આખરે સુરત ડિમોલિશન કેસમાં સરકારે તપાસ સમિતિ રચી
હાઈકોર્ટની કડક ટિપ્પણીઓ બાદ રાજ્ય સરકારે બે સભ્યોની સમિતિ બનાવી, 60 દિવસમાં રિપોર્ટ સોંપશે

આઈએએસ એમ.થેન્નારસન અને આઈએએસ રાજકુમાર બેનીવાલની ફાઈલ તસવીર

આઈએએસ એમ.થેન્નારસન અને આઈએએસ રાજકુમાર બેનીવાલની ફાઈલ તસવીર
Investigation committee formed in Nasirnagar demolition case: સુરતના નાસીરનગર ડિમોલિશન મામલે હાઈકોર્ટમાં થયેલી મહત્વપૂર્ણ સુનાવણી બાદ રાજ્ય સરકારે ઉચ્ચસ્તરીય તપાસ સમિતિની રચના કરી છે. શહેરી વિકાસ વિભાગના અગ્ર સચિવ એમ. થેન્નારસન કમિટીના અધ્યક્ષ રહેશે. જ્યારે હાઉસિંગ વિભાગના સચિવ રાજકુમાર બેનીવાલનો સભ્ય તરીકે સમાવેશ કરાયો છે. બંને અધિકારીઓ 60 દિવસમાં તપાસ પૂર્ણ કરી રિપોર્ટ રજૂ કરશે. ડિમોલિશનની ઘટનાના 51 દિવસ પછી લેવાયેલા નિર્ણયને મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે. સમિતિને સમગ્ર ઘટનાની તપાસ કરીને 60 દિવસની અંદર રાજ્ય સરકારને અહેવાલ સોંપવાનો આદેશ આપવામાં આવ્યો છે.
બે વરિષ્ઠ અધિકારીઓને સોંપાઈ જવાબદારી
રાજ્ય સરકારે શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના અગ્ર સચિવ એમ. થેન્નારસનને સમિતિના અધ્યક્ષ તરીકે નિયુક્ત કર્યા છે. જ્યારે હાઉસિંગ વિભાગના સચિવ રાજકુમાર બેનિવાલને સભ્ય તરીકે સ્થાન આપવામાં આવ્યું છે. આ ઉપરાંત, તપાસ પ્રક્રિયાને સચોટ બનાવવા માટે સમિતિના અધ્યક્ષને જરૂર જણાય તો અન્ય અધિકારીઓ કે કર્મચારીઓને 'આમંત્રિત સભ્ય' તરીકે સામેલ કરવાની વિશેષ સત્તા આપવામાં આવી છે.
ડિમોલિશનની સમગ્ર પ્રક્રિયાની થશે તપાસ
રાજ્ય સરકારના ઠરાવ અનુસાર સમિતિ ડિમોલિશનની કાર્યવાહી, વહીવટી નિર્ણયોની પ્રક્રિયા અને સમગ્ર ઘટનાક્રમની તલસ્પર્શી તપાસ કરશે. તપાસના આધારે તૈયાર કરાયેલો વિગતવાર અહેવાલ 60 દિવસમાં રાજ્ય સરકારને સુપરત કરવામાં આવશે.
હાઈકોર્ટે સરકારની કામગીરી પર ઉઠાવ્યા સવાલો
સુનાવણી દરમિયાન હાઈકોર્ટે સરકારની કામગીરી અંગે કડક ટિપ્પણીઓ કરી હતી. કોર્ટે પૂછ્યું હતું કે તપાસ સમિતિનું કાર્યક્ષેત્ર સ્પષ્ટ કેમ નથી અને ગંભીર આક્ષેપો હોવા છતાં સંબંધિત અધિકારીઓ સામે પ્રાથમિક કાર્યવાહી કેમ કરવામાં આવી નથી. કોર્ટે નિષ્પક્ષ તપાસ અંગે પણ પ્રશ્નો ઉઠાવ્યા હતા.
કમિશ્નરની ભૂમિકા અંગે પણ ચર્ચા
SMC કમિશ્નરના આદેશથી ડિમોલિશન થયું અને તે કમિશનર જ તપાસ કમિટીની રચના કરે. નાનો કર્મચારી SMC કમિશ્નર ઉપર આક્ષેપ કરતી ખોટી એફિડેવિટ હાઇકોર્ટમાં કરવાની હિંમત કરે નહીં. રાજ્ય સરકાર પણ તલસ્પર્શી અભ્યાસના નામે કોર્ટની આંખમાં ધૂળ ના નાખે. SMC કમિશનર કેવી રીતે પોતાના હોદ્દા ઉપર રહી શકે? કમિશ્નર સામે પ્રથમદર્શી આક્ષેપો છે. તેમને સસ્પેન્ડ ના કરો પણ પ્રાથમિક તપાસ ક્યાં? તે અત્યાર સુધી હોદ્દા ઉપર કેમ છે? SITનો રિપોર્ટ પણ કોર્ટની આંખમાં ધૂળ નાખનારો છે. રાજ્ય સરકાર કેમ જાતે કાર્યવાહી કરવા નથી માંગતી? સરકાર કોને બચાવવા માંગે છે? તલસ્પર્શી અભ્યાસ એટલે શું? જેવા વેધક સવાલો હાઈકોર્ટે કર્યા હતા.
પુનર્વસન અને જવાબદારીનો મુદ્દો
કોર્ટે અસરગ્રસ્ત પરિવારોના પુનર્વસન અંગે પણ મહત્વપૂર્ણ ટિપ્પણી કરી હતી. કોર્ટનું કહેવું હતું કે જો અધિકારીઓની બેદરકારી સાબિત થાય તો પુનર્વસનનો ખર્ચ દોષિતો પાસેથી વસૂલવાની દિશામાં પણ વિચારણા થવી જોઈએ. અરજદારો દ્વારા પુનર્વસન તેમજ જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે.
60 દિવસમાં આવશે તપાસનો અહેવાલ
હવે સમગ્ર ઘટનાની તપાસ માટે રચાયેલી સમિતિ આગામી બે મહિનામાં તમામ પાસાઓનું મૂલ્યાંકન કરીને પોતાનો અહેવાલ રાજ્ય સરકારને સોંપશે. આ રિપોર્ટના આધારે આગળની વહીવટી અને કાયદાકીય કાર્યવાહી અંગે નિર્ણય લેવાશે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

વડોદરામાં દુકાનદારોએ પૂરા પૈસા ભર્યા, છતાં 20થી 40 ટકા ઓછો જથ્થો મળ્યાનો આક્ષેપ! આખરે સિંગતેલના પુરવઠામાં શું થયું?

મેટ્રોની ટિકિટ સસ્તી કે પાર્કિંગનો ખર્ચ વધારે? અમદાવાદના મુસાફરો માટે નવો સવાલ! નવરંગપુરા, સાબરમતી, વસ્ત્રાલ સહિત 10 મેટ્રો સ્ટેશન પર પાર્કિંગ માટે હવે ખિસ્સું ઢીલું કરવું પડી શકે છે!

₹59,350ની બાંધણી, ₹3.19 લાખનાં દાગીના અને ₹4.14 લાખની પુસ્તક ખરીદી… પૂર્વ કુલપતિ ડૉ. નીરજા ગુપ્તાના કાર્યકાળના કયા વ્યવહારો પર ઊઠ્યા સવાલ