રાજ્યમાં કેવો રહ્યો નવરાત્રીનો આઠમો દિવસ?
વરસાદી વિઘ્નો વચ્ચે પણ અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરામાં આઠમની રાત્રે ગરબાની રમઝટ જામી

‘ઓપરેશન સિંદૂર’ની થીમ પર મહાઆરતી

‘ઓપરેશન સિંદૂર’ની થીમ પર મહાઆરતી
નવરાત્રીના નવલા નોરતાની આઠમી રાત્રે ગુજરાતના મુખ્ય શહેરો અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરામાં વરસાદી વિઘ્નો વચ્ચે પણ રાસ ગરબાની રમઝટ જામી હતી. સતત બીજા દિવસે વરસાદ વરસતા વડોદરાના યુનાઈટેડ વે સહિત અમદાવાદ અને વડોદરાના કેટલાક ગરબા આયોજનો રદ્દ કરવાની ફરજ પડી હતી, જેનાથી ખેલૈયાઓમાં નિરાશા જોવા મળી. જોકે, વડોદરામાં VNFના ગરબા અને સુરતમાં કેસરિયા 3.5 નવરાત્રી જેવા આયોજનો ચાલુ રહેતા યુવાધન મન મૂકીને ગરબાના તાલે ઝૂમ્યું હતું.
5500થી વધુ વિદ્યાર્થીઓ ગરબામાં ઘૂમ્યા
વડોદરાની પારુલ યુનિવર્સિટીમાં પણ 75થી વધુ દેશોના 5500થી વધુ વિદેશી વિદ્યાર્થીઓ ગરબામાં ઘૂમ્યા હતા, જ્યારે સુરતમાં AAPના ધારાસભ્ય ગોપાલ ઈટાલિયાએ પણ પત્ની સાથે રાસ ગરબાની રમઝટ બોલાવી હતી. રાજકોટ શહેરમાં પણ પાર્ટી પ્લોટથી લઈને શેરી ગરબા સુધીની ધૂમ જોવા મળી, જેમાં પવનપુત્ર ગરબીના અવનવા રાસે આકર્ષણ જમાવ્યું હતું.
આ પણ વાંચો: નવરાત્રીના આઠમા નોરતે કરો માતા મહાગૌરીની પૂજા
‘ઓપરેશન સિંદૂર’ની થીમ પર મહાઆરતી
આ ધાર્મિક ઉત્સવ વચ્ચે ગાંધીનગરના કેસરિયા ગરબામાં એક વિશેષ આયોજન જોવા મળ્યું. અહીં ‘ઓપરેશન સિંદૂર’ની થીમ પર મહાઆરતી યોજાઈ હતી, જેમાં ICC ચેરમેન જય શાહ તેમની પત્ની સાથે ઉપસ્થિત રહ્યા હતા. આ મહાઆરતીમાં વિશાળ જનસાગરે તાળીઓના ગડગડાટથી સેનાના શૌર્યને વધાવ્યું હતું.
રાજકોટમાં એક યુવક અને કાર્યકર્તાઓ સાથે બોલાચાલી
બીજી તરફ, રાજકોટમાં ખોડલધામ નોર્થના ગરબામાં બેઠક વ્યવસ્થા બાબતે થયેલી બોલાચાલીએ હિંસક સ્વરૂપ ધારણ કર્યું હતું. સોમવારે રાત્રિના VIP પાસ સાથે આવેલો મહેકગીરી નામનો એક યુવક આગળની રોમાં બેઠો હતો. જ્યારે અન્ય VVIP મહેમાનો આવવાના હોવાથી કાર્યકર્તાઓએ તેને વિનંતીપૂર્વક પાછળની રોમાં બેસવા કહ્યું, ત્યારે તેણે કાર્યકર્તાઓ સાથે બોલાચાલી અને ડખો શરૂ કર્યો.
3થી 4 કાર્યકર્તાઓને પહોંચી ઈજા
કાર્યકર્તાઓ યુવકને ગરબા ગ્રાઉન્ડની બહાર લઈ ગયા ત્યારે, યુવકે છરી કાઢી હુમલો કર્યો હતો. આ હુમલામાં મૌલિક પરસાણા, હરિભાઈ સોરઠીયા અને અશોક ફળદુ સહિત 3થી 4 કાર્યકર્તાઓને ઈજા પહોંચી હતી, જેને કારણે તેઓને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ઘટનાની જાણ થતાં જ પોલીસના ઉચ્ચ અધિકારીઓ સ્થળ પર દોડી આવ્યા હતા અને હુમલો કરનાર યુવકની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે. ACP બી. જે. ચૌધરી એ આ મામલે પુષ્ટિ આપી હતી કે, બેઠક વ્યવસ્થા બાબતે બોલાચાલી થઈ હતી અને ઈજાગ્રસ્ત થયેલા લોકોને સારવાર અપાઈ રહી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ખાંડ રૂ.37થી રૂ.84, ડુંગળી રૂ.23થી રૂ.84 અને દાળ-તેલના ભાવમાં પણ મોટો ઉછાળો...

2023માં 4, 2024માં 19 અને 2025માં 5 કેસ... ગુજરાતમાં ગર્ભસ્થ શિશુનું લિંગ ગેરકાયદેસર રીતે જાણવા મામલે આ આંકડા શું કહી રહ્યા છે?

રાજકોટની MG હોસ્ટેલમાં એવું શું બન્યું કે 250થી વધુ વિદ્યાર્થીઓએ ભોજનનો બહિષ્કાર કરી ભૂખ હડતાળ શરૂ કરી?