ખેડા જિલ્લાના મહેમદાવાદ નગરપાલિકાની ચૂંટણી વિવાદિત બની છે. મહેમદાવાદ નગરપાલિકાની ચૂંટણી અંતર્ગત ઉમેદવાર વિજેતા બનતાં તેમના સમર્થકોએ મત ગણતરી કેન્દ્ર બહાર ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈના પોસ્ટર્સ લહેરાવ્યા હતા. ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે થઈ રહેલી મત ગણતરી સમયે લોરેન્સ બિશ્નોઈના પોસ્ટર્સ લહેરાવાતા સમગ્ર રાજ્યમાં મામલો ચર્ચાસ્પદ બન્યો છે.
મહેમદાવાદ નગરપાલિકાની સામાન્ય ચૂંટણી અંતર્ગત રવિવારે મતદાન થયા બાદ આજે સવારે મત ગણતરી હાથ ધરવામાં આવી હતી. મહેમદાવાદની સોનાવાલા હાઈસ્કુલમાં મત ગણતરી રાખવામાં આવી હતી. મત ગણતરી દરમિયાન પરિણામો જાહેર થતાં ઉમેદવારોના સમર્થકો તેમને વધાવતા હતા. તે સમયે ભાજપના ઉમેદવારની જીતને ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈના પોસ્ટર્સ લહેરાવીને વધાવવામાં આવી હતી. જેના કારણે સમગ્ર ચૂંટણી વિવાદિત બની હતી. ગેંગસ્ટરના પોસ્ટર્સ લહેરાવીને જીતની ઉજવણી કરાતા મહેમદાવાદ શહેરની સાથે સમગ્ર રાજ્યમાં મામલો ચર્ચાસ્પદ બન્યો હતો.
ભાજપના ઉમેદવારની જીત સમયે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહ મંત્રી અમિત શાહ, રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા, પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલ કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના પોસ્ટર્સના બદલે ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈના પોસ્ટર્સ લહેરાવાયા હતા. ભાજપના કેટલાક યુવા કાર્યકરોની માનસિક્તા કેટલી હદે વિકૃત થઈ છે તે આ ઘટના પરથી પુરવાર થઈ રહ્યુ છે.