રાજ્યના 125 તાલુકાઓમાં ધોધમાર વરસાદ
TAT-GPSCની પરીક્ષાઓ મોકૂફ, સુરતના ઉમરપાડામાં 10 ઇંચ ખાબક્યો વરસાદ

રાજ્યના 125 તાલુકાઓમાં ધોધમાર વરસાદ

રાજ્યના 125 તાલુકાઓમાં ધોધમાર વરસાદ
Gujarat Rain Update: ગુજરાત રાજ્યમાં ચોમાસાએ અત્યંત તોફાની અને રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. હવામાન વિભાગની ‘રેડ એલર્ટ’ની આગાહી વચ્ચે સવારના 6 થી બપોરના 2 વાગ્યા સુધીમાં રાજ્યના 125 તાલુકાઓમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી છે. સૌથી વધુ સુરતના ઉમરપાડા તાલુકામાં 10 ઇંચ જેટલો જળબંબાકાર સર્જનારો વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત રાજ્યના અન્ય 15 તાલુકાઓમાં પણ 5 ઇંચથી વધુ વરસાદ ખાબકતા નીચાણવાળા વિસ્તારોમાં જળબંબાકાર જેવી ગંભીર સ્થિતિ સર્જાઈ છે. ભારે વરસાદના કારણે સમગ્ર રાજ્યમાં જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે અને તંત્ર દ્વારા સતત સાવચેતીના પગલાં લેવામાં આવી રહ્યા છે.
17 જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર: હવામાન વિભાગની ગંભીર ચેતવણી
નાઉકાસ્ટની તાજા અપડેટ મુજબ, બપોરના 4 થી સાંજના 7 વાગ્યા સુધી રાજ્યના 17 જિલ્લાઓમાં ‘રેડ એલર્ટ’ આપવામાં આવ્યું છે. આ એલર્ટ હેઠળ મહેસાણા, બનાસકાંઠા, પાટણ, અમદાવાદ, વડોદરા, આણંદ, ખેડા, નર્મદા, ભરૂચ, નવસારી, સુરત, તાપી, ડાંગ, વલસાડ, સુરેન્દ્રનગર, ભાવનગર, બોટાદ તેમજ દમણ અને દાદરા નગર હવેલીનો સમાવેશ થાય છે. આ સિવાય કચ્છ, મોરબી, રાજકોટ, અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથ, દીવ, ગાંધીનગર, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ અને છોટાઉદેપુરમાં ‘ઓરેન્જ એલર્ટ’ જ્યારે જામનગર, દ્વારકા અને પોરબંદરમાં ‘યલો એલર્ટ’ જાહેર કરવામાં આવ્યું છે.
આગામી 2 ઓગસ્ટ સુધી મેઘરાજા ધમાકો જારી રાખશે
હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી 2 ઓગસ્ટ સુધી રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદનું જોર યથાવત રહેશે. આજે 31 જુલાઈના રોજ અમદાવાદ અને દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓ સહિત કુલ 14 જિલ્લાઓમાં અત્યંત ભારે વરસાદનું ‘રેડ એલર્ટ’ જારી કરવામાં આવ્યું છે. જ્યારે રાજકોટ, અમરેલી અને સુરેન્દ્રનગર સહિત 6 જિલ્લાઓમાં ‘ઓરેન્જ એલર્ટ’ છે. આ સાથે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના 15 જિલ્લાઓમાં ‘યલો એલર્ટ’ સાથે ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. સતત બગડતી સ્થિતિને ધ્યાનમાં રાખીને તંત્ર સંપૂર્ણપણે એલર્ટ મોડ પર છે.
પાંચ વરસાદી સિસ્ટમો સક્રિય: ડિપ્રેશન અને વેલમાર્ક લો-પ્રેશરમાં બદલાવ
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, હાલ રાજ્યમાં પાંચ અલગ-અલગ હવામાન પ્રણાલીઓ જેવી કે ડિપ્રેશન, ઓફ સ્યોર ટ્રફ, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ, શીયર ઝોન અને મોન્સૂન ટ્રફ સક્રિય હોવાથી વરસાદનું જોર અત્યંત તીવ્ર બન્યું છે. હાલમાં સક્રિય ડીપ ડિપ્રેશનની તીવ્રતા ઘટીને તે ડિપ્રેશનમાં પરિવર્તિત થઈ ચૂકી છે અને પશ્ચિમ-ઉત્તર પશ્ચિમ દિશા તરફ આગળ વધી રહી છે. આગામી સમયમાં આ ડિપ્રેશન વેલમાર્ક લો-પ્રેશર વિસ્તારમાં પરિવર્તિત થશે. આ સિસ્ટમોના પ્રભાવને કારણે સમગ્ર ગુજરાતમાં ગાજવીજ અને વીજળીના કડાકા-ભડાકા સાથે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે.
નવસારીમાં કરૂણ દુર્ઘટના: વીજકરંટ લાગતા 3 મજૂરોનાં ઘટનાસ્થળે જ મોત
નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના ગણદેવા ગામ નજીક એક મોટી હોનારત સર્જાઈ છે. અહીં પસાર થઈ રહેલો એક ટેમ્પો અકસ્માતે વીજળીના લાઈવ વાયર સાથે અડી જતાં ટેમ્પોમાં સવાર મજૂરોને જોરદાર વીજકરંટ લાગ્યો હતો, જેના કારણે 3 મજૂરોના ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજ્યાં હતાં. આ ગંભીર દુર્ઘટનામાં ઈજાગ્રસ્ત થયેલા 2 મજૂરોને સારવાર અર્થે ખારેલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે, જ્યારે વધુ એક ગંભીર દર્દીને સુરત રિફર કરવામાં આવ્યો છે. આ દુઃખદ સમાચાર મળતા જ ગણદેવી પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને કેન્દ્રીય મંત્રી નરેશ પટેલ સહિતના આગેવાનો સ્થિતિની સમીક્ષા માટે રવાના થયા હતા.
સ્પર્ધાત્મક પરીક્ષાઓ મોકૂફ: TAT અને GPSCની તારીખોમાં મોટો ફેરફાર
રાજ્યમાં ભારે વરસાદની પ્રવર્તમાન સ્થિતિ અને પરીક્ષાર્થીઓની સલામતીને સર્વોપરી ગણીને મહત્વપૂર્ણ સ્પર્ધાત્મક પરીક્ષાઓની તારીખો બદલવામાં આવી છે. રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા અગાઉ આગામી 2 ઓગસ્ટના રોજ યોજાનારી TAT (ઉચ્ચતર માધ્યમિક)-2026ની મુખ્ય પરીક્ષા હવે 8 ઓગસ્ટ, 2026ના રોજ યોજાશે, જેના માટે ઉમેદવારોની જૂની હોલટિકિટ જ માન્ય રહેશે. આ ઉપરાંત ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC) દ્વારા 1 ઓગસ્ટના રોજ લેવાનારી તમામ પરીક્ષાઓ મુલતવી રાખીને હવે તે પરીક્ષાઓ 9 ઓગસ્ટના રોજ યોજવાનો મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.
સુરતમાં પૂરની ભયાનક સ્થિતિ: ભેદવાડ ખાડી ઓવરફ્લો અને આર્મીની એન્ટ્રી
સુરત શહેરમાં ધોધમાર વરસાદના કારણે ભેદવાડ ખાડી ઓવરફ્લો થઈ જતાં અનેક વિસ્તારોમાં પૂર જેવી ગંભીર સ્થિતિ સર્જાઈ છે. પૂરના આ ખતરાને પહોંચી વળવા અને નાગરિકોને સુરક્ષિત બહાર લાવવા માટે ભારતીય લશ્કર (આર્મી)ની 2 વિશેષ ટીમો અત્યાધુનિક રેસ્ક્યુ વાહનો અને જરૂરી સાધનો સાથે સુરત આવી પહોંચી છે. તંત્ર સાથે સંકલન કરીને આર્મીની ટીમો નીચાણવાળા વિસ્તારોમાં ફસાયેલા લોકોને રેસ્ક્યુ કરવા અને રાહત સામગ્રી પહોંચાડવા માટે સજ્જ થઈ ગઈ છે. સંભવિત ખતરાને જોતા સુરત જિલ્લામાં 1 ઓગસ્ટના રોજ તમામ શાળાઓ, કોલેજો, આંગણવાડીઓ અને ITI માં એક દિવસની રજા જાહેર કરવામાં આવી છે.
વલસાડમાં તંત્ર એક્શન મોડમાં: 6 ગામોનું સ્થળાંતર શરૂ અને ઔરંગા નદી પર વિશેષ વોચ
વલસાડ જિલ્લામાં વહેલી સવારથી શરૂ થયેલા ધોધમાર વરસાદને પગલે વહીવટી તંત્ર પૂરના જોખમને પહોંચી વળવા માટે સક્રિય બન્યું છે. સાવચેતીના ભાગરૂપે દરિયાકાંઠાના અને નીચાણવાળા વિસ્તારમાં આવેલ 6 ગામોના નાગરિકોને સુરક્ષિત આશ્રયસ્થાનોમાં ખસેડવાની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરવામાં આવી છે. હાલમાં ઔરંગા નદીની સપાટી 5 મીટર આસપાસ પહોંચી ચૂકી છે, અને જો સપાટી 5.50 મીટર સુધી પહોંચે તો નીચાણવાળા વિસ્તારોમાં પાણી ઘૂસવાની પૂરી શક્યતા છે. સંભવિત પૂરની સ્થિતિને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા ટ્રેક્ટર અને અન્ય વાહનોની લોજિસ્ટિક તૈયારીઓ પણ પૂર્ણ કરી લેવાઈ છે.
દરિયો બન્યો તોફાની: અમરેલીના કિનારે 3 નંબરનું ભયજનક સિગ્નલ લગાવાયું
અમરેલી જિલ્લામાં વરસાદી માહોલની સાથે દરિયાકાંઠે તોફાની સ્થિતિ સર્જાઈ છે. દરિયામાં કરંટ અતિશય વધતા અને મોજા ઉછળતા તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે ભયજનક 3 નંબરનું સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે. રાજુલા, જાફરાબાદ અને પીપાવાવ સહિતના કોસ્ટલ બેલ્ટ વિસ્તારોમાં દરિયાની ગતિવિધિઓ પર સતત નજર રાખવામાં આવી રહી છે. કલેક્ટર વિકલ્પ ભારદ્વાજ સમગ્ર સ્થિતિનું મોનિટરિંગ કરી રહ્યા છે. સુરક્ષાના ભાગરૂપે માછીમારો અને દરિયાકાંઠાના નાગરિકોને આગામી ત્રણ દિવસ સુધી દરિયો ન ખેડવાની કડક સૂચના આપવામાં આવી છે અને બિનજરૂરી અવરજવર ટાળવા અપીલ કરાઈ છે.
મધ્ય ગુજરાતમાં NDRFની ટીમો સ્ટેન્ડબાય: પંચમહાલ અને છોટાઉદેપુરમાં રાહત અને બચાવ કામગીરી
વડોદરા અને મધ્ય ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં બપોર બાદ અતિભારે વરસાદની આગાહીના પગલે તંત્ર દ્વારા વ્યાપક તૈયારીઓ કરાઈ છે. કોઈપણ આપત્તિજનક સ્થિતિને પહોંચી વળવા માટે નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (NDRF) ની 3 વિશેષ ટીમો વડોદરા અને મધ્ય ગુજરાત માટે સ્ટેન્ડબાય રાખવામાં આવી છે. અગાઉ બનાસકાંઠા, પાટણ અને જૂનાગઢ ડેપ્યુટ કરાયેલી ટીમોને પરત વડોદરા હેડક્વાર્ટર બોલાવી લેવાઈ છે, જેથી જરૂર પડ્યે તેમને તાત્કાલિક અસરગ્રસ્ત વિસ્તારોમાં રવાના કરી શકાય. છોટાઉદેપુરના કવાંટમાં કોઝવે ધોવાવાથી અનેક ગામો સંપર્ક વિહોણા થયા છે અને ત્યાં પણ પ્રશાસન સતત કાર્યરત છે.
ડેમોમાંથી પાણી છોડાયું અને શહેરોમાં પાણી ભરાવાની ગંભીર સમસ્યા
અમરેલીના ખાંભા સ્થિત રાયડી ડેમમાં પાણીની આવક અચાનક વધતા રૂલ લેવલ જાળવી રાખવા માટે ડેમનો 1 દરવાજો 3 ઇંચ સુધી ખોલવામાં આવ્યો છે, જેના કારણે રાયડી નદીના કાંઠે આવેલા નાના બારમણ, મોટા બારમણ, ચોતરા, મીઠાપુર અને નાગેશ્રી જેવા નીચાણવાળા ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. બીજી તરફ, અમદાવાદ શહેરમાં સામાન્ય વરસાદમાં પણ એસ. જી. હાઈવે પર પેલેડિયમ મોલ પાસે અને શાહીબાગ વિસ્તારમાં ગોઠણસમા પાણી ભરાઈ ગયા હતા, જેના કારણે વાહનચાલકો અને વિદ્યાર્થીઓને ભારે હાલાકી વેઠવી પડી હતી. મીઠાખળી અંડરબ્રિજ પાણી ભરાવાના કારણે વાહનવ્યવહાર માટે બંધ કરવામાં આવ્યો છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

વડોદરામાં દુકાનદારોએ પૂરા પૈસા ભર્યા, છતાં 20થી 40 ટકા ઓછો જથ્થો મળ્યાનો આક્ષેપ! આખરે સિંગતેલના પુરવઠામાં શું થયું?

મેટ્રોની ટિકિટ સસ્તી કે પાર્કિંગનો ખર્ચ વધારે? અમદાવાદના મુસાફરો માટે નવો સવાલ! નવરંગપુરા, સાબરમતી, વસ્ત્રાલ સહિત 10 મેટ્રો સ્ટેશન પર પાર્કિંગ માટે હવે ખિસ્સું ઢીલું કરવું પડી શકે છે!

₹59,350ની બાંધણી, ₹3.19 લાખનાં દાગીના અને ₹4.14 લાખની પુસ્તક ખરીદી… પૂર્વ કુલપતિ ડૉ. નીરજા ગુપ્તાના કાર્યકાળના કયા વ્યવહારો પર ઊઠ્યા સવાલ