નવરાત્રીના આઠમા નોરતે કરો માતા મહાગૌરીની પૂજા
નવરાત્રીના આઠમા દિવસે દેવી મહાગૌરીની પૂજા કરાય છે, આ દિવસે કન્યા પૂજનનું પણ વિશેષ મહત્વ છે

માતા મહાગૌરી

માતા મહાગૌરી
શારદીય નવરાત્રીનો આઠમો દિવસ, જેને દુર્ગા અષ્ટમી તરીકે ઓળખવામાં આવે છે, તે નવદુર્ગાના આઠમા સ્વરૂપ, મા મહાગૌરીને સમર્પિત છે. દેશભરમાં આ દિવસનું આધ્યાત્મિક મહત્વ ખૂબ જ વધારે છે, જ્યાં ભક્તો પવિત્રતા, શાંતિ અને સમૃદ્ધિના આશીર્વાદ મેળવવા માટે દેવી દુર્ગાના આ સ્વરૂપની ભક્તિભાવથી પૂજા કરે છે. નવરાત્રીના ગ્રંથો અનુસાર, દેવીનો વર્ણ 'ગૌર' હોવાથી તેમનું નામ મહાગૌરી પડ્યું છે અને તેમના ગૌરાંગની તુલના શંખ અને ચંદ્રમા સાથે કરવામાં આવે છે. મહાગૌરીનું આ સ્વરૂપ ખૂબ જ સરસ અને મોહક છે.

મહાગૌરીનું સ્વરૂપ
મહાગૌરીનું સ્વરૂપ 4 ભુજાઓથી સુશોભિત છે. તેમણે એક હાથમાં ત્રિશુળ અને બીજા હાથમાં ડમરુ ધારણ કરેલું છે, જ્યારે ત્રીજો અને ચોથો હાથ અનુક્રમે અભયમુદ્રા અને વરદમુદ્રામાં છે. તેમનું વાહન વૃષભ (બળદ) છે, તેથી તેઓને 'વૃષારુઢા' તરીકે પણ ઓળખવામાં આવે છે. દેવીનો વર્ણ ગૌર અને તેમના વસ્ત્ર-આભૂષણ શ્વેત છે, જેના કારણે તેઓ 'શ્વેતાંબરધરા' તરીકે પણ ઓળખાય છે. એવું માનવામાં આવે છે કે, તેમની પૂજા કરવાથી ભૂતકાળના પાપો, અવરોધો દૂર થાય છે અને સુમેળ તથા પરિપૂર્ણતાથી ભરેલું જીવન મળે છે.

મા મહાગૌરીની કથા
મહાગૌરીની કથા અનુસાર, નારદજીના કહેવા પર તેમણે ભગવાન મહાદેવ સાથે વિવાહ કરવા માટે કઠોર તપસ્યા કરી હતી. આ કઠોર તપસ્યાના કારણે તેમનો રંગ કાળો થઈ ગયો હતો. જ્યારે ભગવાન મહાદેવ તેમની તપસ્યાથી પ્રસન્ન થયા અને તેમને વરદાન આપવા આવ્યા, ત્યારે તેમણે ગંગાજળથી દેવીનો દેહ ધોયો. આનાથી તેઓ વિદ્યુત પ્રભા સમાન અત્યંત કાંતિમાન અને ગૌર થઈ ગયા અને ત્યારથી તેમનું નામ મહાગૌરી પડ્યું. તુલસીદાસજીએ પણ પોતાની રચનામાં પાર્વતીની આ તપસ્યાનો ઉલ્લેખ કર્યો છે. દુર્ગા અષ્ટમીના દિવસે જ્ઞાન અને બુદ્ધિના દેવી સરસ્વતીના આવાહન વિધિની શરૂઆત પણ થાય છે.

આ રીતે કરો માની પૂજા
મહાગૌરીની પૂજા વિધિ કરવા માટે ભક્તો સવારે વહેલા ઉઠીને પવિત્ર સ્નાન કરે છે. ત્યારબાદ ફૂલો, કળશ અને પવિત્ર વસ્તુઓથી બાજઠ શણગારવામાં આવે છે. મા મહાગૌરીને ખાસ કરીને સફેદ ફૂલો, નાળિયેર અને મીઠાઈઓ અર્પણ કરવામાં આવે છે. પૂજા દરમિયાન ભક્તો દુર્ગા સપ્તશતી અથવા મહાગૌરી મંત્રોનો પાઠ કરે છે. દેવીને સમર્પિત મુખ્ય મંત્ર છે: ॥ ઓમ દેવી મહાગૌર્યૈ નમઃ ॥ સાંજે આરતીકરવામાં આવે છે અને ભોગને પ્રસાદ તરીકે ભક્તોમાં વહેંચવામાં આવે છે. અષ્ટમીના દિવસે મોરપીંછ લીલો રંગ શુભ માનવામાં આવે છે, જે ઊર્જા, સમૃદ્ધિ અને સૌભાગ્યનું પ્રતિનિધિત્વ કરે છે.
સ્ત્રીની દૈવી શક્તિ પ્રત્યે આદર અને ભક્તિનું પ્રતીક
દુર્ગા અષ્ટમીના દિવસે કન્યા પૂજન અથવા કુમારી પૂજા પણ કરવામાં આવે છે, જ્યાં 9 બાળાઓની પૂજા મા દુર્ગાના વિવિધ સ્વરૂપ તરીકે કરવામાં આવે છે. ભક્તો તેમના પગ ધોવે છે, ભોજન આપે છે, ભેટો આપે છે અને આશીર્વાદ લે છે. આ ધાર્મિક વિધિ નવરાત્રીના સૌથી પવિત્ર કાર્યો પૈકી એક છે, જે સ્ત્રીની દૈવી શક્તિ પ્રત્યે આદર અને ભક્તિનું પ્રતીક છે. મા મહાગૌરીની પૂજા કરવાથી નકારાત્મકતા દૂર થાય છે અને આંતરિક શાંતિ મળે છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

આ 3 રાશિઓ ના જાતકો માટે સમય શુભ રહી શકે છે.

શીતળા સાતમ 2026નો તહેવાર 3 સપ્ટેમ્બરે ઉજવાશે. જાણો શીતળા સાતમનું ધાર્મિક મહત્વ, ટાઢી સાતમની પરંપરા, રાંધણ છઠ્ઠે બનતી વાનગીઓ, ચૂલો ન સળગાવવાની માન્યતા અને માતા શીતળાની પૂજા વિશે.

રાંધણ છઠ્ઠ 2026 નિમિત્તે ગુજરાતમાં શીતળા સાતમ માટે પરંપરાગત વાનગીઓ બનાવવાની પરંપરા છે. જાણો રાંધણ છઠ્ઠનું ધાર્મિક મહત્વ, પરંપરા, વાનગીઓ અને શીતળા સાતમ સાથેનો સંબંધ.