ઉત્તરપ્રદેશના પ્રયાગરાજમાં હાલમાં મહાકુંભનો મેળો ચાલી રહ્યો છે ત્યારે દેશ-વિદેશથી કરોડો લોકો તેમાં ભાગ લેવા પહોંચી રહ્યા છે. આ દરમિયાન ગુજરાત સરકારે પણ શ્રદ્ધાળુઓ ઓછા ખર્ચે સારી સુવિધાઓ સાથે મહાકુંભની યાત્રા કરી શકે તે માટે વ્યવસ્થા કરી હતી. જે હેઠળ GSRTC દ્વારા મહાકુંભ માટે ગુજરાતના વિવિધ શહેરોમાંથી ST વોલ્વો બસ દોડાવવાની જાહેરાત કરાઈ હતી. જેની આજથી શરૂઆત થઇ ચૂકી છે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે મહાકુંભ માટેની એસટી વોલ્વો બસને ગાંધીનગરના સર્કિટ હાઉસથી લીલીઝંડી બતાવી હતી.
8100 રૂપિયાના પેકેજમાં 3 દિવસ અને 4 રાત્રિનો પ્રવાસ પ્રયાગરાજમાં ચાલી રહેલા કુંભમેળામાં જવા માટે ગુજરાતથી ફ્લાઈટ અને ટ્રેન ચાલી રહી છે. મુસાફરોનો ધસારાને જોતાં એરલાઈન્સ દ્વારા ખાસ ફ્લાઈટ પણ ઓપરેટ કરવામાં આવી રહી છે. હવે ગુજરાત એસટી દ્વારા કુંભમેળા માટે વોલ્વો બસ દોડાવવાનો નિર્ણય કર્યો છે. એના માટે ગુજરાત ટૂરિઝમ વિભાગ સાથે મળી પેકેજ તૈયાર કરવામાં આવ્યું છે. ગુજરાત ટૂરિઝમ અને GSRTC દ્વારા કુંભમેળા માટે જે ખાસ પેકેજ તૈયાર કરાયું છે એમાં યાત્રિકને રૂ. 8100માં 3 દિવસ અને ચાર રાત્રિનો પ્રવાસ કરાવાશે. પેકેજમાં વોલ્વો બસની મુસાફરી સાથે રહેવાની સુવિધા પણ પૂરી પડાશે. પ્રયાગરાજ ખાતે રાત્રિરોકાણ ગુજરાત પેવેલિયનની ડોરમેટરી ખાતે કરવામાં આવ્યું છે.
આ બસ અંગે સરકાર દ્વારા જણાવામાં આવ્યું હતું કે શ્રદ્ધાળુઓ સરળતાથી અને ઓછી કિંમતે મુસાફરી કરી શકે એ માટે તમામ વિભાગોએ સાથે મળીને સુવિધાઓમાં ઉમેરો કર્યો છે. આ ટુર પેકેજ માટે તમામ વ્યવસ્થાઓ કરવામાં આવી છે. જેમાં શિવપુરી ખાતે રાત્રિ રોકાણની વ્યવસ્થા પણ કરવામાં આવી છે.