કોંગ્રેસના રાષ્ટ્રીય અધિવેશનની ફળશ્રુતિ : ભાજપની B ટીમની સફાઈ કરશે
અધિવેશનથી કોંગ્રેસને શું લાભ? ગુજરાત અને દેશના રાજકારણ ઉપર શું થશે અસર?

જિલ્લા પ્રમુખોને સત્તા આપવા AICC નો નિર્ણય : કોંગ્રેસના ઈતિહાસમાં પ્રથમ વખત રાજ્ય મુદ્દે પ્રસ્તાવ

જિલ્લા પ્રમુખોને સત્તા આપવા AICC નો નિર્ણય : કોંગ્રેસના ઈતિહાસમાં પ્રથમ વખત રાજ્ય મુદ્દે પ્રસ્તાવ
સુરેશ વણોલ, અમદાવાદ
ગુજરાતમાં 64 વર્ષ બાદ કોંગ્રેસનું બે દિવસીય રાષ્ટ્રીય અધિવેશન બુધવારે પૂર્ણ થયું. અધિવેશન પૂર્ણ થવાની સાથે દેશભરમાં ચર્ચા થઈ રહી છે કે, અધિવેશનથી કોંગ્રેસને શું લાભ? અધિવેશનની ગુજરાત અને દેશના રાજકારણ ઉપર શું અસર થશે? ત્યારે અધિવેશનની ફળશ્રુતિ એ છે કે, કોંગ્રેસે ગુજરાતમાં ભાજપને ઘેરવાનો પ્લાન બનાવ્યો છે. ગુજરાતમાં સંગઠનને મજબૂત કરી તેમજ ભાજપની બી ટીમની સફાઈ કરવા અંદરખાને નિર્ણય લેવાયો હોવાનો સ્પષ્ટ સંકેત મળી રહ્યો છે. પાટીદાર રાજનીતિ ફરી શરૂ કરીને જિલ્લા પ્રમુખોને વિશેષ સત્તા આપવા AICC એ નિર્ણય કર્યો છે.
સામાન્ય રીતે કોંગ્રેસમાં નેતા એટલા જૂથ એવું કહેવામાં આવતું હતુ. ગુજરાતના નેતાઓની જૂથબંધી નાથવામાં કોંગ્રેસની રાષ્ટ્રીય નેતાગીરી નિષ્ફળ જતાં તમામ સંસ્થાઓમાંથી કોંગ્રેસને સત્તા ગુમાવવાનો વારો આવ્યો છે. લોકસભા ચૂંટણી બાદ રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ગુજરાતમાં હરાવવાની ચીમકી આપી હતી. તે દિવસથી કોંગ્રેસમાં ગુજરાતના રાજકારણને ગંભીરતાથી લેવામાં આવતુ હોવાનું જાણવા મળ્યુ છે.
ગુજરાતમાં CWCની મીટીંગ અને રાષ્ટ્રીય અધિવેશન યોજીને રાહુલ ગાંધી સહિતના નેતાઓએ ભાજપને ગુજરાતમાં ઘેરવાનો પ્લાન બનાવ્યો હોવાનું સ્પષ્ટ થયું છે. કોંગ્રેસમાં સરદાર પટેલની અવગણના કરાતી હોવાનો ભાજપ હંમેશા મુદ્દો ઉઠાવતું રહ્યું છે. તેથી સરદાર પટેલની 150 મી જન્મ જયંતિની ઉજવણી કરવાની સાથે સરદાર પટેલ સ્મારકમાં CWCની મીટીંગ અને ગાંધી આશ્રમમાં પ્રાર્થના સભા રાખી કોંગ્રેસે ફરીથી મહાત્મા ગાંધી અને સરદાર પટેલના સહારે ગુજરાતની વૈતરણી પાર કરવાનું મન બનાવ્યું છે.
પહેલા દિવસે CWC ની બેઠક સરદાર સ્મારક ખાતે યોજાઇ હતી. આ બેઠકમાં સરદાર પટેલ પર વિશેષ પ્રસ્તાવ લાવવામાં આવ્યો હતો. કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ પણ પોતાના ભાષણમાં સરદાર પટેલ અને નહેરુનો ઉલ્લેખ કર્યો હતો. સરદાર પટેલ-નહેરુ એકબીજાની વિરુદ્ધમાં હોવાનું કાવતરું ઘડતો હોવાનો ભાજપ ઉપર આરોપ લગાવ્યો હતો. આ મુદ્દાનો ઉલ્લેખ કરી ખડગેએ સરદાર અને નહેરું એકબીજાના વિરોધી હતા એવી માન્યતા ભૂંસવાનો પ્રયાસ કર્યો હતો. અધિવેશન બાદ સરદાર પટેલની PATEL A LIFE બુક આપી હતી.
ગુજરાતની રાજનીતિ પ્રત્યે ગંભીર બનીને કોંગ્રેસે ગુજરાતમાં રાષ્ટ્રીય અધિવેશન યોજ્યું. સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને મલ્લિકાર્જુન ખડગે સહિતના રાષ્ટ્રીય નેતાઓએ 2 દિવસ ગુજરાતમાં ધામા નાખ્યાં. પહેલા દિવસે યોજાયેલી પત્રકાર પરિષદમાં કોંગ્રેસે કહ્યું કે 2027માં ગુજરાત વિધાનસભાની ચૂંટણી AICC ગુજરાત કોંગ્રેસ સાથે મળીને લડશે. આ નિવેદનથી એવો સંકેત મળે છે કે વિધાનસભાની ચૂંટણી પહેલાં ગુજરાતને લગતા તમામ નિર્ણયો દિલ્હીના નેતાઓની દેખરેખમાં લેવામાં આવશે.
ગુજરાત માટે પ્રથમ વખત પ્રસ્તાવ...
કોંગ્રેસના ઈતિહાસમાં અત્યાર સુધી 86 અધિવેશન મળ્યા હતા. જેમાંથી 6 અધિવેશન ગુજરાતમાં અને 6 અધિવેશનમાંથી 3 અમદાવાદમાં મળ્યા છે. આ તમામ અધિવેશનોમાં કોઈ રાજ્ય માટે પ્રસ્તાવ રજૂ કરાયો નથી. કોંગ્રેસના અધિવેશનમાં ઇતિહાસમાં ક્યારેય કોઇ રાજ્ય માટે વિશેષ પ્રસ્તાવ લવાયો નહોતો. પરંતુ પહેલી વખત એવું બન્યું છે કે કોંગ્રેસે પોતાના અધિવેશનમાં ગુજરાત માટે વિશેષ પ્રસ્તાવ રજૂ કર્યો હતો.
ગુજરાતના લોકોને સ્પર્શતા મુદ્દાઓ ઉઠાવ્યા...
કોંગ્રેસે રાષ્ટ્રીય અધિવેશનમાં ગુજરાતને લગતા મુદ્દાઓ ઉઠાવ્યા હતા. જેમાં બ્રિજ દુર્ઘટના, પેપરલીક, કુપોષણ, શિક્ષણની ગુણવત્તા, બેરોજગારી, કરાર આધારીત કર્મચારીઓનું શોષણ, સરકારી હોસ્પિટલોમાં તબીબોની અછત, મોંઘી તબીબી સારવાર, પાક વીમા પોલિસી, ડાયમંડ અને ટેક્સટાઇલ ઉદ્યોગમાં મંદી સાથે શ્રમિકોની આત્મહત્યા, ડ્રગ્સનું દૂષણ જેવા મુદ્દાઓ રજૂ કર્યા હતા.
જાતિ આધારિત વસતી ગણતરી ઉપર ફોકસ...
કોંગ્રેસે તેલંગાણા રાજ્યમાં જાતિ આધારિત વસતી ગણતરી શરૂ કરાવ્યુ હોવાનું ઉદાહરણ આપી જાતિ આધારીત વસતી ગણતરી કરાવવા પર ભાર મૂક્યો છે. ગુજરાતમાં આદિવાસીઓને અધિકારો આપવા પણ જણાવ્યું છે. દલિતો, આદિવાસીઓ, પછાત વર્ગ, લઘુમતીઓ અને ગરીબોને સામાજિક ન્યાય મળવાની ખાતરી આપી છે. ગૌચર જમીનની સુરક્ષા કરી તેમાં વધારો કરવાની, શ્રમિકોને ફરીથી ખેડૂત બનાવવા સાંથણીની જમીન આપવા અને મહિલાઓની સુરક્ષા જેવા વાયદા પણ કર્યા છે.
પહેલી વખત ભાજપના પ્રવક્તા ટીકા-ટિપ્પણીથી દૂર રહ્યાં...
કોંગ્રેસના નેતાઓ કંઈપણ બોલે તો ભાજપના નેતાઓ તેને મુદ્દો બનાવી વિવાદિત કરતાં હતા. પ્રથમ વખત જોવા મળ્યું છે કે કોંગ્રેસના રાષ્ટ્રીય નેતાઓએ ગુજરાતમાં આવી નરેન્દ્ર મોદી અને ભાજપ સામે નિવેદનો આપ્યાં હતા. તેમ છતાં ભાજપના પ્રવક્તાઓ ટીકા-ટિપ્પણીથી દૂર રહ્યા હતા. જ્યારે પક્ષના પ્રવક્તાઓના બદલે ગુજરાત સરકારના મંત્રીઓ ઋષિકેશ પટેલ અને જગદીશ વિશ્વકર્માએ માત્ર એક વખત નિવેદન આપ્યુ હતુ.
રાહુલ ગાંધી 15 એપ્રિલની આસપાસ ગુજરાત આવશે...
કોંગ્રેસે રાષ્ટ્રીય અધિવેશન બાદ જિલ્લા અને તાલુકા પ્રમુખોને વધુ મજબૂતી અને સત્તા આપવાનો નિર્ણય કર્યો છે. અગાઉ 3 એપ્રિલે રાહુલ ગાંધીએ ગુજરાતના જિલ્લા પ્રમુખો સાથે દિલ્હીમાં બેઠક કરી રાજ્યની રાજનીતિ બાબતે ચર્ચા કરી હતી. ત્યારબાદ CWCની મીટીંગ અને અધિવેશનમાં જિલ્લા પ્રમુખોને વધુ સત્તા આપવાનો નિર્ણય કરાયો હતો. મલ્લિકાર્જુન ખડગેએ મંચ પરથી જિલ્લા પ્રમુખોને ઉમેદવાર પસંદગીની પ્રક્રિયામાં સામેલ કરવા જણાવ્યુ હતુ. જિલ્લા પ્રમુખોની પસંદગીમાં રાષ્ટ્રીય નેતૃત્વએ જોડાવાનો નિર્ણય કરી તેની શરૂઆત ગુજરાત કરવાનું નક્કી થયું છે. તેના માટે 15 એપ્રિલ આસપાસ રાહુલ ગાંધી ફરીથી ગુજરાત આવશે. રાહુલ ગાંધીની હાજરીમાં જિલ્લા પ્રમુખોની પસંદગી કરવામાં આવનાર છે. ગુજરાત બાદ 28 એપ્રિલે રાજસ્થાનમાં જિલ્લા પ્રમુખોની પસંદગી કરાશે.
જિલ્લા પ્રમુખોની પસંદગી માટે સમિતિ બનાવાશે...
કોંગ્રેસના સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ રાહુલ ગાંધીની ગુજરાત મુલાકાત પહેલાં જિલ્લા પ્રમુખોની પસંદગી બાબતે સમિતિ બનાવવામાં આવશે. જેમાં પ્રદેશ પ્રમુખ, વિધાનસભા વિરોધપક્ષના નેતા, ઝોન વાઈઝ બે નેતા અને AICCના એક પ્રતિનિધિનો સમાવેશ કરાશે. જિલ્લા અને તાલુકા પ્રમુખ ગ્રાઉન્ડ ઝીરો પર લોકોના સંપર્કમાં હોય છે. તેઓ શહેર-જિલ્લાની પરિસ્થિતિ, વાતાવરણ, સ્થાનિક રાજકારણ અને સ્થાનિક સમસ્યાઓથી સારી રીતે વાકેફ હોય છે. જિલ્લા પ્રમુખોને સત્તા અપાય તો તેઓ બધાં પાસાંને ધ્યાને રાખીને નિર્ણય લઇ શકે છે.
યુવા નેતાઓ અને સેવાદળને મહત્વ અપાય તેવી શક્યતા...
કોંગ્રેસના અધિવેશનની વ્યવસ્થામાં સેવાદળની ભૂમિકા મહત્વની હોય છે. અમદાવાદમાં યોજાયેલા અધિવેશનમાં સેવાદળે ખૂબ સારી રીતે જવાબદારી નિભાવી હતી. હાલમાં સેવાદળનું સંગઠન નબળું પડી ગયુ છે. તેથી સેવાદળને વધુ મજબૂત કરાય તેવી શક્યતા છે. કોંગ્રેસે અધિવેશન દરમિયાન નેતાઓ અને કાર્યકરોમાં જોમ પૂરવા પ્રયાસો કર્યા હતો. તેના ભાગરૂપે યુવા નેતાઓને સંબોધન કરવાની તક આપવામાં આવી હતી. કાશ્મીરથી લઈને કેરલ અને મણિપુરથી લઈને ગુજરાત સુધીના યુવા નેતાઓએ સંબોધન કરી કોંગ્રેસની પોલીસી રજૂ કરી હતી. તેથી આગામી દિવસોમાં યુવા નેતાઓને વધુ તક આપવામાં આવે તેવી પૂરેપૂરી શક્યતા છે.
ઉલ્લેખનીય છે કે, વર્ષ 2017 માં રાહુલ ગાંધીએ સીધું મોનિટરિંગ કરતાં કોંગ્રેસને 77 બેઠકો મળી હતી. વર્ષ 2022માં કોંગ્રેસનું ધોવાણ થતાં ઘટીને 17 પર આવી ગઈ છે. તેમાંથી પણ પાંચ ધારાસભ્યો ભાજપમાં જોડાઈ જતાં 12 ધારાસભ્યો સુધી સીમિત બની ગઈ છે. જ્યારે વર્ષ 2025માં સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની ચૂંટણીમાં કોંગ્રેસનો સફાયો થઈ ગયો છે. મોટાભાગની સંસ્થાઓમાં ભાજપે સત્તા મેળવી લીધી છે. આ ઉપરાંત સહકારી સંસ્થાઓ પણ કબજે કરી લીધી છે. તેથી દેશમાં સત્તા મેળવવી હશે તો કોંગ્રેસે ભાજપને ગુજરાતમાં હરાવવી પડશે. આ સૂત્રને ધ્યાનમાં રાખીને રાહુલ ગાંધીએ ભાજપને ગુજરાતમાં ઘેરવાનો પ્લાન બનાવીને વર્ષ 2027ની વિધાનસભા ચૂંટણી ઉપર ફોકસ કર્યું છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાતમાં ‘આમ જનમત પાર્ટી’ સામે ₹843 કરોડથી વધુના શંકાસ્પદ વ્યવહારોનો મામલો સામે આવ્યો છે! દાનના નામે નાણાંની હેરફેર, ખર્ચના બિલો અંગે સવાલો અને સરકારી તિજોરીને ₹250 કરોડથી વધુના નુકસાનનો આરોપ

પાવાગઢમાં આસો નવરાત્રિ દરમિયાન માલવાહક રોપ-વેનું કંટ્રોલ ફેઇલ થતાં ટ્રોલી અને મશીન નીચે પટકાયાં. સદનસીબે જાનહાનિ નહીં. જાણો અકસ્માતની વિગતો અને પેસેન્જર રોપ-વે સેવાની સ્થિતિ.

રસ્તા પર લારી-પાથરણાં મૂકતા લોકો માટે ચેતવણી! 23 વર્ષ જૂના વહીવટી ચાર્જમાં ચારથી પાંચ ગણો વધારો મંજૂર થયો હોવાના અહેવાલ છે. હવે જપ્ત સામાન છોડાવવા ₹3,000 સુધીનો ચાર્જ અને અલગથી સ્ટોરેજ ફી ચૂકવવી પડી શકે છે.