Bomb Threat At Surat Bank Of Baroda: ગુજરાતમાં બોમ્બથી ઉડાવી દેવાની ધમકીઓનો સિલસિલો અટકવાનું નામ લઈ રહ્યો નથી. ત્રણ દિવસ પહેલાં ગુજરાત હાઈકોર્ટ અને મુખ્યમંત્રી કાર્યાલય (CM Office)ને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીભર્યો ઈમેઇલ મળ્યા બાદ હવે અમદાવાદ, સુરત અને વડોદરાની અનેક બેંકોને નિશાન બનાવવામાં આવી છે. અમદાવાદ મેટ્રો અને નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાનારા દિલજીત દોસાંઝના કોન્સર્ટનો પણ ધમકીભર્યા ઈમેઇલમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે. એકસાથે અનેક સ્થળોને ધમકી મળતાં પોલીસ, બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ (BDS) અને ડોગ સ્ક્વોડની ટીમો એલર્ટ થઈ ગઈ છે. અમદાવાદના નવરંગપુરામાં આવેલી બેંક ઓફ ઈન્ડિયાની શાખાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. ઈમેઇલમાં 21 નવેમ્બરે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાનારા દિલજીત દોસાંઝના કોન્સર્ટ અને અમદાવાદ મેટ્રોમાં પણ બ્લાસ્ટ કરવાની ધમકીનો ઉલ્લેખ કરાયો હોવાનું જાણવા મળ્યું છે. સુરતમાં ઘોડદોડ રોડ પર આવેલી બેંક ઓફ બરોડાની શાખાને પણ ધમકીભર્યો ઈમેઇલ મળતાં પોલીસ કાફલો તપાસ માટે પહોંચ્યો હતો.
વડોદરાની બેંકોને પણ નિશાન બનાવાઈ
વડોદરા શહેરમાં રાવપુરા રોડ પર આવેલી બેંક ઓફ ઈન્ડિયા અને સયાજીગંજના સૂરજ પ્લાઝા બિલ્ડિંગમાં આવેલી બેંક ઓફ બરોડાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. ધમકી મળ્યા બાદ બેંકમાં ગ્રાહકોની અવરજવર બંધ કરાવી કર્મચારીઓ અને ગ્રાહકોને સુરક્ષિત રીતે બહાર ખસેડવામાં આવ્યા હતા. પોલીસ, ક્રાઈમ બ્રાન્ચ, સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG), BDS અને ડોગ સ્ક્વોડની ટીમોએ બેંક પરિસરમાં તપાસ હાથ ધરી હતી. બેંક ઓફ બરોડાના અધિકારી એસ.કે. ત્યાગીના જણાવ્યા મુજબ, બેંકના Gmail એકાઉન્ટ પર ધમકીભર્યો ઈમેઇલ મળતાં તાત્કાલિક પોલીસને જાણ કરવામાં આવી હતી અને સુરક્ષાના ભાગરૂપે સમગ્ર સ્ટાફને બહાર કાઢવામાં આવ્યો હતો.
ઈમેઇલમાં 21 અને 27 નવેમ્બરની તારીખનો ઉલ્લેખ
વડોદરાના DCP ઝોન-1 ડૉ. જે.એમ. ચાવડાએ જણાવ્યું હતું કે બેંક ઓફ બરોડા તરફથી ધમકીભર્યા ઈમેઇલ અંગે જાણ થતાં પોલીસ અને સુરક્ષા એજન્સીઓએ તાત્કાલિક તપાસ શરૂ કરી હતી. પ્રાથમિક તપાસમાં શહેરની અન્ય બેંકોને પણ આવા ઈમેઇલ મળ્યા હોવાની માહિતી સામે આવી છે. તેમાં રાવપુરા અને ગોરવા વિસ્તારમાં આવેલી બેંક ઓફ ઈન્ડિયાની શાખાઓનો પણ સમાવેશ થાય છે. પોલીસના જણાવ્યા મુજબ, તપાસ હેઠળના ઈમેઇલમાં 'સીરા કોન્તે' (Sira Conte) નામ અને એક Gmail આઈડીનો ઉલ્લેખ જોવા મળ્યો છે. ઈમેઇલમાં 21 નવેમ્બરે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ અને 27 નવેમ્બરે અમિતાભ બચ્ચનના બંગલા 'જલસા' ખાતે બોમ્બ વિસ્ફોટ કરવાની ધમકી આપવામાં આવી હોવાનો પણ ઉલ્લેખ છે. આ ઉપરાંત 'ખાલિસ્તાન નેશનલ આર્મી' અને 'બબ્બર ખાલસા'નાં નામ પણ ઈમેઇલમાં લખવામાં આવ્યાં હોવાનું પોલીસનું કહેવું છે. આ દાવાઓની સત્યતા અને ઈમેઇલ મોકલનારની ઓળખ અંગે તપાસ ચાલુ છે.
ત્રણ દિવસ પહેલાં હાઈકોર્ટ અને CM ઓફિસને મળી હતી ધમકી
ઉલ્લેખનીય છે કે 6 નવેમ્બરે ગુજરાત હાઈકોર્ટ અને મુખ્યમંત્રી કાર્યાલયને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકીભર્યો ઈમેઇલ મળ્યો હતો. તપાસ દરમિયાન કોઈ શંકાસ્પદ વસ્તુ મળી ન આવતાં તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો. હવે ફરી બેંકો અને અન્ય મહત્ત્વનાં સ્થળોને ધમકી મળતાં સુરક્ષા વ્યવસ્થાને લઈને ચિંતા વધી છે. હાલ પોલીસ અને સાયબર ક્રાઈમની ટીમો ધમકીભર્યા ઈમેઇલના સ્ત્રોત, મોકલનારની ઓળખ અને અન્ય સ્થળો પર મળેલી ધમકીઓ વચ્ચે કોઈ કડી છે કે નહીં તેની તપાસ કરી રહી છે. જોકે, અત્યાર સુધી કોઈ સ્થળે વિસ્ફોટક મળ્યાની પુષ્ટિ આપવામાં આવી નથી.