ અને Gen Z દ્વારા સતત આંદોલન ચલાવાયું હતું. જો શિક્ષણમંત્રી પોતાના જ જિલ્લામાં પેપરની સુરક્ષા ન કરી શકતા હોય, તો તેઓ સમગ્ર ગુજરાતના વિદ્યાર્થીઓ અને યુવાનોના ભવિષ્યની રક્ષા કેવી રીતે કરી શકશે?'
શિક્ષણ મંત્રીના રાજીનામાની માંગ
પ્રવિણસિંહ વણોલે વધુમાં જણાવ્યું કે જો શિક્ષણ મંત્રીના પોતાના જિલ્લાની યુનિવર્સિટીમાં જ પ્રશ્નપત્રની સુરક્ષા જળવાઈ ન શકે તો રાજ્યભરના વિદ્યાર્થીઓને સુરક્ષિત અને પારદર્શક પરીક્ષા વ્યવસ્થા કેવી રીતે મળી શકે તે સવાલ ઉભો થાય છે. તેમણે આક્ષેપ કર્યો કે આ કારણસર શિક્ષણ મંત્રીએ નૈતિક જવાબદારી સ્વીકારી રાજીનામું આપવું જોઈએ.યુથ કોંગ્રેસે ચીમકી આપી હતી કે જ્યાં સુધી શિક્ષણ મંત્રી રાજીનામું નહીં આપે ત્યાં સુધી રાજ્યવ્યાપી આંદોલન ચાલુ રાખવામાં આવશે અને આગામી દિવસોમાં વિરોધ કાર્યક્રમોને વધુ વ્યાપક બનાવવામાં આવશે.
પેપર લીક મામલે તપાસ પર નજર
જામનગર આયુર્વેદ યુનિવર્સિટીમાં BAMS ત્રીજા વર્ષના શલ્ય તંત્ર વિષયના પ્રશ્નપત્ર લીક થયાના આક્ષેપો સામે આવ્યા બાદ સમગ્ર મામલો ચર્ચાનો વિષય બન્યો છે.આ મુદ્દે તપાસ પ્રક્રિયા અને યુનિવર્સિટી તેમજ સરકાર તરફથી લેવામાં આવનારા પગલાં પર વિદ્યાર્થીઓ અને શિક્ષણ જગતની નજર છે.આ સમાચાર પ્રકાશિત થાય ત્યાં સુધી રાજ્ય સરકાર અથવા શિક્ષણ વિભાગ તરફથી યુથ કોંગ્રેસ દ્વારા કરવામાં આવેલા રાજીનામાની માંગ અંગે કોઈ સત્તાવાર પ્રતિસાદ જાહેર કરવામાં આવ્યો નથી.
વિદ્યાર્થીઓની મુખ્ય માંગ
વિરોધ પ્રદર્શન દરમિયાન વિદ્યાર્થીઓએ સ્પષ્ટ કર્યું કે તેમનો મુખ્ય હેતુ કોઈ રાજકીય લાભ નહીં પરંતુ પરીક્ષા વ્યવસ્થામાં વિશ્વાસ પુનઃસ્થાપિત કરવાનો છે. તેઓ ઇચ્છે છે કે ભવિષ્યમાં કોઈપણ વિદ્યાર્થીને આવી પરિસ્થિતિનો સામનો ન કરવો પડે.
જામનગર આયુર્વેદ યુનિવર્સિટી પેપર લીકનો મુદ્દો હવે માત્ર એક યુનિવર્સિટી પૂરતો મર્યાદિત રહ્યો નથી, પરંતુ સમગ્ર રાજ્યની પરીક્ષા વ્યવસ્થાની વિશ્વસનીયતા સાથે જોડાયેલો મહત્વપૂર્ણ વિષય બની ગયો છે. અમદાવાદમાં યુથ કોંગ્રેસ અને NSUI દ્વારા કરવામાં આવેલા વિરોધ પ્રદર્શનથી આ મુદ્દો વધુ ચર્ચામાં આવ્યો છે.
ભારે વિરોધ વચ્ચે આરોગ્ય મંત્રી પ્રફુલભાઈ પાનસેરીયાનું નિવેદન આરોગ્ય મંત્રી
પ્રફુલભાઈ પાનસેરીયાએ વધુમાં સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે, પ્રાથમિક દૃષ્ટિએ તપાસમાં એવું સામે આવ્યું છે કે કોઈ પણ મૂળ પેપર વાયરલ થયું નથી, પરંતુ માત્ર પરીક્ષાના કેટલાક શબ્દો જ સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે. પેપર ક્યારે વોટ્સએપ પર વાયરલ થયું કે કેમ, તે અંગે હજુ સુધી કોઈ પણ ઠોસ પુરાવા મળ્યા નથી. છતાં પણ વિદ્યાર્થીઓને કોઈ પણ પ્રકારનો અન્યાય ન થાય તે માટે સરકારે કમિટી બનાવીને સઘન તપાસ શરૂ કરી દીધી છે.આવી ઘટનાઓને જરા પણ સાંખી લેવામાં આવશે નહીં તેમ જણાવીને તેમણે નાગરિકો અને વિદ્યાર્થીઓને પણ અપીલ કરી હતી કે સોશિયલ મીડિયામાં વાયરલ થતી આવી બાબતો હંમેશાં સાચી હોતી નથી.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

વડોદરામાં દુકાનદારોએ પૂરા પૈસા ભર્યા, છતાં 20થી 40 ટકા ઓછો જથ્થો મળ્યાનો આક્ષેપ! આખરે સિંગતેલના પુરવઠામાં શું થયું?

મેટ્રોની ટિકિટ સસ્તી કે પાર્કિંગનો ખર્ચ વધારે? અમદાવાદના મુસાફરો માટે નવો સવાલ! નવરંગપુરા, સાબરમતી, વસ્ત્રાલ સહિત 10 મેટ્રો સ્ટેશન પર પાર્કિંગ માટે હવે ખિસ્સું ઢીલું કરવું પડી શકે છે!

₹59,350ની બાંધણી, ₹3.19 લાખનાં દાગીના અને ₹4.14 લાખની પુસ્તક ખરીદી… પૂર્વ કુલપતિ ડૉ. નીરજા ગુપ્તાના કાર્યકાળના કયા વ્યવહારો પર ઊઠ્યા સવાલ