દેશની આઝાદીના ૭૭ વર્ષ પૂર્ણ થવાના અવસરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ‘હર ઘર તિરંગા’ અભિયાન શરૂ કર્યુ છે. દેશના સ્વાભિમાનને રજૂ કરતા તિરંગાને ફરકાવવો એ દરેક દેશવાસી માટે ગૌરવ સમાન છે.
આઝાદીના અમૃતકાળમાં દેશવાસીઓએ હર ઘર તિરંગા અભિયાનમાં પોતાના ઘર-ઓફિસમાં તિરંગો ફરકાવી ગૌરવ લેવાની તક આવી છે. ત્યારે, રાષ્ટ્રધ્વજનું સન્માન જળવાય તેનો પણ ખ્યાલ રાખવાની સૌની જવાબદારી છે. ત્યારે ધ્વજ કેવો હોવો જોઇએ ? તેનું માપ કેટલું હોવું જોઈએ ? એ સહિતની બાબતોની એક સંહિતા અમલી છે.
કેન્દ્ર સરકારનો ફ્લેગ કોડ ઓફ ઇન્ડિયા-૨૦૦૨ અમલમાં છે. જેમાં રાષ્ટ્ર ધ્વજ અંગે ચોક્કસ પ્રકારની સંહિતા ઘડવામાં આવી છે. રાષ્ટ્રધ્વજનું કદ, માપ, તેને ફરકાવવા માટેની પ્રણાલી અને સમય, ક્ષત થયેલા ધ્વજના નિકાલની વ્યવસ્થાના નિયમો દર્શાવ્યા છે. હર ઘર તિરંગા અભિયાનને લઈ કેન્દ્ર સરકારે રાષ્ટ્રધ્વજને ફરકાવવા માટેના સમયના નિયમમાં વર્ષ ૨૦૨૨માં ફેરફાર કર્યો હતો.
હવેથી જાહેરમાં કે વ્યક્તિગત રીતે ઘરમાં દિવસે અને રાત્રે પણ રાષ્ટ્રધ્વજને ફરકાવી રાખી શકાશે. આ સુધારા પૂર્વે રાષ્ટ્રધ્વજને સંધ્યા સમયે સન્માન સાથે ઉતારી લેવો પડતો હતો.
રાષ્ટ્રધ્વજને લંબચોરસ રાખવો ફરજિયાત છે. પણ તેના કદનું ચોક્કસ પ્રમાણ જાળવવું પડે છે. લંબાઇ અને પહોળાઇનું પ્રમાણ ૩ અને ૨ના ગુણાંકમાં રાખવું પડે છે. જાહેર કે ઘરના મોભાદાર સ્થાન ઉપર ધ્વજ ફર ફરકાવવાનો હોય છે. ક્ષત એટલે ફાટેલો કે તૂટી ગયેલો ધ્વજ ફરકાવવો જોઇએ નહીં.
ફાટી ગયેલો ધ્વજ તુરંત ઉતારી લેવો જોઇએ. રાષ્ટ્રધ્વજને એક જ કાઠી ઉપર લહેરાવવો જોઈએ. તેની સાથે બીજો કોઇ ધ્વજ લહેરાવી શકાય નહીં. એક લાઇનમાં એક કરતા વધારે ધ્વજ ફરાવવામાં આવ્યા હોય તેવા સમયે તિરંગાથી ઉંચો કોઇપણ અન્ય ધ્વજ ફરકાવી શકાતો નથી.
નિયત કદના રાષ્ટ્રધ્વજ બનાવવા હાથશાળ, હાથવણાટ કે મશીન દ્વારા કોટન, પોલિએસ્ટર, ઉન કે સિલ્ક ખાદીનો ઉપયોગ કરવાનો રહે છે. આ નિયમમાં ૨૦૨૧માં સુધારો કરી મશીન દ્વારા નિર્મિત પોલિએસ્ટરના રાષ્ટ્રધ્વજને પણ મંજૂરી આપવામાં આવી છે.
રાષ્ટ્રધ્વજને શણગાર, ગણવેશ, એસેસરીઝના સાધન તરીકે ઉપયોગમાં લઇ શકાતો નથી. કુશન, હાથરૂમાલ, નેપકીન સહિતના કોઇપણ પ્રકારના ડ્રેસ મટીરિયલ્સમાં એમ્બ્રોડરી કરી શકાતો નથી. કોઇપણ વસ્તુની ફરતે રાષ્ટ્રધ્વજને વિટાંળી શકાતો નથી. નિયત કરાયેલા મહાનુભાવોની કારની આગળ જ રાષ્ટ્રધ્વજ લગાવી શકાય છે.
ક્ષત થયેલા એટલે કે ફાટી ગયેલા રાષ્ટ્રધ્વજનો નિકાલ વ્યક્તિગત રીતે સળગાવી અથવા તેનો પૂરા આદર સાથે અન્ય રીતે નિકાલ કરવો ઈચ્છનીય છે. કાગળથી બનેલા રાષ્ટ્રધ્વજને જાહેરમાં ફેંકી શકાતો નથી. તેનો સન્માન સાથે યોગ્ય રીતે નિકાલ કરવો જોઇએ. રાષ્ટ્રધ્વજ સંહિતામાં ઉલ્લેખિત નિયમોને ધ્યાને રાખીને રાષ્ટ્રધ્વજને પૂરા આદર સાથે ફરકાવી હર ઘર તિરંગા અભિયાનને સફળ બનાવવા દેશવાસીઓને અનુરોધ કરાયો છે.