ડાયમંડ એસોસિએશનની મુખ્યમંત્રી સાથેની બેઠકનો ફિયાસ્કોઃ રત્ન કલાકારોમાં રોષ યથાવત
રાજ્ય સરકારે માગણીઓ સંદર્ભે યોગ્ય પ્રતિસાદ નહી આપતાં રત્ન કલાકારોની હડતાલ

સુરતમાં ‘રત્નકલાકાર એકતા રેલી’ કાઢી રત્ન કલાકારોએ સરકાર સામે નારાજગી વ્યક્ત કરી

સુરતમાં ‘રત્નકલાકાર એકતા રેલી’ કાઢી રત્ન કલાકારોએ સરકાર સામે નારાજગી વ્યક્ત કરી
હીરા ઉદ્યોગમાં ભારે મંદીનો સામનો કરી રહેલાં રત્ન કલાકારોએ પડતર માગણીઓને લઈ વિરોધ શરૂ કર્યો છે. સુરતમાં ‘રત્નકલાકાર એકતા રેલી’ કાઢી રત્ન કલાકારોએ પોતાનો બળાપો વ્યક્ત કર્યો છે. બે દિવસ સુધી હડતાળ પાડી રત્ન કલાકારોએ પડતર માગણીઓ ઉકેલવા માગ કરી છે. બે સપ્તાહ પહેલાં ગુજરાત ડાયમંડ એસોસિએશને મુખ્યમંત્રી સાથે કરેલી બેઠકનો ફિયાસ્કો થયો છે.
મુખ્યમંત્રી સાથે બેઠક કર્યા બાદ ડાયમંડ એસોસિએશને રત્ન કલાકારોને હથેળીમાં ચાંદ બતાવી યોગ્ય ઉકેલની મુખ્યમંત્રીએ ખાતરી આપી હોવાનો દાવો કર્યો હતો. બે સપ્તાહ બાદ પણ રત્ન કલાકારો મુદ્દે કાર્યવાહી નહી થતાં ડાયમંડ એસોસિએશનના દાવાની પોલ ખુલ્લી પડી ગઈ છે.
સુરત શહેરમાં રત્ન કલાકારોની કફોડી બનેલી આર્થિક સ્થિતિ વચ્ચે સરકારમાં રજૂઆતો કરવા છતાં કોઇ નિવેડો નહીં આવતા ડાયમંડ વર્કર યુનિયને 30 અને 31 માર્ચે સામુહિક હડતાળ પાડવાનો નિર્ણય કર્યો છે. રવિવારે કતારગામથી હીરાબાગ સુધી રત્નકલાકારોની રેલી યોજી વિરોધ કર્યો હતો.
સુરત ડાયમંડ વર્કર એસોસિએશને રત્ન કલાકારોને કનડગતા પ્રશ્નોને લઇ કલેકટરથી લઇને મુખ્યમંત્રી સુધી રજુઆતો કરી હતી. ડાયમંડ મજૂરીના ભાવો વધારવા માટે ઉચ્ચસ્તરીય કમિટી બનાવવા, રત્ન કલાકારને આર્થિક સહાય, આપઘાત કરનાર રત્ન કલાકારાના પરિવારોને મદદ અને વ્યવસાય વેરો નાબૂદ કરવાની માગ કરવામાં આવી હતી.
હીરા ઉદ્યોગની બે મોટી સંસ્થા જેમ્સ એન્ડ જેવલર્સ એકસપોર્ટ પ્રમોશન કાઉન્સિલ (GJEPC) તથા સુરત ડાયમંડ એસોસિએશન તરફથી રત્નકલાકારો માટે કોઇ ચોક્કસ પગલાં ભરાયા નથી. અઢી વર્ષથી રત્નકલાકારોની સ્થિતિ કફોડી હોવા છતાં ઉકેલ નહી આવતા રત્ન કલાકારોમાં આક્રોશ વધી રહ્યો છે.
વિવિધ મજૂર સંગઠનો સુરત સિલ્ક લેબર યુનિયન, ગુજરાત લેબર યુનિયન, સુરત લેબર યુનિયન, દક્ષિણ ગુજરાત સુગર કામદાર યુનિયન, કાકરાપાર અણુમથક લેબર યુનિયન જેવા સંગઠનો તેમજ કોંગ્રેસ દ્વારા ડાયમંડ વર્કર યુનિયનની લડતને સમર્થન જાહેર કરાયું છે. જો કે, હીરાની પેઢીના સંચાલકોએ લડતને સમર્થન આપ્યું નથી.
શું છે રત્ન કલાકારોની માગણીઓ?
હીરા ઉદ્યોગમાં બે વર્ષથી ભારે મંદી ચાલી રહી છે. યોગ્ય કામ અને પગાર ન મળતા રત્નકલાકારોને ઘર ચલાવવું મુશ્કેલ બન્યું છે. આર્થિક ભીંસથી કંટાળી અનેક રત્ન કલાકારો આપઘાત કરી રહ્યા છે. રત્ન કલાકારો અને ડાયમંડ વર્કર યુનિયને સરકાર પાસે રાહતની માગ સાથે પોતાની વિવિધ માગણીઓને લઈ અનેક રજૂઆતો કરી હતી. તેમ છતાં માગ સ્વીકારવામાં ન આવતા રત્ન કલાકારોએ હડતાલ પાડી છે. રત્ન કલાકાર યુનિયન દ્વારા વારંવાર પગાર વધારાની રજૂઆત કરવામાં આવી રહી છે. વર્ષોથી ફેક્ટરી સંચાલકો ખૂબ જ કમાણી કરી રહ્યા છે. તેની સામે રત્ન કલાકારોને કંઈ મળતું નથી. મંદીના માહોલમાં ફેક્ટરી સંચાલકો રત્ન કલાકારોને પૂરતો પગાર આપતાં નથી. અડધો પગાર કરી કામના કલાકો ઘટાડી દેવામાં આવતાં રત્ન કલાકારોની આર્થિક સ્થિતિ વિકટ બની છે.
ઓલ ગુજરાત ડાયમંડ એસોસિએશનની મુખ્યમંત્રી સાથેની બેઠકનો ફિયાસ્કો
બે સપ્તાહ પહેલાં ઓલ ગુજરાત ડાયમંડ એસોસિએશનના હોદ્દેદારોએ મુખ્યમંત્રી સાથે ગાંધીનગરમાં બેઠક કરી હતી. આ બેઠકમાં રાજ્યસભા સાંસદ સવજી ધોળકિય સાથે સુરત, ભાવનગર, અમરેલી, પાલનપુર ડાયમંડ એસોસિએશનો પણ જોડાયા હતા. રત્ન કલાકારોના પગાર વધારા, હીરાના ભાવમાં વધારો કરવા, રત્ન કલાકાર કલ્યાણ બોર્ડની રચના કરવા સહિતની માગણીઓ અંગે રજૂઆત કરી હતી. રત્ન કલાકારોના બાળકોની ફી ભરવા, મકાનના હપ્તા ભરવા, મકાનના ભાડા ભરવા આર્થિક પેકેજની માગણી કરી હતી.
આ ઉપરાંત બેરોજગાર રત્ન કલાકારો માટે રત્નદીપ યોજના જાહેર કરવા સહિતના મુદ્દે કમિટી બનાવવા માગણી કરી હતી. મુખ્યમંત્રી સાથે બેઠક કર્યા બાદ સુરત કલેક્ટરે હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા આગેવાનોને બોલાવી રત્ન કલાકારોની માગણીઓ સંદર્ભે ચર્ચા પણ કરી હતી. આ બેઠકને બે સપ્તાહ થવા છતાં યોગ્ય પગલાં નહી ભરાતા મુખ્યમંત્રી સાથેની બેઠકનો ફિયાસ્કો થયો છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાતમાં ‘આમ જનમત પાર્ટી’ સામે ₹843 કરોડથી વધુના શંકાસ્પદ વ્યવહારોનો મામલો સામે આવ્યો છે! દાનના નામે નાણાંની હેરફેર, ખર્ચના બિલો અંગે સવાલો અને સરકારી તિજોરીને ₹250 કરોડથી વધુના નુકસાનનો આરોપ

પાવાગઢમાં આસો નવરાત્રિ દરમિયાન માલવાહક રોપ-વેનું કંટ્રોલ ફેઇલ થતાં ટ્રોલી અને મશીન નીચે પટકાયાં. સદનસીબે જાનહાનિ નહીં. જાણો અકસ્માતની વિગતો અને પેસેન્જર રોપ-વે સેવાની સ્થિતિ.

રસ્તા પર લારી-પાથરણાં મૂકતા લોકો માટે ચેતવણી! 23 વર્ષ જૂના વહીવટી ચાર્જમાં ચારથી પાંચ ગણો વધારો મંજૂર થયો હોવાના અહેવાલ છે. હવે જપ્ત સામાન છોડાવવા ₹3,000 સુધીનો ચાર્જ અને અલગથી સ્ટોરેજ ફી ચૂકવવી પડી શકે છે.