સાબરકાંઠાના પ્રાંતિજના મદરેસામાં બાળકોનું શોષણ? પોલીસે તપાસ હાથ ધરી
33 બાળકોની મેડિકલ તપાસ કરવામાં આવીઃ 7 બાળકોના શરીર પર માર માર્યાના નિશાન

પ્રાંતિજ પોલીસે 3 મૌલવીઓની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરતાં જ્યુડિશિયલ કસ્ટડી હેઠળ જેલમાં મોકલાયા

પ્રાંતિજ પોલીસે 3 મૌલવીઓની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરતાં જ્યુડિશિયલ કસ્ટડી હેઠળ જેલમાં મોકલાયા
સાબરકાંઠાના પ્રાંતિજના મદરેસામાં બાળકોને માર મારવાની ઘટના સામે આવી છે. પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાયા બાદ 33 બાળકોને મેડિકલ ચેકઅપ માટે પ્રાંતિજ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં લઇ જવામાં આવ્યા હતા. જેમાં 7 બાળકોના શરીર પર માર મારવાના નિશાન અને 8 બાળકોને મારનો દુ:ખાવો થતો હોવાનું મેડિકલ તપાસમાં સામે આવ્યું છે. મેડિકલ તપાસ બાદ બાળકોને હિંમતનગર બાળગૃહમાં મોકલી અપાયા હતા.
પ્રાંતિજના સિનેમા રોડ ઉપર એકતા કોમ્પ્લેસમાં ગેરકાયદે ચાલતા જામિયા દારૂલ અહેસાન વક્ફ મદરેસામાં મૌલવી દ્વારા બાળકોને માર મારતાં 8 બાળકો ભાગીને હિંમતનગર રેલવે સ્ટેશને પહોંચી ગયા હતા. બાળકોને માર મારવામાં આવતો હોવાની ફરિયાદ નોંધાતા પ્રાંતિજ પોલીસે ત્રણ મૌલવીની ધરપકડ કરી પૂછપરછ હાથ ધરી છે. જ્યારે મદરેસામાં ભણતા 33 બાળકોનું મેડિકલ ચેકઅપ કરવા સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં લઈ જવાયા હતા. સામૂહિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ અધિકારી ડો. હસમુખ રાઠોડ અને બાળકોના તબીબ ડો. રાહુલ પટેલની ટીમે 33 બાળકોની મેડિકલ તપાસ કરી હતી. જેમાં 7 બાળકોને માર માર્યાના નિશાન મળ્યા છે તેમજ 8 બાળકોને માર માર્યાનો દુ:ખાવો થતો હોવાનું મેડિકલ રિપોર્ટમાં આવ્યું છે. ચાર-પાંચ દિવસ અગાઉ માર માર્યો હોવાનું અનુમાન છે. મદરેસામાં રહેતા બાળકો બિહાર, મધ્યપ્રદેશ, રાજસ્થાન અને ગુજરાતના છે. 33 બાળકોનું મેડિકલ એકઅપ કર્યા પછી હિંમતનગર બાળ ગૃહમાં મોકલી અપાયા હતા.
8 બાળકો ભાગ્યા બાદ સમગ્ર મામલાનો ખુલાસો થયો
પ્રાંતિજના જામિયા દારુલ અહેસાન વકફ મદરેસામાંથી 7 દિવસ અગાઉ આઠ બાળકો ભાગીને હિંમતનગર રેલવે સ્ટેશન પહોંચી ગયા હતા. રેલવે પોલીસે પૂછપરછ કરતા મૌલવી તથા મુતવલ્લીઓ દ્વારા મદરેસાના ત્રીજા માળે આવેલા રૂમોમાં ગોધી રાખી માર મારવામાં આવતો હોવાથી ભાગી છૂટ્યા હોવાનું બાળકોએ જણાવ્યું હતું. તપાસ દરમિયાન બાળકોને માર મારી પગે તથા શરીરનાં અન્ય ભાગો પર થયેલી ઈજાને ધ્યાનમાં રાખી પોલીસે ફરિયાદ દાખલ તપાસ કરી હતી. હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં મેડિકલ કરાવ્યા બાદ ત્રણ મૌલવીઓ સામે ફરિયાદ નોંધી ધરપકડ કરી હતી. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર મદરેસામાં કુલ 46 બાળકો હતા. તેમાંથી આઠ ભાગી ગયા હતા અને બે બાળકોને તેમના વાલીઓ ઘરે લઈ ગયા છે. હાલમાં 36 બાળકોના નિવેદનો લેવામાં આવ્યા છે. આ તમામ બાળકોનું પ્રાંતિજ સરકારી દવાખાને મેડિકલ ચેકઅપ કરાવાયુ છે.
મદરેસામાં રહેતા મોટાભાગના બાળકો બિહારના છે. આ ઉપરાંત રાજસ્થાન, મધ્યપ્રદેશ અને ગુજરાતના બાળકો પણ છે. ગુજરાતના માત્ર ત્રણ બાળકો છે. તમામ બાળકોને હિંમતનગરના બાળ સુરક્ષા ગૃહમાં મોકલી આપવામાં આવ્યા છે. જ્યાં ચાઈલ્ડ વેલફેર કમિટી આગળની કાર્યવાહી કરશે. પોલીસે મદરેસાના તમામ દસ્તાવેજોની તપાસ શરૂ કરી છે.
મદરેસામાં બાળકો સાથે મારપીટનો આરોપ
હિંમતનગર રેલવે સ્ટેશન બાળકોનાં મેડિકલ ટેસ્ટ કરાવાયા હતા. એક બાળકને સાથળમાં તથા પગની પેડીમાં ચીટકીઓ ભરી લોહી જામ થઈ જાય તેવી હીન પ્રવૃત્તિ કરાઈ હોવાનું તપાસમાં બહાર આવ્યું હતું. રેલવે પોલીસે સમગ્ર ઘટના અંગે પ્રાંતિજ પોલીસને જાણ કરી હતી. મદરેસામાં ભણતા મોહંમદ રોહિત સજરૂલ ભાંટ (રહે. જગદીશપુરા, જિ. કટીહાર, બિહાર) એ મૌલવી મુફતી યુસુફ, મૌલવી મોહમંદ અનસ મેમણ અને મૌલવી મોહંમદ ફહદ વિરુદ્ધ પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી. ફરિયાદમાં જણાવાયા મુજબ મૌલવી મુફ્તી યુસુફ, મૌલવી મહંમદ અનસ મેમણ અને મૌલવી મહંમદ ફહદ બાળકોને ધાર્મિક શિક્ષણમાં ભૂલ થવા પર કે મજાક-મસ્તી કરવા પર સોટી, જાડા વાયર અને પ્લાસ્ટિકની પાઈપથી મારતા હતા. બાળકોને મદરેસાની બહાર જવા પર પ્રતિબંધ ફરમાવી દીધો હતો.
શું હતો સમગ્ર મામલો?
પ્રાંતિજનાં સિનેમા રોડ પર મદરેસામાં 50 પરપ્રાંતિય બાળકો તાલીમ મેળવે છે. આ બાળકો પૈકીનાં 36 મદરેસાની જ હોસ્ટલમાં રહે છે. 8 બાળકો અગમ્ય કારણોસર મોડી રાત્રે મદરેસામાંથી ભાગીને પ્રાંતિજ રેલવે સ્ટેશને પહોંચ્યા હતા અને રાત્રે કોઇ ટ્રેન ન હોવાથી તથા મદરેસાના (Madrasa) આચાર્ય અને શિક્ષકોના હાથે ઝડપાઇ ન જવાય તે માટે અંધારામાં રેલવે ટ્રેક પર ચાલીને ખારી-અમરાપુર રેલવે સ્ટેશન સુધી પહોંચી ગયા હતા. હિંમતનગરથી અસારવા જતી ટ્રેનમાં બેસી દહેગામ પહોંચ્યા હતા. ત્યારબાદ તેઓ અસારવાથી ઉદેપુર જતી ટ્રેનમાં બેસીને હિંમતનગર આવી રહ્યા હતા. ત્યારે હિંમતનગર સ્થિત રેલવે પોલીસ બાંગ્લાદેશીઓને શોધવા માટે ટ્રેનમાં તપાસ કરી તો 8 બાળકો ગભરાયેલી હાલતમાં મળી આવ્યા હતા. રેલવે પોલીસે તેમનો કબજો લઇ પૂછપરછ કરતાં મદરેસાના સંચાલકો દ્વારા માર મારવામાં આવતો હોવાનું જણાવ્યુ હતુ.
મદરેસાના આચાર્ય શું કહે છે?
મદરેસાના આચાર્ય કાબલી કારકુનએ જણાવ્યું કે, સંસ્થામાં ભણતા એક બાળકને લગ્નમાં જવું હતુ. સંસ્થા બાળકને એકલો જવા દેવા માંગતી ન હતી. તેથી બાળકે બીજા સાથીઓને તૈયાર કરી મદરેસામાંથી રાત્રે નિકળી ગયા હતા. મદરેસામાંથી ભાગેલા આઠ બાળકો 22 એપ્રિલ 2025નાં રોજ શિક્ષણ મેળવવા આવ્યા હતા. તેઓ દરરોજ 6 કલાકથી વધુ સમય ધાર્મિક શિક્ષણ લેતા હતા. આ મદરેસામાં ત્રણ વર્ષ સુધી મફત રાખીને બાળકોને કુરાન સહિત અન્ય ધર્મનું શિક્ષણ આપવામાં આવે છે.
ઉલ્લેખનીય છે કે, પ્રાંતિજનાં સિનેમા રોડ પર જમીઅહ દારૂલ અહેસાન મદરેસા વર્ષ 2013 થી કાર્યરત છે. પોલીસની પૂછપરછ દરમિયાન સંસ્થામાં નિયમ મુજબ રજિસ્ટર નિભાવવામાં નહી આવતું હોવાની આચાર્યએ કબૂલાત કરી હતી. આ મદરેસાના રજિસ્ટ્રેશનમાં ગરીબ નવાઝનું સરનામું હતુ. હકીકતમાં મદરેસા સિનેમા રોડ પર એક કોમ્પ્લેક્સમાં ચાલે છે. સંસ્થાએ સરનામું બદલ્યું હોવા છતાં દસ્તાવેજોમાં સુધારો કરાવ્યો નથી તેવું પોલીસ સમક્ષ મદરેસાના આચાર્યે કબલ્યુ હતુ.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાતમાં ‘આમ જનમત પાર્ટી’ સામે ₹843 કરોડથી વધુના શંકાસ્પદ વ્યવહારોનો મામલો સામે આવ્યો છે! દાનના નામે નાણાંની હેરફેર, ખર્ચના બિલો અંગે સવાલો અને સરકારી તિજોરીને ₹250 કરોડથી વધુના નુકસાનનો આરોપ

પાવાગઢમાં આસો નવરાત્રિ દરમિયાન માલવાહક રોપ-વેનું કંટ્રોલ ફેઇલ થતાં ટ્રોલી અને મશીન નીચે પટકાયાં. સદનસીબે જાનહાનિ નહીં. જાણો અકસ્માતની વિગતો અને પેસેન્જર રોપ-વે સેવાની સ્થિતિ.

રસ્તા પર લારી-પાથરણાં મૂકતા લોકો માટે ચેતવણી! 23 વર્ષ જૂના વહીવટી ચાર્જમાં ચારથી પાંચ ગણો વધારો મંજૂર થયો હોવાના અહેવાલ છે. હવે જપ્ત સામાન છોડાવવા ₹3,000 સુધીનો ચાર્જ અને અલગથી સ્ટોરેજ ફી ચૂકવવી પડી શકે છે.