ગુજરાતના ટેબ્લોએ સતત ચોથા વર્ષે પણ મેળવ્યો એવોર્ડ
'વંદે માતરમ્' થીમ આધારિત ટેબ્લોને 'પીપલ્સ ચોઈસ એવોર્ડ'; દેશભરમાંથી મળ્યા સર્વાધિક 43% મત

લોકોની પ્રથમ પસંદગી 'ગુજરાત'

લોકોની પ્રથમ પસંદગી 'ગુજરાત'
નવી દિલ્હીના કર્તવ્ય પથ પર આયોજિત 77માં પ્રજાસત્તાક પર્વની પરેડમાં ગુજરાતે ફરી એકવાર પોતાની સાંસ્કૃતિક અને રાષ્ટ્રભક્તિની ધરોહરનો ડંકો વગાડ્યો છે. સમગ્ર દેશની નજર જેની પર ટકેલી હોય છે તેવી આ રાષ્ટ્રીય પરેડમાં ગુજરાતના ટેબ્લોએ લોકોના દિલ જીતીને સતત ચોથા વર્ષે એક અનોખો વિક્રમ સર્જ્યો છે.
વર્ષ 2026ના પ્રજાસત્તાક પર્વ નિમિત્તે દિલ્હીમાં યોજાયેલી પરેડમાં રજૂ કરાયેલા વિવિધ રાજ્યોના ટેબ્લો (ઝાંખી) વચ્ચે ભારે રસાકસી જોવા મળી હતી. કેન્દ્ર સરકારના સંરક્ષણ મંત્રાલય દ્વારા MyGov પોર્ટલ પર 26મી જાન્યુઆરીથી 27મી જાન્યુઆરીની રાત સુધી દેશભરના નાગરિકો માટે ઓનલાઈન મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. આ મતદાનમાં ગુજરાતના 'સ્વતંત્રતા કા મંત્રઃ વંદે માતરમ્' થીમ આધારિત ટેબ્લોએ શરૂઆતથી જ પોતાની લીડ જાળવી રાખી હતી.
કુલ મતદાનના 43 ટકા જેટલા તોતિંગ મતો મેળવીને ગુજરાત 'પીપલ્સ ચોઈસ કેટેગરી'માં પ્રથમ ક્રમે વિજેતા જાહેર થયું છે. નોંધનીય છે કે બીજા ક્રમે રહેલા ઉત્તર પ્રદેશને માત્ર 9 ટકા મત મળ્યા હતા, જે દર્શાવે છે કે ગુજરાતની પ્રસ્તુતિએ લોકમાનસ પર કેટલી ઊંડી છાપ છોડી છે.
થિમની વિશેષતા: 'વંદે માતરમ્' અને સ્વદેશીનો સમન્વયઆ વર્ષે ગુજરાત રાજ્યના માહિતી વિભાગ દ્વારા જે ટેબ્લો પ્રસ્તુત કરવામાં આવ્યો હતો, તેમાં ભારતની આઝાદીના પાયામાં રહેલા બે મુખ્ય સ્તંભોને આવરી લેવામાં આવ્યા હતા:
ક્રાંતિનો મંત્ર: બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય દ્વારા રચિત 'વંદે માતરમ્' ગીતે કઈ રીતે ક્રાંતિકારીઓમાં જોમ પૂર્યું હતું, તેની ઝાંખી આ ટેબ્લોમાં જોવા મળી હતી.
સ્વદેશી અને આત્મનિર્ભરતા: આઝાદી પૂર્વેની સ્વદેશી ચળવળથી લઈને આજના 'આત્મનિર્ભર ભારત' સુધીની યાત્રાને ખૂબ જ કલાત્મક રીતે રજૂ કરવામાં આવી હતી. ચરખો, ખાદી અને સ્વદેશી વસ્તુઓના પ્રચાર-પ્રસાર દ્વારા ભારતને કઈ રીતે આર્થિક આઝાદી તરફ લઈ જવામાં આવ્યું, તેનું જીવંત પ્રદર્શન કર્તવ્ય પથ પર જોવા મળ્યું હતું.
ગુજરાતે આ કેટેગરીમાં એવોર્ડ જીતવાની જે પરંપરા 2023માં શરૂ કરી હતી, તે આજે પણ અકબંધ છે:
વર્ષ 2023: 'ક્લિન ગ્રીન એનર્જીયુક્ત ગુજરાત' થીમ સાથે ગુજરાતે રિન્યુએબલ એનર્જી ક્ષેત્રે મેળવેલી સિદ્ધિઓ બતાવી પ્રથમ ક્રમ મેળવ્યો હતો.
વર્ષ 2024: કચ્છના 'ધોરડો' ગામને વિશ્વના શ્રેષ્ઠ પર્યટન ગામ તરીકે પ્રસ્તુત કરી ગુજરાતે 'પોપ્યુલર ચોઈસ'માં પ્રથમ અને જ્યુરી કેટેગરીમાં બીજો ક્રમ મેળવ્યો હતો.
વર્ષ 2025: ગત વર્ષે પણ ગુજરાતે પોતાની સાંસ્કૃતિક વિરાસતને આધારે જનતાના મત જીત્યા હતા.
વર્ષ 2026: આ વર્ષે 'વંદે માતરમ્' થીમ સાથે વિજયની ‘ફોર’ (ચોગ્ગો) ફટકારી છે.
આ ભવ્ય સફળતા બાદ હવે 30મી જાન્યુઆરી, 2026 ના રોજ નવી દિલ્હીના રાષ્ટ્રીય રંગશાળા શિબિર ખાતે પ્રજાસત્તાક પર્વના સમાપન સમારોહનું આયોજન થશે. આ કાર્યક્રમમાં કેન્દ્રના રાજ્યકક્ષાના સંરક્ષણ મંત્રીના હસ્તે ગુજરાતને 'પીપલ્સ ચોઈસ' કેટેગરીનો શ્રેષ્ઠ ટેબ્લો એવોર્ડ એનાયત કરવામાં આવશે. ગુજરાતના મુખ્યમંત્રી અને માહિતી વિભાગના અધિકારીઓએ આ જીત બદલ રાજ્યના નાગરિકોનો આભાર વ્યક્ત કર્યો છે, જેમણે વોટ આપીને ગુજરાતની કલાને વિશ્વફલક પર ગૌરવ અપાવ્યું છે.

અમદાવાદના વિક્ટોરિયા ગાર્ડન નજીક બંધ સિગ્નલ પર રિક્ષા રોકતા TRB જવાન પર હુમલો થયો. રિક્ષાચાલકે પોલીસકર્મીને પણ ધક્કો માર્યો; જીગર સોલંકીની ધરપકડ.

વડોદરાના ડભોઈના ભીલાપુર ગામમાં Facebook કોમેન્ટ બાદ ભાજપના બે જૂથો વચ્ચે મારામારી થઈ. જૂથ અથડામણમાં 4 લોકો ઈજાગ્રસ્ત થતાં SSG હોસ્પિટલ ખસેડાયા, જ્યારે ડભોઈ પોલીસે તપાસ શરૂ કરી છે.

ભાવનગરના માધવ બોય્ઝ હોસ્ટેલમાં ધોરણ-9ના વિદ્યાર્થી સાથે રેગિંગનો ગંભીર આરોપ, મારપીટ અને બળજબરીથી સિગારેટ પીવડાવ્યાના આક્ષેપ; CCTV વીડિયો સામે આવ્યા બાદ નિલમબાગ પોલીસે 4 વિદ્યાર્થીઓ અને 2 રેક્ટર સહિત 6 સામે ગુનો નોંધ્યો.