સુરતમાં 1 કરોડની ખંડણી માગતા NSUIના પ્રમુખ, ઉપપ્રમુખ સહિત પાંચ શખ્સો ઝડપાયા
સોશિયલ મીડિયામાં રીલ વાયરલ નહી કરવા ત્રણ શૈક્ષણિક સંસ્થા પાસે માગી હતી ખંડણી

સુરતમાં 1 કરોડની ખંડણી માગતા પાંચ શખ્સો ઝડપાયા

સુરતમાં 1 કરોડની ખંડણી માગતા પાંચ શખ્સો ઝડપાયા
સુરતના પૂણા કેનાલ રોડ પર ત્રણ શૈક્ષણિક સંસ્થાઓ ગેરકાયદે ચાલે છે તેવી રીલ્સ વાયરલ કરી બાદમાં પ્રેસ કોન્ફરન્સ કરી ખોટા કેસમાં ફસાવવાની ધમકી આપીને રૂપિયા 1 કરોડની ખંડણી માગવાના કેસમાં સુરતની સારોલી પોલીસે પાંચ શખ્સોને ઝડપી પાડ્યા છે. જેમાં NSUIના પ્રમુખ, ઉપપ્રમુખ અને બે કાર્યકરો ઝડપાતા NSUI પ્રભારીએ સસ્પેન્ડ કર્યા છે. સારોલી પોલીસે આ ખંડણી પ્રકરણમાં અન્ય બે શખ્સોને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે.
અમરેલીના બગસરા તાલુકાના ડેરી પિપરીયાના વતની અને સુરતમાં સરથાણા જકાતનાકા ડી માર્ટની પાછળ શાંતિનગર સોસાયટી વિભાગ 2માં રહેતા હસમુખ રફાળીયા પૂણા કેનાલ રોડ પર રેડ એન્ડ વ્હાઈટ મલ્ટીમીડીયા એજ્યુકેશનના નામે વેબ ડિઝાઇનીંગ, વેબ ડેવલોપમેન્ટ, ગ્રાફીક્સ જેવા સ્કીલ કોર્સ ચલાવે છે. 1 જાન્યુઆરીના રોજ હસમુખ રફાળીયા ઇન્સ્ટીટ્યુટ પર હાજર હતા ત્યારે સોશિયલ મીડિયામાં ગેરકાયદે ચાલતી પ્રાઈવેટ સ્ટડી સેન્ટરો અને સંલગ્ન યુનિવર્સિટીઓ સામે ફોજદારી ગુનો દાખલ કરવા વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સીટીના કુલપતિને રજૂઆત કરતી એક પોસ્ટ જોઈ હતી. ત્યારબાદ તેમની ઇન્સ્ટીટ્યુટ બોગસ ડિગ્રી તો નથી આપતીને તેમ કહી મિતેશ હડીયા સ્વર્ણિમ યુનિવર્સિટીના કોઈ વિદ્યાર્થી સાથે વાત કરતો હોય તેવો ઓડિયો મૂક્યો હતો.
તેના બે દિવસ બાદ હસમુખભાઈના ઇન્સ્ટીટ્યુટના મેનેજર લક્ષ્મણભાઈ પ્રજાપતિને અજાણ્યા નંબર પરથી વ્હોટ્સએપ કોલ આવ્યો હતો. કોલ કરનારે પોતાની ઓળખ રવિ પૂછડીયા તરીકે આપી તમારી સંસ્થાની પોસ્ટ મૂકી છે તે બાબતે સમજવું હોવાથી તમને મળવું છે તેવી વાત કરી હતી. રવિ પૂછડીયાએ અવાર નવાર ફોન કરી ઈન્સ્ટાગ્રામ આઈડી ઉપર હસમુખભાઈની ઇન્સ્ટીટ્યુટ ઉપરાંત તેમના મિત્ર કેયુર વરસડીયાની ક્રીએટીવ ડીઝાઇન એન્ડ મલ્ટીમીડીયા ઇન્સ્ટીટ્યુટ અને અન્ય મિત્ર ધવલ લુણાગરીયાની એડીટેક ઇન્સ્ટીટ્યુટ બોગસ હોવાની પોસ્ટ મૂકી હતી. ત્યાર બાદ રવિ વતી અભિષેકે ફોન કરી જો આપણી મીટીંગ થાય તો અમે આ અંગે પ્રેસ કોન્ફરન્સ કરવાના છે તે નહીં કરીએ તેવી વાત કરી હતી. ત્યારબાદ રવિ પૂછડીયાએ ફોન કરી તમે બોગસ ડિગ્રી વેચો છો તેવા ખોટા કેસમાં ફસાવી 10 વર્ષની સજા કરાવીશું તેવી ધમકી આપતા હસમુખભાઈ તેમની સાથે મિટિંગ કરવા તૈયાર થયા હતા.
ત્યારબાદ રવિ અને અભિષેક હસમુખભાઈને મળવા સારોલી ઈંડા ગલી પાસે આવ્યા હતા. ત્રણેય સંસ્થા માટે પતાવટ કરવા તેમણે રૂપિયા 1 કરોડની માંગણી કરી હતી. ત્યારબાદ પ્રિત ચાવડા, કિશોરસિંહ ડાભીએ ઉધનામાં મિટિંગ કરી હતી. બંને પક્ષો વચ્ચે વાતચીત બાદ તેઓ 60 લાખ લેવા તૈયાર થયા હતા. બાદમાં ધીરેન્દ્ર સોલંકી અને પ્રિત મળવા આવ્યા ત્યારે 1.50 લાખ આપ્યા હતા. બાકીના 58.50 લાખ માટે તેઓ સતત ફોન કરતા હોવાથી હસમુખભાઈએ સારોલી પોલીસ સ્ટેશનમાં જાણ કરી હતી. તેથી પોલીસે ફરિયાદીના ઈન્સ્ટીટ્યુટની આગળ ક્રિકેટ બોક્સ બાજુ જવાની ગલી પાસે પ્રિત ચાવડા, રવિ પૂછડીયા, મિતેશ હડીયા, ધીરેન્દ્ર સોલંકી અને તુષાર મકવાણા એક કારમાં આવ્યા હતા. ફરિયાદીએ 5 લાખ ભરેલી બેગ આપતાં સમયે પોલીસે પાંચેય શખ્સોને રંગેહાથ ઝડપી લીધા હતા.
સારોલી પોલીસે ખંડણીનો ગુનો નોંધી પાંચેય શખ્સોની ધરપકડ કરી અન્ય બે શખ્સો અભિષેક ચૌહાણ અને કિશોરસિંહ ડાભીને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે. એસઓજીના ડીસીપી રાજદીપસિંહ નકુમે જણાવ્યું હતું કે ખંડણી માંગતા ઝડપાયેલા એનએસયુઆઈના કાર્યકરો હોવાનું પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે.
ધરપકડ કરાયેલા પાંચ શખ્સો પૈકી ધીરેન્દ્રસિંહ સોલંકી NSUIનો સુરત શહેર પ્રમુખ, મિતેષ ધીરૂભાઈ હડીયા NSUIનો પ્રદેશ ઉપપ્રમુખ, રવિ પૂછડીયા અને પ્રિત ચાવડા NSUIના કાર્યકર હોવાનું સામે આવ્યુ છે. આ ઘટના બાદ NSUIના ગુજરાત પ્રદેશ પ્રભારી અંકુશ ભટનાગર અને પ્રદેશ પ્રમુખ નરેન્દ્ર સોલંકીએ મિતેશ હડીયા, ધીરેન્દ્રસિંહ સોલંકી અને બંને કાર્યકર રવિ પૂછડીયા તેમજ પ્રિત ચાવડાને NSUIમાંથી સસ્પેન્ડ કર્યા છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાતમાં ‘આમ જનમત પાર્ટી’ સામે ₹843 કરોડથી વધુના શંકાસ્પદ વ્યવહારોનો મામલો સામે આવ્યો છે! દાનના નામે નાણાંની હેરફેર, ખર્ચના બિલો અંગે સવાલો અને સરકારી તિજોરીને ₹250 કરોડથી વધુના નુકસાનનો આરોપ

પાવાગઢમાં આસો નવરાત્રિ દરમિયાન માલવાહક રોપ-વેનું કંટ્રોલ ફેઇલ થતાં ટ્રોલી અને મશીન નીચે પટકાયાં. સદનસીબે જાનહાનિ નહીં. જાણો અકસ્માતની વિગતો અને પેસેન્જર રોપ-વે સેવાની સ્થિતિ.

રસ્તા પર લારી-પાથરણાં મૂકતા લોકો માટે ચેતવણી! 23 વર્ષ જૂના વહીવટી ચાર્જમાં ચારથી પાંચ ગણો વધારો મંજૂર થયો હોવાના અહેવાલ છે. હવે જપ્ત સામાન છોડાવવા ₹3,000 સુધીનો ચાર્જ અને અલગથી સ્ટોરેજ ફી ચૂકવવી પડી શકે છે.