Banaskantha SMC Team Attack: ગુજરાતમાં દારૂની હેરાફેરી અને બુટલેગરોની બેફામ પ્રવૃત્તિ સામે ફરી ગંભીર સવાલો ઊભા થયા છે. રાજસ્થાનથી ગુજરાતમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ (IMFL) ઘુસાડવામાં આવી રહ્યો હોવાની બાતમીના આધારે દરોડો પાડવા ગયેલી સ્ટેટ મોનિટરિંગ યુનિટ (SMC)ની ટીમ પર બુટલેગરોએ વાહનો ચઢાવી દેવાનો પ્રયાસ કર્યો હોવાનો બનાવ સામે આવ્યો છે. દાંતીવાડા અને મારવાડા વિસ્તારમાં ફિલ્મી દ્રશ્યો સર્જાયા હતા. આ ઘટનામાં પોલીસ કર્મચારીઓ અને પંચોને નિશાન બનાવવાનો પ્રયાસ થયો હોવાનો આક્ષેપ છે, જ્યારે SMCની ક્રેટા કારને પણ ટક્કર મારવામાં આવી હતી. આ ઘટનાને પગલે બનાસકાંઠામાં દારૂની હેરાફેરી, બુટલેગરોની હિંમત અને સ્થાનિક પોલીસની કામગીરી સામે સવાલો ઊભા થયા છે. વડગામના ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીએ આ મુદ્દે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી અને ઉચ્ચ પોલીસ અધિકારીઓને નિશાન બનાવી આકરા પ્રહારો કર્યા છે.
રાજસ્થાનથી દારૂની હેરાફેરીની બાતમી, SMCએ ગોઠવી વોચ
મળતી માહિતી મુજબ, રાજસ્થાનના મેથીપુરા ગામે આવેલા પ્રદીપ મેવાડાના દારૂના ઠેકા પરથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ ભરીને કેટલીક ફોરવ્હીલ ગાડીઓ દાંતીવાડા માર્ગે ગુજરાતમાં પ્રવેશવાની હોવાની બાતમી SMCને મળી હતી. આ વાહનોનું પાયલોટિંગ દાંતીવાડાના રામનગરમાં રહેતા ગુલાબસિંહ ઉર્ફે વાસુ વાઘેલા દ્વારા કાળા રંગની સ્કોર્પિયો કારથી કરવામાં આવતું હોવાની માહિતી મળી હતી. બાતમીના આધારે SMCના પીઆઈ પી.બી. જેબલિયા સહિતની ટીમે મારવાડા અને દાંતીવાડા વિસ્તારમાં વોચ ગોઠવી હતી. આ દરમિયાન સ્કોર્પિયોની પાછળ ઇનોવા અને બ્રેઝા સહિતની દારૂ ભરેલી ગાડીઓનો કાફલો આવતો જોવા મળ્યો હતો. પોલીસે વાહનોને રોકવાનો પ્રયાસ કરતાં ચાલકોએ પોલીસ કર્મચારીઓ અને પંચોને ટક્કર મારવાનો પ્રયાસ કર્યો હોવાનો આરોપ છે. આ દરમિયાન SMCની ક્રેટા કારને પણ જોરદાર ટક્કર મારવામાં આવી હતી.
જિજ્ઞેશ મેવાણીના ગૃહમંત્રી અને ઉચ્ચ પોલીસ અધિકારીઓ પર પ્રહાર
SMCની ટીમ પર થયેલા કથિત હુમલા બાદ વડગામના ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીએ રાજ્ય સરકાર અને પોલીસ તંત્રની કામગીરી સામે સવાલો ઉઠાવ્યા છે. મેવાણીએ આક્ષેપ કર્યો કે બનાસકાંઠામાં બુટલેગરો બેફામ બની રહ્યા છે અને પોલીસ કર્મચારીઓ પર હુમલાની ઘટનાઓ વારંવાર સામે આવી રહી છે. તેમણે થોડા દિવસ પહેલાં બનાસકાંઠામાં BSFના જવાન પર થયેલા કથિત હુમલાનો પણ ઉલ્લેખ કર્યો હતો. મેવાણીએ સવાલ કર્યો કે આવી ગંભીર ઘટનાઓ છતાં જિલ્લા પોલીસ વડા (SP) અને રેન્જ IG સામે જવાબદારી નક્કી કરવા માટે તપાસ કે કાર્યવાહી કેમ કરવામાં આવતી નથી? મેવાણીએ પોલીસ તંત્રમાં જવાબદારી નક્કી કરવાની પદ્ધતિ સામે પણ સવાલ ઉઠાવ્યા હતા. તેમના મતે, કાર્યવાહી મોટાભાગે કોન્સ્ટેબલ, હેડ કોન્સ્ટેબલ, PSI અને PI સુધી મર્યાદિત રહે છે, જ્યારે ઉચ્ચ અધિકારીઓની જવાબદારી પણ નક્કી થવી જોઈએ. તેમણે ગૃહમંત્રી હર્ષ સંઘવી સમક્ષ બનાસકાંઠાના SP અને રેન્જ IG સામે કડક પગલાં લેવાની માગ કરી છે.
સ્થાનિક પોલીસ અને LCBની કામગીરી સામે સવાલ
ગાંધીનગરની SMC ટીમને રાજસ્થાનથી દારૂનો મોટો જથ્થો ગુજરાતમાં પ્રવેશવાનો હોવાની બાતમી મળે અને દરોડો પાડવો પડે, ત્યારે સ્થાનિક પોલીસ તથા LCBની કામગીરી અંગે સવાલો ઊભા થવા સ્વાભાવિક છે. સરહદી વિસ્તારમાં દારૂની હેરાફેરી રોકવા માટે સ્થાનિક પોલીસનું નેટવર્ક કેટલું સક્રિય હતું? દારૂ ભરેલી ગાડીઓ ગુજરાતમાં પ્રવેશી રહી હતી ત્યારે સ્થાનિક તંત્રને તેની જાણ હતી કે નહીં? આ મુદ્દાઓની તપાસ જરૂરી બની છે. હાલ SMC દ્વારા આ મામલે આગળની કાનૂની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જોકે, દરોડા દરમિયાન થયેલા કથિત હુમલામાં કોણ કોણ સામેલ હતું, કેટલો દારૂ ઝડપાયો અને આરોપીઓ સામે કઈ કલમો હેઠળ કાર્યવાહી થઈ છે તે અંગેની વિગતો તપાસ અને સત્તાવાર માહિતી બાદ સ્પષ્ટ થશે. બનાસકાંઠાની આ ઘટના હવે માત્ર દારૂની હેરાફેરી પૂરતી મર્યાદિત રહી નથી. પોલીસની સુરક્ષા, બુટલેગરો સામેની કાર્યવાહી અને ઉચ્ચ અધિકારીઓની જવાબદારી જેવા મુદ્દાઓને લઈને ગુજરાતના રાજકીય વર્તુળોમાં ચર્ચા તેજ બની છે.