સુરત કેનાલમાં પડેલા 2 લાખ ફાયરબ્રિગેડે શોધ્યા
પૂજાની સામગ્રી સાથે ભૂલથી 2 લાખ કેનાલમાં પડ્યા, ફાયરબ્રિગેડે શોધી પરિવારને પરત આપ્યા

કેનાલમાં પડેલા બે લાખ

કેનાલમાં પડેલા બે લાખ
સુરત શહેરના પુણા રોડ વિસ્તારમાં એક અનોખી અને ચિંતાજનક ઘટના સામે આવી છે. અહીં એક પરિવારે ધાર્મિક વિધિ પછી પૂજાની સામગ્રી પધરાવવા માટે કેનાલમાં નાખી હતી, પરંતુ અજાણતા સાથે 2 લાખ રૂપિયાની રોકડ રકમ પણ પાણીમાં પડી ગઈ હતી. ઘટના સામે આવતા જ ફાયરબ્રિગેડને જાણ કરવામાં આવી હતી. ત્યારબાદ ડુંભાલ ફાયર સ્ટેશનની ટીમે તાત્કાલિક સર્ચ ઓપરેશન હાથ ધરી ભારે મહેનત બાદ કેનાલમાંથી આખી રકમ શોધી કાઢી અને પરિવારને પરત આપી હતી.
આ કામગીરી દરમિયાન ફાયરબ્રિગેડના બે જવાનોને ઈજા પણ પહોંચી હતી, છતાં તેઓએ કામગીરી પૂર્ણ કરીને નાણાં સુરક્ષિત રીતે પરત આપ્યા હતા.
પૂજાની સામગ્રી સાથે ભૂલથી પૈસા કેનાલમાં ગયા :
મળતી માહિતી મુજબ, પુણાગામ રોડ પર આવેલી નિજાનંદ સોસાયટીમાં રહેતા લિંબા પરિવારે થોડા દિવસ પહેલાં ઘરમાં ધાર્મિક વિધિ અને પૂજા યોજી હતી. પૂજા પૂર્ણ થયા બાદ ફૂલો અને અન્ય સામગ્રીને ઘરમાં એક જગ્યાએ રાખવામાં આવી હતી.
આજે પરિવારના સભ્યોએ પૂજા પછીની સામગ્રી એકત્ર કરી પ્લાસ્ટિકની થેલીમાં ભરી અને તેને પુણા રોડ પર આવેલા અમેઝિયા ટાવર નજીકની કેનાલમાં પધરાવી દીધી હતી. પરિવારને તે સમયે ખબર નહોતી કે પૂજાની સામગ્રી સાથે તિજોરીમાંથી કાઢેલા 2 લાખ રૂપિયા પણ ભૂલથી એ જ થેલીમાં આવી ગયા હતા.
ઘરે પહોંચતા જ થયો ખુલાસો :
પરિવારના સભ્યો જ્યારે ઘરે પાછા ફર્યા ત્યારે તેમણે તિજોરી તપાસી. ત્યારે તેમને ખ્યાલ આવ્યો કે તિજોરીમાં રાખેલી 2 લાખ રૂપિયાની રોકડ ગાયબ છે. થોડા સમય બાદ તેમને સમજાયું કે આ રકમ પૂજાની સામગ્રી સાથે જ કેનાલમાં પધરાવી દીધી છે.
આ ઘટના જાણ થતાં પરિવારજનોમાં ચિંતા ફેલાઈ ગઈ હતી. ત્યારબાદ તેમણે તરત જ ફાયર કંટ્રોલ રૂમનો સંપર્ક કરીને મદદ માગી હતી.
ફાયરબ્રિગેડે હાથ ધર્યું સર્ચ ઓપરેશન :
માહિતી મળતા જ ડુંભાલ ફાયર સ્ટેશનની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. ફાયર સબ ઓફિસર સુનિલ ચૌઘરીના માર્ગદર્શન હેઠળ ફાયરબ્રિગેડના જવાનોએ કેનાલમાં ઉતરીને પાણીમાં સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું.
પાણીના સતત પ્રવાહ વચ્ચે પણ ટીમે ધીરજ રાખીને શોધખોળ ચાલુ રાખી હતી. થોડા સમયની મહેનત બાદ જવાનોએ પાણીમાંથી 500 રૂપિયાની નોટના ચાર બંડલ શોધી કાઢ્યા, જે કુલ મળીને 2 લાખ રૂપિયા થયા હતા.
શોધખોળ દરમિયાન બે જવાન ઈજાગ્રસ્ત :
કેનાલમાં શોધખોળ કરતી વખતે પાણીમાં રહેલા કાચના ટુકડાઓને કારણે ફાયરબ્રિગેડના બે જવાનો ઈજાગ્રસ્ત થયા હતા. તેમ છતાં તેમણે કામગીરી અટકાવી નહીં અને આખરે રોકડ રકમ શોધવામાં સફળતા મેળવી.
શોધી કાઢેલી રકમ બાદમાં લિંબા પરિવારને સુરક્ષિત રીતે પરત સોંપવામાં આવી હતી.
પરિવારએ વ્યક્ત કર્યો આભાર :
મુશ્કેલીના સમયે ફાયરબ્રિગેડે મદદરૂપ બની સમગ્ર રકમ પરત આપતા પરિવારના સભ્યોએ ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો. સાથે જ તેમની કામગીરી અને નિષ્ઠાને બિરદાવી હતી.
આ ઘટના ફાયરબ્રિગેડની સતર્કતા અને સેવાભાવનું ઉત્તમ ઉદાહરણ બની છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાતમાં ‘આમ જનમત પાર્ટી’ સામે ₹843 કરોડથી વધુના શંકાસ્પદ વ્યવહારોનો મામલો સામે આવ્યો છે! દાનના નામે નાણાંની હેરફેર, ખર્ચના બિલો અંગે સવાલો અને સરકારી તિજોરીને ₹250 કરોડથી વધુના નુકસાનનો આરોપ

પાવાગઢમાં આસો નવરાત્રિ દરમિયાન માલવાહક રોપ-વેનું કંટ્રોલ ફેઇલ થતાં ટ્રોલી અને મશીન નીચે પટકાયાં. સદનસીબે જાનહાનિ નહીં. જાણો અકસ્માતની વિગતો અને પેસેન્જર રોપ-વે સેવાની સ્થિતિ.

રસ્તા પર લારી-પાથરણાં મૂકતા લોકો માટે ચેતવણી! 23 વર્ષ જૂના વહીવટી ચાર્જમાં ચારથી પાંચ ગણો વધારો મંજૂર થયો હોવાના અહેવાલ છે. હવે જપ્ત સામાન છોડાવવા ₹3,000 સુધીનો ચાર્જ અને અલગથી સ્ટોરેજ ફી ચૂકવવી પડી શકે છે.