સુરેશ વણોલ, અમદાવાદ
કેન્દ્ર સરકારના પંચાયતી રાજના રિપોર્ટમાં ગુજરાતની ભાજપ સરકારના પોકળ દાવાઓની પોલ ખુલ્લી પડી છે અને કહેવાતા વિકાસનું સત્ય સામે આવી ગયું હોવાનો કોંગ્રેસે આક્ષેપ કર્યો છે. ભાજપ સરકારના રાજમાં પંચાયતી રાજની હાલત કથળતાં ડિવોલ્યુશન ઈન્ડેક્સ-2024માં ગુજરાતનું ટોપ-5માં પણ સ્થાન નહી હોવાનો ગુજરાત કોંગ્રેસના પ્રવક્તા ડો.મનીષ દોશીએ દાવો કર્યો છે. કેન્દ્ર સરકારના પંચાયતી રાજ રિપોર્ટમાં 58.3 સૂચકાંક સાથે ગુજરાત છઠ્ઠાં સ્થાને હોવાનો દોશીએ દાવો કર્યો છે.
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડિયા કન્વીનર અને પ્રવક્તા ડૉ.મનીષ દોશીએ જણાવ્યું હતું કે ભાજપ સરકારના કહેવાતા ‘વિકાસ મોડેલ’ની કડવી હકીકતની પોલ ખુલી ગઈ છે. પંચાયતી રાજની કામગીરીને રજૂ કરતા ‘ડિવોલ્યુશન ઈન્ડેક્સ-2024’માં ગુજરાતની કામગીરી રાષ્ટ્રીય સરેરાશ કરતા પણ ઓછી છે. પંચાયતી રાજ અહેવાલમાં મુખ્ય સૂચકાંકોનો કુલ સ્કોર 58.3 છે. જ્યારે કર્ણાટક 72.2 સાથે સમગ્ર દેશમાં અગ્રેસર છે.
દેશને પંચાયતીરાજ આપનાર ગુજરાતનું ટોપ-5માં પણ સ્થાન નથી. સત્તાની ભૂખ અને કેન્દ્રીકરણથી ભાજપ સરકારે પંચાયતી રાજ ખતમ કરવાનું નક્કી કર્યું છે. 7 હજાર પંચાયતોમાં 2 વર્ષ કરતાં વધુ સમયથી ચૂંટણી નહી યોજીને વહીવટદારો નિમવામાં આવ્યા તે દર્શાવે કે ભાજપ સરકાર પંચાયત રાજ થકી છેવાડાના લોકોને સત્તા આપવામાં કેટલી ગંભીર છે.
તેમણે વધુમાં જણાવ્યુ કે, ગુજરાત મહત્વપૂર્ણ ક્ષેત્રોમાં અન્ય રાજ્યોની તુલનામાં પાછળ છે. આર્થિક વિકાસના દાવાઓ વચ્ચે રાજ્ય પ્રશાસનિક નિષ્ફળતા અને આવશ્યક સેવાઓની અછતનો સામનો કરી રહ્યું છે. ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની સંસ્થાઓને આપેલી સ્વાયત્તતા ઓછી છે. જે જમીની સ્તરે અસરકારક શાસનને અવરોધે છે. ગ્રામ્ય વિસ્તારોમાં પૂરતી આરોગ્ય સુવિધાઓના અભાવે ગુજરાતનું આરોગ્ય સેવામાં પણ નબળું પ્રદર્શન છે. કેરળ અને તમિળનાડુ જેવા રાજ્યોએ જાહેર આરોગ્ય સંશોધન અને બુનિયાદી માળખાકીય સુવિધાઓમાં ભારે રોકાણ કર્યું છે.
રાજ્યમાં ડૉકટર-પેશન્ટ રેશિયો હજુ પણ રાષ્ટ્રીય સરેરાશ કરતાં ઘણો ઓછો છે. પરિણામે ગુજરાતની આરોગ્ય વ્યવસ્થા કેરળ અને તમિળનાડુ જેવા રાજ્યોની તુલનામાં ઘણી પછાત છે. પંચાયતી રાજ અહેવાલ-2024 અનુસાર સરકારી શાળાઓમાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ છે. ગામડામાં ડ્રોપ આઉટ દર ઊંચા છે. ગુજરાત શાળા માળખાકીય સુવિધાઓ અને શિક્ષકોની ઉપલબ્ધતા બાબતે પણ કર્ણાટક અને મહારાષ્ટ્ર કરતાં પાછળ છે. ઉદ્યોગ વિકાસના દાવાઓ વચ્ચે ગુજરાતમાં બેરોજગારી દર સતત વધી રહ્યો છે.
ડિવોલ્યુશન ઈન્ડેક્સ-2024 મુજબ ગુજરાત રોજગાર સર્જન યોજનાઓમાં પછાત છે અને સરકારની નીતિઓ બેરોજગારો માટે સારો ફાયદો આપી શકી નથી. રાજસ્થાન અને તેલંગાણાની સરખામણીમાં ગુજરાતની રોજગાર યોજનાઓ ઓછી અસરકારક છે. ગુજરાત પંચાયતી રાજ સંસ્થાઓ માટે નાણાંકીય સ્વાયત્તતાના મામલે છેલ્લા સ્થાને છે. પંચાયત રાજ માટેની સ્થાનિક ચૂંટણીમાં વિલંબ એક ચિંતાજનક મુદ્દો છે. વિકાસ યોજનામાં 50.94 સ્કોર સાથે કેરળ શિખર પર છે.
આર્થિક પ્રદર્શનમાં યુનિયન ફાઇનાન્સ કમિશન (UFC) ગ્રાન્ટ્સમાં 55.1 સ્કોર જે રાષ્ટ્રીય સરેરાશ કરતાં ઓછો છે. રાજ્ય ફાઇનાન્સ કમિશન (SFC) ફાળવણી મુદ્દે ગુજરાતનો 50.03 સ્કોર કર્ણાટક અને મહારાષ્ટ્ર કરતાં પાછળ છે. આવક એકત્ર કરવાની શક્તિ- રેવન્યુ બાબતે માત્ર 26.8 સ્કોર ઘટતી નાણાકીય સ્વાયત્તતા દર્શાવે છે. ગુજરાત રાજ્ય ફંડ ઉપલબ્ધતા 35.7 અને ખર્ચ 33.3 સ્કોર મેળવ્યો છે. સોશિયલ ઓડિટ અને પારદર્શિતામાં ગુજરાત 31.7 સ્કોર મેળવ્યો છે.
કોંગ્રેસના દાવા મુજબ કેન્દ્ર સરકારનો ડિવોલ્યુશન ઈન્ડેક્સ-2024 રિપોર્ટ
ક્રમ
રાજ્ય
સ્કોર
1
કર્ણાટક
72.2
2
કેરળ
70.6
3
તમિલનાડુ
68.4
4
મહારાષ્ટ્ર
61.4
5
ઉત્તર પ્રદેશ
60.1
6
ગુજરાત
58.3