Dang Accident: ડાંગ જિલ્લામાં આહવા–વઘઈ રોડ પર ભવડી ગામ નજીક ઢાઢરા ફાટક પાસે ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો છે. રસ્તાની રેલિંગ તોડીને એક કાર અંદાજે 35 ફૂટ ઊંડી ખાપરી નદીમાં ખાબકતાં કારમાં સવાર ત્રણમાંથી બે વ્યક્તિના મોત થયા છે. મૃતકોમાં નાયબ મામલતદાર સંદીપ એમ. ડામોરનો પણ સમાવેશ થાય છે. જ્યારે આણંદમાં ફરજ બજાવતા નાયબ મામલતદાર સોનુ બી. બારિયાનો બચાવ થયો છે. અકસ્માતની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને ક્રેનની મદદથી કારને નદીમાંથી બહાર કાઢવામાં આવી હતી.
ગાંધીનગરથી આહવા જતાં રસ્તામાં અકસ્માત
મળતી માહિતી મુજબ, કારમાં સવાર ત્રણેય મિત્રો ગાંધીનગરથી આહવા તરફ આવી રહ્યા હતા. આ દરમિયાન વઘઈ પોલીસ સ્ટેશનની હદમાં આવતા આહવા–વઘઈ રોડ પર ભવડી ગામ નજીક ઢાઢરા ફાટક પાસે કાર ચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હોવાની શક્યતા છે. જોકે, અકસ્માતનું ચોક્કસ કારણ પોલીસ તપાસ બાદ જ સ્પષ્ટ થશે. કાર રસ્તાની રેલિંગ તોડીને સીધી અંદાજે 35 ફૂટ ઊંડી ખાપરી નદીમાં ખાબકી હતી. અકસ્માત એટલો ગંભીર હતો કે કારમાં સવાર બે વ્યક્તિના ઘટનાસ્થળે જ મોત નીપજ્યાં હતાં.
નાયબ મામલતદાર સહિત બે વ્યક્તિનાં મોત
ડાંગના DYSP ડી. કે. ડીમરીએ આપેલી માહિતી અનુસાર, કારમાં સંદીપ એમ. ડામોર, સોનુ બી. બારિયા અને શૈલેષકુમાર ડી. ગરાસિયા સવાર હતા. સંદીપ એમ. ડામોર નાયબ મામલતદાર તરીકે ફરજ બજાવતા હતા. તેઓ અગાઉ આહવામાં જમીન શાખા સાથે સંકળાયેલા હતા અને હાલમાં પ્રતિનિયુક્તિ પર નર્મદા કલ્પતરુ વિભાગમાં ફરજ બજાવતા હતા. બીજા મુસાફર સોનુ બી. બારિયા આણંદ ખાતે નાયબ મામલતદાર તરીકે ફરજ બજાવે છે. જ્યારે શૈલેષકુમાર ડી. ગરાસિયા ગળકુંદ ખાતે MPHW તરીકે ફરજ બજાવતા હતા. આ અકસ્માતમાં સંદીપ એમ. ડામોર અને શૈલેષકુમાર ડી. ગરાસિયાનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. જ્યારે સોનુ બી. બારિયાને રેસ્ક્યૂ કરીને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
ક્રેનની મદદથી કાર બહાર કઢાઈ, પોલીસ તપાસ શરૂ
અકસ્માની જાણ થતાં વઘઈ પોલીસની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. કાર ઊંડી નદીમાં ખાબકી હોવાથી તેને બહાર કાઢવા માટે ક્રેનની મદદ લેવામાં આવી હતી. બચાવ કામગીરી બાદ કારને નદીમાંથી બહાર કાઢવામાં આવી હતી. હાલમાં વઘઈ પોલીસે અકસ્માત અંગે તપાસ હાથ ધરી છે. કાર કયા કારણોસર રસ્તાની રેલિંગ તોડીને નદીમાં ખાબકી, ચાલકે કાબૂ કેવી રીતે ગુમાવ્યો અને અન્ય કોઈ પરિબળ જવાબદાર હતું કે નહીં તે સહિતનાં પાસાં તપાસવામાં આવી રહ્યાં છે. ડાંગના આહવા–વઘઈ રોડ પર બનેલી આ દુર્ઘટનામાં બે વ્યક્તિના મોત થતાં શોકની લાગણી ફેલાઈ છે. પોલીસ તપાસ પૂર્ણ થયા બાદ અકસ્માત અંગે વધુ વિગતો સામે આવી શકે છે.