Chhota Udepur Accident: નવા વર્ષની શરૂઆત સાથે જ છોટા ઉદેપુર જિલ્લામાંથી હૃદયદ્રાવક અકસ્માતના સમાચાર સામે આવ્યા છે. છોટા ઉદેપુર તાલુકાના પીપલેજ ગામ નજીક ઈકો કાર અને સ્પ્લેન્ડર મોટરસાયકલ વચ્ચે થયેલી જોરદાર ટક્કરમાં ત્રણ લોકોનાં ઘટનાસ્થળે જ મોત નીપજ્યાં હતાં. મૃતકોમાં બાઈક પર સવાર બે યુવકો અને ઈકો કારનો ચાલક સામેલ છે. એક જ અકસ્માતમાં ત્રણ જિંદગીનો અંત આવતાં સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે.
ઈકો કાર અને સ્પ્લેન્ડર બાઈક વચ્ચે ભયાનક ટક્કર
મળતી માહિતી મુજબ, છોટા ઉદેપુર તાલુકાના ભૂમસવાડા ગામના રહેવાસી મિનેશભાઈ નગીનભાઈ રાઠવા ઈકો કાર નંબર GJ 34 N 5868 લઈને પસાર થઈ રહ્યા હતા. આ દરમિયાન પીપલેજ ગામ નજીક તેમની કારની સ્પ્લેન્ડર મોટરસાયકલ નંબર GJ 34 A 6668 સાથે જોરદાર ટક્કર થઈ હતી. અકસ્માતની ટક્કર એટલી ભયાનક હતી કે બાઈક પર સવાર બંને યુવકો રસ્તા પર ફંગોળાઈ ગયા હતા. મોટરસાયકલ પર અશ્વિન ગુરુજીભાઈ રાઠવા (ઉંમર 29 વર્ષ), જે કવાંટ તાલુકાના વજેપુર ગામના રહેવાસી હતા, અને હસમુખભાઈ ઉર્ફે અશોકભાઈ રણછોડભાઈ રાઠવા (ઉંમર 36 વર્ષ), જે કવાંટ તાલુકાના રાયછા ગામના રહેવાસી હતા, સવાર હતા. અકસ્માતમાં બંને યુવકોને શરીરના વિવિધ ભાગોમાં ગંભીર ઈજાઓ પહોંચી હતી. ઈજાઓ એટલી ગંભીર હતી કે બંનેએ ઘટનાસ્થળે જ દમ તોડી દીધો હતો.
ઝાડ સાથે અથડાઈ ઈકો કાર પલટી ખાઈ
બાઈક સાથે ટક્કર થયા બાદ ઈકો કારના ચાલક મિનેશભાઈ નગીનભાઈ રાઠવાએ વાહન પરનો કાબૂ ગુમાવ્યો હતો. ત્યારબાદ કાર રસ્તાની બાજુમાં આવેલા ઝાડ સાથે અથડાઈ હતી અને પલટી ખાઈ ગઈ હતી. આ ભયાનક અકસ્માતમાં ઈકો કાર ચાલક મિનેશભાઈને પણ ગંભીર ઈજાઓ પહોંચી હતી અને તેમનું પણ ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.
એક જ અકસ્માતમાં ત્રણ પરિવાર પર આભ તૂટી પડ્યું
પીપલેજ ગામ નજીક બનેલી આ દુર્ઘટનામાં ત્રણ વ્યક્તિઓનાં મોત થતાં ત્રણ પરિવારોમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. નવા વર્ષની પ્રથમ રાત્રે બનેલી આ કરુણ ઘટનાથી સ્થાનિક લોકોમાં અરેરાટી વ્યાપી ગઈ છે. છોટા ઉદેપુરના આ અકસ્માતે ફરી એકવાર રસ્તા પર વાહન ચલાવતી વખતે સાવચેતી અને ટ્રાફિક સુરક્ષાના મહત્વને ઉજાગર કર્યું છે. અકસ્માતની ચોક્કસ પરિસ્થિતિ અને કારણ અંગે વધુ સત્તાવાર વિગતોની રાહ જોવાઈ રહી છે.