Gujarat Revenue Employees Strike: ગુજરાતમાં મહેસૂલ વિભાગની કામગીરીને અસર કરતી મોટી હડતાળ શરૂ થઈ છે. ગુજરાત રાજ્ય મહેસૂલી કર્મચારી મહામંડળના આહ્વાન બાદ રાજ્યભરના વર્ગ-3ના મહેસૂલી કર્મચારીઓ આજથી અચોક્કસ મુદતની હડતાળ પર ઉતરી ગયા છે. પડતર સેવા વિષયક 14 માંગણીઓનો ઉકેલ ન આવતા અને માસ CL બાદ પણ સરકાર તરફથી સકારાત્મક પ્રતિસાદ ન મળતાં કર્મચારીઓએ આંદોલનનો માર્ગ અપનાવ્યો છે. આ હડતાળમાં મહેસૂલી તલાટી, ક્લાર્ક અને નાયબ મામલતદાર સહિતના કર્મચારીઓ જોડાયા છે. રાજ્યમાં 10 હજારથી વધુ કર્મચારીઓ કામથી અળગા રહેતા આવકના દાખલા, જાતિના દાખલા, વારસાઈ નોંધ, જમીન સંબંધિત કામગીરી, ઈ-ધરા કેન્દ્રો અને અન્ય મહેસૂલી સેવાઓને અસર થઈ છે. સુરતમાં PG એડમિશનના છેલ્લા દિવસે વિદ્યાર્થીઓને પણ મુશ્કેલી પડી હોવાની માહિતી સામે આવી છે.
સુરતથી રાજકોટ અને વડોદરા સુધી અસર
સુરતમાં નાયબ મામલતદાર, ક્લાર્ક અને તલાટી સહિત આશરે 500 કર્મચારીઓએ પેન ડાઉન કરી કામગીરીથી અળગા રહેતા કલેક્ટર કચેરી, પ્રાંત કચેરી અને તાલુકા મામલતદાર કચેરીમાં સામાન્ય લોકોના કામો ખોરવાયા છે. ઈ-ધરા, વારસાઈ નોંધ, જમીન દસ્તાવેજો અને સિટી સરવેની કામગીરી પર પણ અસર પડી છે. રાજકોટ મહેસૂલી કર્મચારી મહામંડળના મહામંત્રી મનીષ ગિધવાણીએ જણાવ્યું હતું કે રાજકોટ જિલ્લામાં મામલતદાર કચેરી, પ્રાંત કચેરી અને કલેક્ટર કચેરીના વર્ગ-3ના કર્મચારીઓ સહિત 450 કર્મચારીઓ કામગીરીથી અલિપ્ત રહ્યા છે. મનીષ ગિધવાણીએ કહ્યું કે, “અમારા કર્મચારીઓ હંમેશા જાહેર રજાઓ અને ઓફિસ સમય પછી પણ પ્રજાના કામ કરે છે. લોકોને કોઈપણ મુશ્કેલી પડે નહીં તેનો સતત ખ્યાલ રાખવામાં આવે છે. પરંતુ આ વ્યાજબી માંગણીઓ ન સંતોષાતા નાછૂટકે હડતાળનો રસ્તો પસંદ કરવો પડ્યો છે, જેનાથી જનતાને પડતી મુશ્કેલી બદલ અમે ખરેખર દિલગીર છીએ. પણ જ્યાં સુધી સરકારી સ્તરેથી અમારી માંગણીનો સકારાત્મક ઉકેલ નહીં આવે ત્યાં સુધી આ હડતાળ ચાલુ રહેશે.”
14 માંગણીઓ સાથે મહેસૂલી કર્મચારીઓનો વિરોધ
મહામંડળની મુખ્ય માંગણીઓમાં તલાટીઓ પાસેથી અન્ય વિભાગનું વધારાનું કામ પાછું ખેંચવું, જનસેવા કેન્દ્રો માટે અલગ મહેકમ મંજૂર કરવો, ઈ-ધરા અને ડિજિટલ ગુજરાતના વધતા કામના બોજમાં સુધારા કરવા અને તલાટીઓના જોબચાર્ટ તથા સુવિધાઓ સ્પષ્ટ કરવાની માંગ સામેલ છે. આ ઉપરાંત નાયબ મામલતદાર અને મામલતદારની સીધી ભરતી અટકાવવી, સિનિયોરિટી યાદી જાહેર કરવી, પ્રમોશનમાં થયેલા પ્રશ્નો ઉકેલવા, પારદર્શક ઓનલાઈન બદલી પોર્ટલ શરૂ કરવું, બાકી ખાતાકીય પરીક્ષાઓ યોજવી અને તેના પરિણામ જાહેર કરવાની પણ માંગ છે. ફેરણી અધિકારીઓ માટે PTA નક્કી કરવાની પણ માંગ કરવામાં આવી છે.
ગાંધીનગરમાં ચૂંટણીનું કામ ચાલુ
ગાંધીનગર જિલ્લામાં પણ મહેસૂલી કર્મચારીઓ હડતાળમાં જોડાયા છે. જોકે ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી સંબંધિત કામગીરી હડતાળમાંથી બાકાત રાખવામાં આવી છે. રેવન્યુ તલાટી વિજયરાજસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે ચૂંટણીની કામગીરી અને ઇમરજન્સી સેવા ચાલુ રાખવામાં આવશે.
‘Malice in Law’ અને વિભાગીય તપાસનો મુદ્દો
મહામંડળે પોતાની રજૂઆતમાં સુપ્રીમ કોર્ટના Somesh Tiwari Vs. Union of India ચુકાદાનો ઉલ્લેખ કરીને ‘Malice in Law’નો મુદ્દો પણ ઉઠાવ્યો છે. કર્મચારીઓ સામેની કાર્યવાહી વ્યક્તિગત કે અયોગ્ય હેતુથી ન થવી જોઈએ તેવી માંગ કરવામાં આવી છે. વિભાગીય તપાસમાં પારદર્શિતા, નિયમસર કાર્યવાહી અને સમયમર્યાદા નક્કી કરવાની પણ માંગ છે. મહામંડળે મુખ્યમંત્રી અને મહેસૂલ મંત્રીને રજૂઆત કરી કર્મચારીઓ સામે થતી કથિત હેરાનગતિભરી કાર્યવાહી અટકાવવા અને 14 માંગણીઓનો યોગ્ય ઉકેલ લાવવા માંગ કરી છે. હવે સરકાર આંદોલનનો ઉકેલ લાવવા શું પગલું ભરે છે અને ગુજરાતના મહેસૂલ વિભાગની કામગીરી ક્યારે સામાન્ય થાય છે, તેના પર સૌની નજર છે.