સુરેન્દ્રનગર જિલ્લામાં ગેરકાયદે ખનન મામલે બે વર્ષમાં 165 કેસ કરાયાનો સરકારનો દાવો
22 કેસમાં 59 શખ્સો સામે રૂપિયા 1.59 કરોડની કોર્ટ ફરિયાદ દાખલ કરાઈઃ ઉદ્યોગ મંત્રી

2.88 કરોડની વસૂલાત કરી 2200 કૂવાઓમાં માટી પુરાણ કરાયાનો ઉદ્યોગમંત્રીનો જવાબ

2.88 કરોડની વસૂલાત કરી 2200 કૂવાઓમાં માટી પુરાણ કરાયાનો ઉદ્યોગમંત્રીનો જવાબ
સુરેન્દ્રનગર જિલ્લામાં કાર્બોસેલની ખાણોમાં ઘણાં વર્ષોથી ગેરકાયદે ખનન ચાલી રહ્યુ છે. ગેરકાયદે ખનન કરતાં માફિયાઓ સામે સરકાર આંખ આડા કાન કરી રહી હોય તેવો ઘાટ સર્જાયો છે. ગેરકાયદે કાર્બોસેલ મેળવવા જતાં અનેક શ્રમિકોના મોત થતાં સરકારની કામગીરી અંગે સવાલ ઉઠી રહ્યા છે. ત્યારે વિધાનસભામાં પૂછાયેલા એક સવાલના જવાબમાં ઉદ્યોગમંત્રી બલવંતસિંહ રાજપૂતે છેલ્લાં બે વર્ષમાં 165 કેસ કરી રૂપિયા 2.88 કરોડની વસૂલાત કરાઈ હોવાનો દાવો કર્યો છે.
ઉદ્યોગમંત્રીએ જણાવ્યુ કે, સુરેન્દ્રનગર જિલ્લામાં તપાસ ટીમો દ્વારા 31 ડિસેમ્બર 2024ની સ્થિતિએ છેલ્લાં બે વર્ષ દરમિયાન કુલ 197 કેસ કરવામાં આવ્યા છે. જે પૈકી 165 કેસમાં રૂપિયા 288.96 લાખની વસૂલાત કરવામાં આવી છે. જ્યારે 10 કેસમાં 33 લોકો સામે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે જ્યારે 22 કેસમાં 59 લોકો સામે રૂપિયા 159.67 લાખની કોર્ટ ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
છેલ્લાં બે વર્ષમાં થાનગઢ, મૂળી, સાયલા અને ચોટીલા તાલુકામાં સ્થાનિક ભૂસ્તરશાસ્ત્રીની કચેરી, ફલાઇંગ સ્ક્વૉડ તેમજ ગાંધીનગરની ટીમોએ સાથે મળી ત્રણેય તાલુકામાં થતી કાર્બોસેલ ખનીજની ચોરી અન્વયે કામગીરી કરી છે.
વર્ષ 2023માં વિવિધ મશીનરી સીઝ કરીને 382 જેટલા પ્રાઇવેટ સરવે નંબરોમાં સર્વેયરો દ્વારા રેવન્યૂ તલાટી અને સર્કલ ઑફિસરોને સાથે રાખી 835 જેટલા ઊંડા ઉતારેલા કૂવાઓની માપણીની કામગીરી કરવામાં આવી છે. જેના આધારે થાનગઢ, મૂળી અને સાયલા તાલુકાના ખાનગી જમીન માલિકોને 159 કેસોમાં રૂપિયા 3220.70 લાખની કારણદર્શક નોટિસ પાઠવવામાં આવી છે.
સુરેન્દ્રનગર જિલ્લામાં કાર્યરત લીઝની વિગતો આપતાં મંત્રીએ જણાવ્યું કે, 31 ડિસેમ્બર 2024ની સ્થિતિએ કાર્બોસેલ ખનીજની કુલ 30 લીઝ કાર્યરત છે. જે પૈકી મૂળી તાલુકામાં એક અને થાનગઢ તાલુકામાં કુલ 29 લીઝ કાર્યરત છે. આ ઉપરાંત જિલ્લામાં અન્ય ખનીજની 344 લીઝ આપેલી છે.
થાનગઢ, સાયલા અને મૂળી તાલુકાઓના સરકારી, ગૌચર અને ખાનગી માલિકીની જમીનોમાં કાર્બોસેલ તેમજ અન્ય ખનીજોનું ગેરકાયદે ખોદકામ થયેલા કૂવાઓમાં પુરાણ કરવાની કામગીરી કરવામાં આવી છે. આ માટે સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર દ્વારા રૂપિયા 326 લાખની ગ્રાન્ટ મેળવી ટેન્ડરથી એજન્સી નિયુક્ત કરી 2200 કૂવાઓમાં માટી પુરાણની કામગીરી કરવામાં આવી છે.
સુરેન્દ્રનગર જિલ્લામાં લીઝમાંથી રાજ્ય સરકારને થયેલી આવક અંગે મંત્રીએ જણાવ્યું કે, 31 ડિસેમ્બર 2024ની સ્થિતિએ છેલ્લાં બે વર્ષમાં જિલ્લામાં કાર્બોસેલ ખનીજની 30 લીઝમાંથી રૂપિયા 779.36 લાખ રોયલ્ટીની આવક થઈ છે. અન્ય ખનીજની 344 લીઝમાંથી રૂપિયા 13559.36 લાખ રોયલ્ટીની આવક થઈ છે.
સુરેન્દ્રનગર જિલ્લા ક્લેક્ટર દ્વારા થાનગઢ, મૂળી અને સાયલા તાલુકામાં ગેરકાયદે કાર્બોસેલ ખનીજના ખનન, વહન અને સંગ્રહ પ્રવૃત્તિને નિયંત્રણમાં લાવવા રાઉન્ડ ધ ક્લોક ક્વિક રિસ્પોન્સ ટીમનું ગઠન કરવામાં આવ્યું છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાતમાં ‘આમ જનમત પાર્ટી’ સામે ₹843 કરોડથી વધુના શંકાસ્પદ વ્યવહારોનો મામલો સામે આવ્યો છે! દાનના નામે નાણાંની હેરફેર, ખર્ચના બિલો અંગે સવાલો અને સરકારી તિજોરીને ₹250 કરોડથી વધુના નુકસાનનો આરોપ

પાવાગઢમાં આસો નવરાત્રિ દરમિયાન માલવાહક રોપ-વેનું કંટ્રોલ ફેઇલ થતાં ટ્રોલી અને મશીન નીચે પટકાયાં. સદનસીબે જાનહાનિ નહીં. જાણો અકસ્માતની વિગતો અને પેસેન્જર રોપ-વે સેવાની સ્થિતિ.

રસ્તા પર લારી-પાથરણાં મૂકતા લોકો માટે ચેતવણી! 23 વર્ષ જૂના વહીવટી ચાર્જમાં ચારથી પાંચ ગણો વધારો મંજૂર થયો હોવાના અહેવાલ છે. હવે જપ્ત સામાન છોડાવવા ₹3,000 સુધીનો ચાર્જ અને અલગથી સ્ટોરેજ ફી ચૂકવવી પડી શકે છે.