ગુજરાતમાં ચાર સિસ્ટમ સક્રિય થતાં જળબંબાકાર
નર્મદામાં માત્ર 2 કલાકમાં સવા ચાર ઇંચ વરસાદ ખાબક્યો, 13 જિલ્લાઓમાં 'રેડ એલર્ટ'

AI જનરેટેડ

AI જનરેટેડ
Gujarat Heavy Rain Red Alert: ગુજરાતમાં ‘રેડ એલર્ટ’ વચ્ચે ચોમાસાના નવા અને અત્યંત તોફાની રાઉન્ડનો પ્રારંભ થઈ ચૂક્યો છે. રાજ્યમાં એકસાથે ચાર વરસાદી સિસ્ટમ (ડીપ ડિપ્રેશન, મોનસૂન ટ્રફ, અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ) સક્રિય થવાને કારણે મેઘરાજાએ સમગ્ર રાજ્યમાં ધમાકેદાર બેટિંગ શરૂ કરી છે. સવારે 6 થી 8 વાગ્યા સુધીમાં જ રાજ્યના 82 તાલુકામાં મેઘમહેર નોંધાઈ ચૂકી છે, જેના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે અને જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે.
નર્મદામાં જળતાંડવ: માત્ર બે કલાકમાં 4.65 ઇંચ વરસાદ
ગાંધીનગરમાં સંચાલિત સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરના આંકડાઓ અનુસાર, નર્મદા જિલ્લામાં આજે વહેલી સવારે મેઘરાજાએ અસલી રૌદ્ર સ્વરૂપ બતાવ્યું છે. સવારે 6 થી 8 વાગ્યા વચ્ચેના માત્ર બે જ કલાકના ટૂંકા ગાળામાં સાગબારા અને ગરુડેશ્વર તાલુકામાં 118 મિ.મી. એટલે કે અંદાજે 4.65 ઇંચ જેટલો ધોધમાર વરસાદ ખાબક્યો છે. આ ભારે વરસાદના કારણે નદી-નાળા છલકાઈ ગયા છે અને સમગ્ર વિસ્તારમાં પાણી જ પાણી થઈ જતાં મેઘતાંડવ જેવી સ્થિતિ સર્જાઈ છે. આ ઉપરાંત નાંદોદમાં 3.54 ઇંચ અને તિલકવાડામાં 3.15 ઇંચ વરસાદ નોંધાયો છે.
સુરત, વડોદરા અને ભરૂચમાં જળબંબાકાર: રસ્તાઓ બન્યા બેટ
દક્ષિણ અને મધ્ય ગુજરાતના મુખ્ય શહેરોમાં ભારે વરસાદને કારણે જળબંબાકાર જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. સુરતમાં કતારગામ દરવાજા સહિતના વિસ્તારોમાં ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા છે, જ્યારે લિંબાયતના ગરનાળામાં પાણી ભરાવાથી વાહનવ્યવહાર સંપૂર્ણપણે ખોરવાયો છે. વડોદરામાં પણ વરસાદ થમ્યા બાદ અલકાપુરી ગરનાળા જેવા નીચાણવાળા માર્ગો પર પાણી ભરાઈ જવાથી પસાર થઈ રહેલા વાહનો બંધ પડી ગયા હતા અને વાહનચાલકો ભારે મુશ્કેલીમાં મુકાયા હતા. ભરૂચમાં કસક સર્કલ, સેવાશ્રમ રોડ અને ફુરજા બંદર જેવા વિસ્તારોમાં પાણી ભરાતા સ્થાનિકોને હાલાકી વેઠવી પડી છે, જોકે તંત્રની મુલાકાત બાદ ધીમે-ધીમે પાણી ઓસરતા લોકોએ રાહત અનુભવી છે.
તંત્ર એક્શન મોડમાં: સુરતમાં આર્મીની માગ, તો પાવાગઢ યાત્રા કરાઈ મોકૂફ!
ભારેથી અતિભારે વરસાદની ચેતવણીને પગલે વહીવટી તંત્ર પૂરજોશમાં સક્રિય થઈ ગયું છે. પંચમહાલ જિલ્લામાં સંભવિત અતિભારે વરસાદને ધ્યાનમાં રાખીને પાવાગઢ મંદિર ટ્રસ્ટ દ્વારા ભક્તોની સુરક્ષા માટે આગામી બે દિવસ સુધી પાવાગઢ યાત્રા મોકૂફ રાખવાની અપીલ કરવામાં આવી છે. સુરતમાં સંભવિત ખતરાને પહોંચી વળવા NDRF અને SDRFની ટીમો ઉપરાંત બચાવ કામગીરી માટે આર્મીની બે ટીમની પણ માગ કરવામાં આવી છે. નીચાણવાળા વિસ્તારોમાંથી લોકોનું સ્થાનાંતરણ શરૂ કરી દેવામાં આવ્યું છે અને નાગરિકોને બિનજરૂરી ઘરની બહાર ન નીકળવા તાકીદ કરાઈ છે.
9 જિલ્લાઓમાં સ્કૂલ-કોલેજોમાં રજા જાહેર
બાળકોની સલામતી અને સુરક્ષાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપીને રાજ્યના કુલ 9 જેટલા જિલ્લાઓમાં શાળા અને કોલેજોમાં સત્તાવાર રીતે રજા જાહેર કરી દેવામાં આવી છે. જેમાં અમદાવાદ, સુરેન્દ્રનગર, મહીસાગર, વડોદરા, છોટા ઉદેપુર, મહેસાણા, સુરત અને પંચમહાલ જિલ્લાઓનો સમાવેશ થાય છે. આ ઉપરાંત ગાંધીનગર ખાતે રાહત કમિશનર ગૌરાંગ મકવાણાના અધ્યક્ષસ્થાને 'વેધર વૉચ ગ્રુપ'ની અત્યંત મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી, જેમાં તમામ સંબંધિત વિભાગોને અત્યાધુનિક સાધનો અને રેસ્ક્યુ ટીમો સાથે સંપૂર્ણ એલર્ટ રહેવા આદેશ અપાયા છે.
આગામી 2 ઓગસ્ટ સુધી અત્યંત ભારે વરસાદની આગાહી: 13 જિલ્લાઓમાં 'રેડ એલર્ટ' જારી!
હવામાન વિભાગની ચેતવણી અનુસાર, રાજ્યમાં આગામી 2 ઓગસ્ટ સુધી ભારેથી અતિભારે વરસાદનું જોર યથાવત્ રહેશે. આજે 31 જુલાઈના રોજ અમદાવાદ, બોટાદ, ભાવનગર, આણંદ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં અત્યંત ભારે વરસાદને કારણે ‘રેડ એલર્ટ’ જાહેર કરવામાં આવ્યું છે. આ સાથે જ સુરેન્દ્રનગર, રાજકોટ, અમરેલી, ગાંધીનગર, ખેડા, પંચમહાલ અને દાહોદમાં ‘ઓરેન્જ એલર્ટ’ આપવામાં આવ્યું છે, જ્યારે અન્ય જિલ્લાઓમાં ‘યલો એલર્ટ’ સાથે ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરાઈ છે.
સુરતમાં ખાડી પૂરનું ગંભીર જોખમ: ગ્રાઉન્ડ ઝીરો પર ઉતર્યા મેયર, લોકોને કરાઈ અપીલ!
સુરત શહેરમાં ધીમીધારે વરસી રહેલા વરસાદ અને ઉપરવાસના પાણીને કારણે ફરી એકવાર ખાડી પૂરનું ગંભીર જોખમ તોળાઈ રહ્યું છે. સુરત મ્યુનિસિપલ કમિશનર એમ. નાગરાજને જણાવ્યું હતું કે ખાડીઓના જળસ્તરમાં સતત વધારો થઈ રહ્યો છે. આ ગંભીર પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સુરતના મેયર જાતે ગ્રાઉન્ડ ઝીરો પર પહોંચ્યા હતા અને સંવેદનશીલ વિસ્તારોની મુલાકાત લઈને નાગરિકોને તાત્કાલિક સુરક્ષિત આશ્રયસ્થાનોમાં ખસી જવા અપીલ કરી હતી. મનપા દ્વારા અસરગ્રસ્તો માટે રહેવા અને જમવાની તમામ વ્યવસ્થાઓ સાથે આશ્રયસ્થાનો સજ્જ કરાયા છે.
છોટાઉદેપુરની હેરણ નદીમાં ઘોડાપૂર: રબર ડેમ ઓવરફ્લો થતા ખેડૂતોમાં ખુશીની લહેર!
છોટાઉદેપુર જિલ્લામાં મોડી રાતથી શરૂ થયેલા મુશળધાર વરસાદ અને ઉપરવાસની ભારે આવકથી જિલ્લાની બીજી સૌથી મોટી હેરણ નદી બે કાંઠે વહી રહી છે. નદીમાં સર્જાયેલા ભયંકર ઘોડાપૂરના કારણે રાજવાસણા ખાતે નવો નિર્મિત રબર ડેમ સંપૂર્ણપણે પાણીમાં ગરકાવ થઈને ઓવરફ્લો થયો છે. એક તરફ પૂરની સ્થિતિ છે તો બીજી તરફ નદીમાં નવા નીરની આવક થવાથી અને પૂરતા પાણીનો સંગ્રહ થવાથી પંથકના ખેડૂતોમાં ભારે ખુશીની લહેર જોવા મળી છે.
નસવાડીની અશ્વિન નદીના પ્રવાહમાં યુવક ફસાયો: પ્રશાસન દ્વારા રેસ્ક્યૂ ઓપરેશન શરૂ
છોટાઉદેપુર જિલ્લાના નસવાડી વિસ્તારમાં રાત્રિ દરમિયાન વરસેલા ધોધમાર વરસાદને કારણે અશ્વિન નદીમાં ઘોડાપૂર આવ્યું છે. નદીના અત્યંત ધસમસતા અને તોફાની પ્રવાહ વચ્ચે ગામ બહાર આવેલી દરગાહ નજીક એક યુવક પાણીના પ્રવાહની વચ્ચે ફસાઈ ગયો હોવાની ઘટના સામે આવી હતી. યુવક પાણીની વચ્ચે ઊભા રહીને મદદની રાહ જોતો નજરે પડ્યો હતો. આ દુર્ઘટનાની જાણ થતા જ સ્થાનિક તંત્ર તાત્કાલિક હરકતમાં આવ્યું હતું અને યુવકને જીવનું જોખમ ન રહે તે માટે સલામત રીતે બહાર કાઢવા યુદ્ધના ધોરણે બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી.
મહીસાગરના બાલાસિનોરમાં 2 કલાકમાં પોણા ત્રણ ઇંચ વરસાદ
મહીસાગર જિલ્લામાં પણ મેઘરાજાએ મન મૂકીને વરસાડ વરસાવ્યો છે, જેમાં ખાસ કરીને બાલાસિનોર તાલુકામાં માત્ર બે જ કલાકના ટૂંકા સમયગાળામાં પોણા ત્રણ ઇંચ (2.64 ઇંચ) વરસાદ ખાબક્યો હતો. આ અતિભારે વરસાદના કારણે શહેરના નીચાણવાળા તમામ વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે અને મુખ્ય માર્ગો પર પાણી ભરાઈ જવાથી વાહનચાલકો તથા રાહદારીઓ ભારે મુશ્કેલીમાં મુકાયા છે. આગામી દિવસોમાં પણ વરસાદનું જોર યથાવત રહેવાની શક્યતા હોવાથી વહીવટી તંત્ર દ્વારા નાગરિકોને સાવચેત રહેવા વિશેષ સૂચનાઓ આપવામાં આવી છે.
નડિયાદમાં 1 ઇંચથી વધુ વરસાદ અને સાબરકાંઠામાં સાર્વત્રિક મેઘમહેર!
ખેડા જિલ્લામાં વહેલી સવારથી જ કાળાડિબાંગ વાદળો, ભારે પવન અને ગાજવીજ સાથે સાર્વત્રિક વરસાદ શરૂ થયો હતો, જેમાં જિલ્લા મથક નડિયાદમાં ટૂંકા સમયમાં જ 1 ઇંચથી વધુ વરસાદ ખાબકતા માર્ગો પર પાણી વહેતા થયા હતા અને નોકરી-ધંધે જતા લોકોને હાલાકી વેઠવી પડી હતી. બીજી તરફ, સાબરકાંઠા જિલ્લામાં પણ ગત 24 કલાક દરમિયાન સાર્વત્રિક હળવોથી મધ્યમ વરસાદ નોંધાયો છે, જેમાં સૌથી વધુ પોશીનામાં 21 મિમી, વિજયનગરમાં 18 મિમી, ખેડબ્રહ્મામાં 17 મિમી અને વડાલીમાં 14 મિમી વરસાદ નોંધાયો છે, જેનાથી વાતાવરણમાં ઠંડક પ્રસરી છે.
માછીમારોને દરિયો ન ખેડવાની કડક સૂચના
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ચાર વરસાદી સિસ્ટમ સક્રિય હોવાના કારણે આગામી દિવસોમાં સમગ્ર રાજ્યમાં થંડરસ્ટ્રોમ સાથે ભારેથી અતિભારે વરસાદની પૂરેપૂરી શક્યતા છે. સાગરખેડુઓ અને માછીમારોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે કે તેઓ આગામી દિવસોમાં દરિયો ન ખેડે. આ સમયગાળા દરમિયાન દરિયાકાંઠાના વિસ્તારોમાં પવનની ઝડપ 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાકની રહેશે, જેને લઈને દરિયાકાંઠાના તમામ જિલ્લાઓમાં વહીવટી તંત્ર દ્વારા હાઈ એલર્ટ જારી કરવામાં આવ્યું છે અને માછીમારોને કિનારા પર જ રહેવા જણાવાયું છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

વડોદરામાં દુકાનદારોએ પૂરા પૈસા ભર્યા, છતાં 20થી 40 ટકા ઓછો જથ્થો મળ્યાનો આક્ષેપ! આખરે સિંગતેલના પુરવઠામાં શું થયું?

મેટ્રોની ટિકિટ સસ્તી કે પાર્કિંગનો ખર્ચ વધારે? અમદાવાદના મુસાફરો માટે નવો સવાલ! નવરંગપુરા, સાબરમતી, વસ્ત્રાલ સહિત 10 મેટ્રો સ્ટેશન પર પાર્કિંગ માટે હવે ખિસ્સું ઢીલું કરવું પડી શકે છે!

₹59,350ની બાંધણી, ₹3.19 લાખનાં દાગીના અને ₹4.14 લાખની પુસ્તક ખરીદી… પૂર્વ કુલપતિ ડૉ. નીરજા ગુપ્તાના કાર્યકાળના કયા વ્યવહારો પર ઊઠ્યા સવાલ