ગુજરાતમાં મેઘતાંડવ! વલસાડમાં આભ ફાટ્યું
વલસાડ, કડી, માંગરોળ સહિત અનેક વિસ્તારોમાં પાણી જ પાણી,રાજ્યમાં ભારે વરસાદથી હાહાકાર

AI જનરેટેડ

AI જનરેટેડ
Gujarat Heavy Rain : ગુજરાતમાં ચોમાસાએ હવે પૂરજોશમાં એન્ટ્રી કરી છે અને રાજ્યના અનેક વિસ્તારોમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ શરૂ કરી દીધી છે. છેલ્લા 24 કલાક દરમિયાન સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદ નોંધાતા અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે. જૂનાગઢ, ગીર સોમનાથ, વલસાડ, નવસારી અને ડાંગ જિલ્લામાં ભારે વરસાદના કારણે નદી-નાળા છલકાયા છે, જ્યારે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા ઉભી થઈ છે. રાજ્યના સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર (SEOC) દ્વારા જાહેર કરાયેલા તાજા આંકડા મુજબ, છેલ્લા 24 કલાકમાં ગુજરાતના કુલ 172 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. બીજી તરફ આજે સવારે માત્ર બે કલાકના ટૂંકા ગાળામાં જ દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ જોરદાર હાજરી નોંધાવી છે. ખાસ કરીને વલસાડ જિલ્લામાં ભારે વરસાદને કારણે જનજીવન પ્રભાવિત બન્યું છે.
વલસાડમાં બે કલાકમાં 6.10 ઈંચ વરસાદ, દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદ
વલસાડ તાલુકામાં સૌથી વધુ 155 મીમી એટલે કે 6.10 ઈંચ વરસાદ નોંધાયો છે. આટલા ટૂંકા સમયમાં પડેલા ભારે વરસાદના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હોવાના અહેવાલ મળી રહ્યા છે. વલસાડ બાદ ડાંગ જિલ્લાના ધ ડાંગ તાલુકામાં 79 મીમી એટલે કે 3.11 ઈંચ વરસાદ નોંધાયો છે. નવસારી જિલ્લાના ગણદેવીમાં 55 મીમી (2.17 ઈંચ), વલસાડના પારડીમાં 54 મીમી (2.13 ઈંચ) અને નાનાપોંઢામાં 52 મીમી (2.05 ઈંચ) વરસાદ વરસ્યો છે. સુરત જિલ્લાના મહુવામાં પણ 50 મીમી વરસાદ નોંધાતા દક્ષિણ ગુજરાતમાં મેઘમહેર યથાવત રહી છે. આ ઉપરાંત વલસાડના કપરાડામાં 46 મીમી, તાપીના ડોલવણમાં 46 મીમી અને વાપીમાં 42 મીમી વરસાદ નોંધાયો છે. સવારના બે કલાક દરમિયાન રાજ્યના કુલ 29 તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ વરસ્યો છે.
કડીમાં આભ ફાટ્યું,બે જ કલાકમાં 8 ઇંચ વરસાદ
મહેસાણા જિલ્લાના કડી પંથકમાં વીજળીના કડાકા સાથે આભ ફાટ્યું હોય તેવી સ્થિતિ સર્જાઈ હતી. કડીમાં રાત્રે 2થી 4 વાગ્યાના માત્ર બે જ કલાકના ટૂંકા ગાળામાં આશરે 8 ઇંચ જેટલો અનરાધાર વરસાદ ખાબકતાં સમગ્ર કડી શહેર અને આસપાસનો વિસ્તાર પાણીમાં ગરકાવ થઈ ગયો છે.કરણનગર અને સુજાતપુરા રોડ પર આવેલી 25થી વધુ સોસાયટીઓના ઘરોમાં ઘૂંટણસમાથી લઈને કમર સુધીના પૂરના પાણી ઘૂસી ગયા હતા, જેના લીધે અડધી રાત્રે સ્થાનિકો સામાન બચાવવામાં લાગ્યા હતાં. તો વલસાડ શહેર પણ જાણે બેટમાં ફેરવાયું હોય તેવા દૃશ્યો સામે આવ્યા છે.
છેલ્લા 24 કલાકમાં માંગરોળ અને સુત્રાપાડામાં અતિભારે વરસાદ
ગત 24 કલાકના વરસાદી આંકડાઓ પર નજર કરીએ તો સૌરાષ્ટ્રમાં મેઘરાજાએ સૌથી વધુ કહેર વરસાવ્યો છે. જૂનાગઢ જિલ્લાના માંગરોળમાં છેલ્લા 24 કલાક દરમિયાન 321 મીમી એટલે કે 12.64 ઈંચ વરસાદ નોંધાયો છે, જે રાજ્યમાં સૌથી વધુ છે. ગીર સોમનાથના સુત્રાપાડામાં 314 મીમી એટલે કે 12.36 ઈંચ વરસાદ નોંધાયો છે. જૂનાગઢના કેશોદમાં 278 મીમી (10.94 ઈંચ), ગીર સોમનાથના પાટણ-વેરાવળમાં 256 મીમી (10.08 ઈંચ) અને જૂનાગઢના માલિયા હાટીનામાં 232 મીમી (9.13 ઈંચ) વરસાદ વરસ્યો છે. જૂનાગઢના માણાવદરમાં 230 મીમી, મહેસાણાના કડીમાં 225 મીમી અને જામનગરના જામજોધપુરમાં 179 મીમી વરસાદ નોંધાતા રાજ્યના અનેક વિસ્તારોમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે.
જૂનાગઢના માંગરોળમાં 13 ઇંચથી પૂર જેવી સ્થિતિ
જૂનાગઢના માંગરોળમાં 13 ઇંચ ખાબકતા પૂરની સ્થિતિ સર્જાય હતી. મોટાભાગના જિલ્લાઓની નદીઓમાં નવા નીરની આવક થઈ છે અને ડેમોના સ્તરમાં પણ વધારો છે.રાજકોટના ઉપલેટાના વેણુ-2 ડેમના બે દરવાજા 0.3 મીટર ખોલવામાં આવતા આસપાસના ગામ લોકોને નદીના પટમાં અવરજવર ન કરવા સૂચના અપાઈ હતી. તો જામજોધપુરના ઉમીયાસાગર ડેમના પાંચ દરવાજા 1.5 મીટર સુધી ખોલી નીચાણવાળા ગામોને એલર્ટ કરી અસરગ્રસ્ત ગામના લોકોને સ્થળાંતર કરવા સૂચના અપાઈ હતી.
વલસાડમાં શાળા-કોલેજોમાં રજા જાહેર
ભારે વરસાદની આગાહીને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્રે વલસાડ, ધરમપુર અને કપરાડા તાલુકાની તમામ શાળા-કોલેજો બંધ રાખવાનો આદેશ જાહેર કર્યો છે. જ્યારે વાપી, ઉમરગામ અને પારડી તાલુકામાં વરસાદની સ્થાનિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને શાળા ચાલુ રાખવી કે બંધ રાખવી તેનો નિર્ણય લેવાની જવાબદારી સંબંધિત શાળાના આચાર્યોને સોંપવામાં આવી છે. વિદ્યાર્થીઓની સુરક્ષાને પ્રાથમિકતા આપીને આ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું તંત્રે જણાવ્યું છે.
છેલ્લા 24 કલાકમાં રાજ્યના 172 તાલુકામાં વરસાદ નોંધાયો
રાજ્યના કુલ 172 તાલુકાઓમાં છેલ્લા 24 કલાક દરમિયાન વરસાદ નોંધાયો છે. દક્ષિણ ગુજરાત ઉપરાંત સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના પણ અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો છે.વલસાડમાં 101 મીમી, ઉમરગામમાં 89 મીમી, પારડીમાં 86 મીમી અને કપરાડામાં 82 મીમી વરસાદ નોંધાયો છે. નવસારીના ખેરગામમાં 75 મીમી અને ચીખલીમાં 68 મીમી વરસાદ વરસ્યો છે. સુરતના ઓલપાડમાં 96 મીમી, માંગરોળમાં 47 મીમી અને બારડોલીમાં 27 મીમી વરસાદ નોંધાતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. જોકે ભારે વરસાદના કારણે કેટલાક વિસ્તારોમાં વાહન વ્યવહાર પણ અસરગ્રસ્ત બન્યો છે.
આજે ક્યાં જિલ્લામાં વરસાદનું એલર્ટ ?
અમરેલી, ભાવનગર, સુરત, નવસારી અને વલસાડ જિલ્લામાં ભારે વરસાદની સંભાવનાને પગલે રેડ એલર્ટ જાહેર કરાયું છે.પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, ભરૂચ, નર્મદા, તાપી અને ડાંગ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.દેવભૂમિ દ્વારકા, રાજકોટ, બોટાદ, આણંદ, વડોદરા, પંચમહાલ અને છોટા ઉદેપુર જિલ્લામાં યલો એલર્ટ યથાવત રાખવામાં આવ્યું છે.
સમગ્ર જિલ્લામાં વરસાદનો કહેર, તંત્ર એલર્ટ મોડ પર
ભારતીય હવામાન વિભાગ અનુસાર દક્ષિણ-પશ્ચિમ ચોમાસું ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં આગળ વધી ચૂક્યું છે.આગામી બે થી ત્રણ દિવસ દરમિયાન રાજ્યમાં ચોમાસું વધુ મજબૂત બનવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.હવામાન નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે, હાલમાં રાજ્યની આસપાસ એકસાથે પાંચ હવામાન પ્રણાલીઓ સક્રિય છે.તેમાં ટ્રફ લાઇન,શિયર ઝોન, લો પ્રેશર સિસ્ટમ, સાયક્લોનિક સર્ક્યુલેશન અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સનો સમાવેશ થાય છે.આ તમામ પરિબળોના કારણે આગામી દિવસોમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વધુ ભારે વરસાદ પડી શકે છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

વડોદરામાં દુકાનદારોએ પૂરા પૈસા ભર્યા, છતાં 20થી 40 ટકા ઓછો જથ્થો મળ્યાનો આક્ષેપ! આખરે સિંગતેલના પુરવઠામાં શું થયું?

મેટ્રોની ટિકિટ સસ્તી કે પાર્કિંગનો ખર્ચ વધારે? અમદાવાદના મુસાફરો માટે નવો સવાલ! નવરંગપુરા, સાબરમતી, વસ્ત્રાલ સહિત 10 મેટ્રો સ્ટેશન પર પાર્કિંગ માટે હવે ખિસ્સું ઢીલું કરવું પડી શકે છે!

₹59,350ની બાંધણી, ₹3.19 લાખનાં દાગીના અને ₹4.14 લાખની પુસ્તક ખરીદી… પૂર્વ કુલપતિ ડૉ. નીરજા ગુપ્તાના કાર્યકાળના કયા વ્યવહારો પર ઊઠ્યા સવાલ